• Home
  • News
  • ફારુક અબ્દુલ્લાએ કહ્યુ- કાશ્મીરની સ્થિતિ ખરાબ, હવે તો શિવસેના પણ ભાજપને પૂછી રહી છે કે કલમ 370 હટાવીને તેને શું મળ્યું
post

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે કહ્યું- ખીણના લોકોનો લોકશાહીમાં વિશ્વાસ ઘટ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 12:39:01

બધા નેતાઓ મુક્ત થઇ જશે ત્યારે અમે અમારો એજન્ડા નક્કી કરીશું. હાલ કંઇ પણ કહેવું શક્ય નથી... આમ કહેવું છે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાનું. તેમણે કહ્યું કે અમે હાઇકોર્ટમાં અરજી કરી છે કે અમારા ઘણા નેતાઓ ગેરકાયદે રીતે કેદ છે. ખુદાનો આભાર કે એક વર્ષ બાદ ઘણા નેતાઓને ઘરે જવાની મંજૂરી મળી. હું અન્ય નેતાઓને કૉલ કરીને જાણીશ કે તેઓ મુક્ત થયા કે નહીં? સરકારનું કહેવું છે કે એક રાજકીય પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે, જે પૂરી થતાં જ અમે મુક્ત રીતે હરી-ફરી શકીશું. હું આશા રાખું છું કે અમારા નેતાઓને ફરી કેદ નહીં કરાય.

ફારુક કહે છે કે કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ, કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, શરદ પવાર અને સીતારામ યેચુરીએ આગળ આવીને વાત મૂકી છે. ત્યાં સુધી કે શિવસેનાએ પણ ભાજપને પૂછ્યું છે કે કલમ 370 હટાવીને તમને શું મળ્યું? દેશભરમાંથી અવાજ ઊઠી રહ્યો છે કે ખીણમાં અન્યાય થયો છે. તેમનું કહેવું છે કે કાશ્મીરમાં જે થયું છે તે અંગે અમે શાંત તો નહીં બેસીએ. અમે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમની સમસ્યાઓમાંથી બહાર લાવવા માગીએ છીએ અને ઇચ્છીએ છીએ કે રાજ્યમાં સંપન્નતા જળવાઇ રહે. બધા નેતાઓ આઝાદ થશે ત્યારે અમે મળીશું અને સાથે બેસીને અમારો રાજકીય એજન્ડા નક્કી કરીશું.

કલમ 370 હટ્યા પછીની ખીણની સ્થિતિ અંગે અબ્દુલ્લા કહે છે કે દરેક વ્યક્તિ જાણે છે કે ખીણમાં શું થયું છે? લોકો ખરાબ પરિસ્થિતિમાં છે. જે થયું તે પછી અહીંના લોકોનો લોકશાહી પર વિશ્વાસ ઘટ્યો છે. મેં 5 ઓગસ્ટે એક બેઠક બોલાવી હતી, જેમાં આ અંગે ચર્ચા થવાની હતી પણ બેઠક ન થવા દેવાઇ. ગુપકર ડિક્લેરેશન અમારો મુખ્ય એજન્ડા છે. પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તીની નજરકેદથી પણ અમે દુ:ખી છીએ. ખીણમાં પંચ-સરપંચ અને રાજકીય કાર્યકરો પર થયેલા હુમલા અંગે ખેદ વ્યક્ત કરતા તેઓ કહે છે કે આ હુમલાની નિંદા થવી જોઇએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post