• Home
  • News
  • ફેડરર ઘૂંટણની ઇજાના કારણે US અને ફ્રેન્ચ ઓપનમાં રમી શકશે નહિ; જોકોવિચ કોરોનાના કારણે US ઓપનમાંથી નામ પાછું લઈ શકે છે
post

રોજર ફેડરરે સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા, તેણે 4 ફેબ્રુઆરીમાં જમણા ઘૂંટણની સર્જરી કરાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:37:02

સ્વિત્ઝરલૅન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરર (39) ને જમણા ઘૂંટણે ઇજા થઈ છે. તેના લીધે ફેડરર આ વર્ષે US અને ફ્રેન્ચ ઓપન સહિત કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહિ. જોકે, કોરોનાવાયરસના કારણે બંને ગ્રાન્ડ સ્લેમને બાદ કરતા લગભગ બધી ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી છે. 

તે જ સમયે, સર્બિયાનો નોવાક જોકોવિચ કોરોના મહામારીને કારણે યુએસ ઓપનમાંથી નામ પાછું લેવાનું વિચારી રહ્યો છે. વર્લ્ડ નંબર -1 જોકોવિચે આ વર્ષની શરૂઆતમાં રેકોર્ડ 8 મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું.

કોરોનાને કારણે વિમ્બલ્ડન રદ્દ
આ વર્ષે ન્યૂયોર્કમાં US ઓપન 24 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી રમાશે. અહીં કોરોનાની સ્થિતિ બહુ ખરાબ છે. તેના એક અઠવાડિયા પછી 13 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ફ્રેન્ચ ઓપન રમાશે. પહેલા આ ટૂર્નામેન્ટ 24 મેના રોજ શરૂ થવાની હતી. કોરોનાને કારણે વિમ્બલ્ડન પહેલા જ રદ્દ કરાયું હતું.

2021ની શરૂઆતમાં વાપસી કરશે ફેડરર
ફેડરરે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ જમણા ઘૂંટણની સર્જરી કરાવી હતી. ત્યારે તેણે ટેનિસથી લગભગ 4 મહિના દૂર રહેવાનો પ્લાન બનાવ્યો હતો. ફેડરરે બુધવારે ટ્વીટ કર્યું કે, તે 2021ની શરૂઆત સુધી ટેનિસથી દૂર રહેશે. તેણે100 % તૈયાર થવા સમય માગ્યો છે.

મોટાભાગના ખેલાડીઓ US ઓપન રમવા માગતા નથી
તે જ સમયે, જોકોવિચે સર્બિયન ટીવી ચેનલને મંગળવારે કહ્યું હતું કે, કોરોનાને કારણે ન્યૂયોર્કમાં ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ દરમિયાન પરિસ્થિતિ પડકારજનક હશે. તેણે કહ્યું, "મેં જે ખેલાડીઓ સાથે વાત કરી છે, તે ત્યાં જવા માટે તૈયાર ન હતા. હાલના સંજોગોને જોતા, હું સપ્ટેમ્બરમાં કલે કોર્ટ પર ટેનિસ સત્ર ચાલુ રાખી શકું છું. " અમેરિકામાં બુધવાર સુધીમાં 20.45 લાખથી વધુ લોકો સંક્રમિત મળ્યાં છે. તેમાંથી 1 લાખ 14 હજાર 151 લોકોનાં મોત થયા છે.

ફેડરર સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે
રોજર ફેડરર 20 ટાઇટલ સાથે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડીઓની સૂચિમાં પ્રથમ સ્થાને છે. તેણે 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 US ઓપન અને એક ફ્રેન્ચ ઓપન જીત્યો છે. તે જ સમયે, જોકોવિચ પાસે 17 ગ્રાન્ડ સ્લેમ છે. તેણે 8 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વિમ્બલ્ડન, 1 ફ્રેન્ચ ઓપન અને 3 US ઓપન ટાઇટલ પોતાના નામે કર્યા છે.