• Home
  • News
  • પિતા-પુત્ર-પુત્રીને કારે ફંગોળ્યા, પતિ સામે પત્નીનું મોત:ગાંધીનગરના કોબા પાસે કારે એક્ટિવા સવાર પરિવારને ટક્કર મારી, પિતા-પુત્રીના મોત, સુરતમાં પત્ની ડમ્પર નીચે કચડાઈ
post

પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની અટકાયત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 18:25:38

ગાંધીનગર: ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બંને સંતાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં 17 વર્ષીય દીકરીનું પણ મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનોનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો તેમજ કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોએ અમદાવાદ-કોબા હાઇવે રોડ પર ચક્કાજામ કરી દેતાં ઈન્ફોસિટી અને અડાલજ પોલીસનો કાફલો દોડી ગયો હતો. આ ઉપરાંત સુરતમાં પણ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઈકસવાર દંપતીને પૂરપાટ જતાં ડમ્પરે અડફેટે લીધું હતું. જેથી પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું.

મૃતક યુવક મનપાના દંડકના સગા ભાઈ
ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરી રોડ પર પટકાયાં હતાં, જેમાં પિતાનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું છે, જેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દંડક તેજલબેન પારેખના સગા ભાઈ છે.

લોકોએ હાઇવે ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ
આ અકસ્માતને પગલે સ્થાનિકોએ અમદાવાદ-કોબા હાઇવે ચક્કાજામ કરી દેતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી. અકસ્માત કરનાર ફોર-વ્હીલ ગાડીમાં નબીરા બેઠા હતા. ત્યારે બેફામ રીતે કાર ચલાવતા ટોળાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં પોલીસકાફલો પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

એક્ટિવા લઈ બાળકોને સ્કૂલે મૂકવા જતા હતા
આ અંગે તેજલબેનના પતિ અને કોબા ગામના પૂર્વ સરપંચ યોગેશભાઈ નાયીએ જણાવ્યું હતું કે તેમના સાળા ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. રાબેતા મુજબ આજે સવારે ભાસ્કરભાઈ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી ઝરણા (ઉં. 17)અને દીકરા જીઆન (ઉં. 8)ને સ્કૂલે મૂકવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા.

પુત્રીનું પણ સારવાર દરમિયાન મોત
આ દરમિયાન કોબા કમલમ કાર્યાલય પાસેનાં રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી ફોર-વ્હીલ ગાડીના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એને કારણે ભાસ્કરભાઈ અને બંને સંતાન ઊછળીને રોડ પર પટકાયાં હતાં, જેમાં ભાસ્કરભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બંને સંતાનોને ગાંધીનગરની તથાસ્તુ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ઝરણાનું સારવાર દરમિયાન મોત થયું છે.

પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની અટકાયત કરી
આ બનાવને પગલે રોષે ભરાયેલા ટોળાએ આક્રોશ વ્યક્ત કરેલો કે અત્રે કોબા કમલમ કાર્યાલય હોવાથી વીવીઆઈપી મૂવમેન્ટ રહેતી હોય છે, જેના કારણે અહીં સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવામાં આવ્યાં નથી. અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતાં વીવીઆઈપી મૂવમેન્ટને લીધે રોડ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની પણ અટકાયત કરી લીધી છે.

adv

Related News

post
post
post
post
post
post
post