• Home
  • News
  • ખેડૂતોની કેન્દ્ર સાથે વાતચીત:કડવાશ ખતમ, આંદોલન ચાલુ: ખેડૂતોની દિલ્હી કૂચના 35માં દિવસે મડાગાંઠ ઉકેલાવાના સુખદ સંકેત
post

ખેડૂતો માટે લંગરથી જમવાનું આવ્યું, તોમર અને ગોયલે પણ સાથે લંચ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-31 10:32:58

ગુજરાતીમાં કહેવત છે કે "જેમનાં અન્ન ભેગાં એમના મન ભેગાં". દિલ્હી સરહદે 35 દિવસથી ધરણાં કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સાતમી બેઠકમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સરકારે ખેડૂતોની બે મહત્ત્વની માંગ માની લીધી છે. હવે બાકીના મુદ્દાને લઈને ચોથી જાન્યુઆરીએ બેઠક થશે. આ બેઠક પછી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, તમે માની લો કે, ‘આજે ખેડૂતોની અડધી માંગ સ્વીકારી લેવાઈ છે.ત્યાર પછી ખેડૂત નેતાઓએ કહ્યું કે, ‘અમારી ચારમાંથી બે માંગ સ્વીકારી. એટલે અમે 31 ડિસેમ્બરે પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી રદ કરી રહ્યા છીએ.

જોકે, સરકારે બેઠકમાં આંદોલન ખતમ કરવાની અપીલ કરી. સરકારે જણાવ્યું છે કે, બાકીના બે મુદ્દાના ઉકેલ માટે સમિતિ બનશે. એ મુદ્દે ખેડૂતોએ કહ્યું કે, ‘ત્રણ કૃષિકાયદા રદ અને એમએસપીને લગતો કાયદો નહીં બને ત્યાં સુધી અમે આંદોલન ખતમ નહીં કરીએ.ખેડૂતો સાથે ભોજન લેતી વખતે તોમરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી. બાદમાં ખેડૂતોને કહ્યું કે, જો તેઓ આંદોલન ખતમ કરશે, તો એમએસપી પર કાયદો બનાવવા વિચારશે, પરંતુ ખેડૂતોએ આંદોલન ખતમ કરવાનો ઈનકાર કરી દીધો.

કેન્દ્ર સરકારે ખેડૂતોની 2 માગ સ્વીકારી
1.
પરાળ બાળવા મુદ્દે ગુનાઈત કેસ દાખલ નહીં થાય : હાલના નિયમ પ્રમાણે 1 કરોડ રૂપિયા દંડ અને 5 વર્ષ કેદની જોગવાઈ છે. સરકાર જોગવાઈ હટાવવા રાજી થઈ.
2.
વીજ એક્ટનો ડ્રાફ્ટ કાયદો નહીં બને : ખેડૂતોને અાશંકા છે કે પ્રસ્તાવિત વીજ કાયદાથી સબસિડી મળતી બંધ થઈ જશે. જોકે સરકાર હવે તે કાયદો નહીં બનાવવા રાજી થઈ.

આ બે માગ મુદ્દે 4 જાન્યુઆરીએ ફરી બેઠક થશે
1.
ખેડૂતો ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ પર મક્કમ છે.
2.
એમએસપીનો કાયદો બને જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે.

·         ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું - મંત્રીઓએ અમને કહ્યું છે કે 4 જાન્યુઆરીએ તમને સારો સંદેશ આપીશું. એટલા માટે અમે 31 ડિસેમ્બરની ટ્રેક્ટર રેલી રદ કરી રહ્યાં છીએ.

કૃષિ મંત્રીએ ખાધું ખેડૂતોનું નમક
ખેડૂતોએ 7મી બેઠકમાં પણ સરકારી ભોજન ન લીધું. ગુરદ્વારાથી લંગર આવ્યું. મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ પણ જાતે જ પીરસવા લાગ્યા. ખેડૂતોએ કહ્યું - સરકારનું આ વલણ પસંદ આવ્યું.

કૃષિમંત્રીએ કહ્યું- સારા માહોલમાં ચર્ચા વિચારણા થઈ
કૃષિ કાયદા અંગે ખેડૂત સંગઠનો તથા કેન્દ્ર સરકાર વચ્ચે બુધવારે વિજ્ઞાન ભવનમાં સાતમા તબક્કાની વાતચીત યોજાઈ છે. આશરે પાંચ કલાક સુધી ચાલેલી બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આજની બેઠક અગાઉની માફક સારા માહોલમાં યોજાઈ છે. ખેડૂત નેતાઓએ 4 મુદ્દા ચર્ચા માટે રજૂ કર્યા હતા, જે પૈકી 2 વિષયો પર સરકાર તથા યુનિયનો વચ્ચે પરસ્પર સહમતી થઈ છે. બીજી બાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે બે મુદ્દાને લઈ સહમતિ થઈ છે. હવે અન્ય બે મુદ્દાને લઈ આગામી બેઠકમાં ચર્ચા વિચારણા યોજાશે. અલબત સંપૂર્ણ સમાધાન થયું નથી. અમારું આંદોલન આગળ યથાવત રહેશે.
તોમરે કહ્યું કે ખેડૂતોની માંગમાં પહેલી એન્વાયરમેન્ટ સંબંધિત ઓર્ડિનેન્સમાં ખેડૂત તથા પરાલીને લગતી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને તેમા સામેલ કરવા જોઈએ નહીં. સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે સહમતિ બની ગઈ છે. બીજો મુદ્દો ઈલેક્ટ્રીસિટી એક્ટ અંગે છે, જે અત્યારે આવ્યો નથી. તેમને લાગે છે કે ખેડૂતોને તેનાથી નુકસાન થશે. ખેડૂતોને સિંચાઈ માટે જે સબસિડી આપવામાં આવે છે તે યથાવત રહેશે. આ બન્ને માંગને લઈ બન્ને પક્ષો સહમત થયા છે.

ખેડૂતોની આ સ્થિતિ અંગે વડાપ્રધાન દુ:ખી છે : રાજનાથ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો હતો. રાહુલે સરકારને સંવેદનહીન કહી હતી. તેના પર રાજનાથે કહ્યું કે રાહુલ મારાથી નાના છે અને કૃષિ વિશે હું તેમનાથી વધુ જાણું છું. હું ખેડૂત અને વડાપ્રધાન ગરીબ માના ગર્ભથી જન્મ્યો છું. એટલા માટે ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલ હોવાનો કોઈ સવાલ જ નથી. ખેડૂત પ્રદર્શન કરી રહ્યાં છે અને હું દુ:ખી નથી પરંતુ પીએમ તેનાથી દુ:ખી છે.

MSPને કાયદાકીય દરજ્જા અંગે કોઈ સહમતિ નહીં
તોમરે કહ્યું કે ખેડૂત યુનિયને ત્રણ કાયદાને પાછા લેવાની વાત કહી. અમે અમારા તર્ક સાથે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂતોને તકલીફ શું છે? જ્યાં તકલીફ છે ત્યાં સરકાર ખુલ્લા મનથી વિચાર કરવા માટે તૈયાર છે. MSP ના વિષયમાં પણ સરકાર અગાઉ કહી ચુકી છે કે તે અગાઉથી છે જ અને આગામી સમયમાં તે જળવાઈ રહેશે. અમે 4 તારીખના રોજ બપોરે 2 વાગે ફરી ચર્ચા કરશું અને બાકી વિષયો પર ચર્ચાને આગળ વધારશું.

ખેડૂતો અને સરકારની હવે પછીની બેઠક 4 જાન્યુઆરીએ

હવે 4 જાન્યુઆરીના રોજ કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થશે. જોકે, લંચ સમયે વાત ત્યારે બનતી જણાઈ કે જ્યારે ખેડૂતો સાથે મંત્રીઓએ ભોજન લીધું. ખેડૂતો દાળ-રોટલી તો સાથે લાવ્યા હતા પણ આ વખતેે લંચમાં તેમની સાથે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર તથા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ સામેલ થયા હતા.

આ અગાઉ વિજ્ઞાન ભવનમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓની સરકાર સાથે મીટિંગ થઈ. ખેડૂત નેતાઓએ માંગણી કરી હતી કે, આંદોલન દરમિયાન તેમના જે સાથે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ન્યાય અને વળતર મળવું જોઈએ. મીટિંગમાં સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ હાજર રહ્યા હતા.

મીટિંગ પહેલાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, નવા કૃષિ કાયદા બન્યા પછી ઉત્તર પ્રદેશમાં પાકની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેની ખરીદ કિંમત ટેકાના ભાવ કરતાં નીચા થઈ રહ્યા છે. અનાજનો ભાવ 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે. અમે મીટિંગમાં આ મુદ્દો ઉઠાવીશું.

આ દરમિયાન ખેડૂતો માટે લંચ લંગરથી આવ્યું હતું અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પિયુષ ગોયલ પણ તેમની સાથે જ લંચમાં જોડાયા હતા.

શાહે 3 મંત્રી સાથે 2 કલાક બેઠક કરીને સ્ટ્રેટેજી બનાવી
સંયુક્ત ખેડૂત મોરચાએ વાતચીત માટે રાજી હોવાનો ઈ-મેલ મંગળવારે સરકારને મોકલ્યો હતો. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે મીટિંગ કરીને સ્ટ્રેટેજી બનાવી. કૃષિમંત્રીએ શાહને જણાવ્યું, સરકારે ખેડૂતોને કેવા કેવા પ્રપોઝલ મોકલ્યા છે અને ખેડૂતોનો શું એજન્ડા છે. 2 કલાક ચાલેલી બેઠકમાં ચર્ચા થઈ કે બન્ને પક્ષોના એજન્ડામાં જે અંતર છે એને કેવી રીતે ઘટાડી શકાય.

adv

Related News

post
post
post
post
post
post
post