• Home
  • News
  • અમદાવાદના અવધ આર્કેડમાં ભીષણ આગ:ધુમાડો ઉપરના માળ સુધી પહોંચતાં નાસભાગ, ફાયરબ્રિગેડની 10 ગાડી દોડી આવી, બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને રેસ્ક્યૂ કરાયા
post

બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને બહાર કઢાયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 17:55:33

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડ નામના બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો છે. આગનો ધુમાડો ઉપર સુધી પહોંચતાં નાસભાગ મચી હતી. જોકે આજે રજાનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં વધારે વ્યક્તિ હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. ચાર વ્યક્તિને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને બહાર કઢાયા
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, જીવરાજ પાર્ક વિસ્તારમાં અવધ આર્કેડ નામના બિલ્ડિંગમાં ભોંયરામાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા ચાર લોકોને અત્યારસુધીમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ભોંયરામાંથી ધુમાડો ઉપર સુધી ગયો હતો, જેને કારણે બિલ્ડિંગમાં જેટલા લોકો ફસાયેલા હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આગ ક્યા લાગી એ જાણી શકાયું નથી
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જીવરાજ પાર્ક અવધ આર્કેડમાં લાગેલી આગ હાલમાં કાબૂમાં આવી ગઈ છે. માત્ર ધુમાડો છે, જેને હાલમાં બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જોકે હાલ આગ ક્યાં લાગી છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. આગ કેવી રીતે લાગી એ અંગે એફએસએલ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

લિફ્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો કોલ આવ્યો
ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઇનાયત શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની આ બિલ્ડિંગ હતી. ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો કે, બિલ્ડિંગમાં ભોયરામાં લિફ્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે અને એક માણસ ફસાયો છે. જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઈને તપાસ કરતા ભોયરામાં આગ લાગી હતી અને ખૂબ જ ધૂમાડો ફેલાઈ ગયો હતો.

કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી
વધુમાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડના જવાનોની અલગ અલગ ટીમો બનાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. બે કલાકમાં ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્રણ મહિલા અને એક પુરુષ એમ કુલ ચાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post