• Home
  • News
  • હોસ્પિટલમાં આગની વણથંભી ઘટનાઓ યથાવત:રાજ્યમાં ચાર મહિનામાં અમદાવાદ સહિતના 4 શહેરોમાં આગના બનાવ, 2 ઘટનામાં 13 દર્દીઓ ભડથું થયા
post

હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાતું નથી જેના કારણે દર્દીઓએ જીવ ગુમાવવાના વારા આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 10:22:27

ગઈકાલે મદ્યરાતે પાંચ-પાંચ કોરોનાના દર્દીઓ આગમાં જીવતા બળીને ભડથું થયા હતા. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ થંભવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દર્દીઓ આગમાં જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતના શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. ત્યારે આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગમાં 13 દર્દીઓ ભડથું થયા છે.

હોસ્પિટલોમાં આગની ઘટના રોકાઈ રહી નથી
અવારનવાર કોવિડ સહિતની હોસ્પિટલોમાં આગના બનાવ બનતાં રહે છે. ઘટના બને ત્યારે સરકાર તપાસ પંચ રચીને છટકતી રહે છે. ઉદય શિવાનંદ હોસ્પિટલના આગના બનાવમાં પણ સરકારે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને તપાસ સોંપી છે. હાઈકોર્ટ પણ સરકાર સામે કડક વલણ અખત્યાર કરે છે. છતાં કોવિડ હોસ્પિટલમાં સરકારે એવી કોઈ ખાસ કાર્યવાહી નથી કરી કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવ્યું છે આગની ઘટનાઓ રોકી શકાય. હોસ્પિટલમાં નાનકડો સ્પાર્ક થાય તો પણ આગ લાગે છે. ત્યારે રાજ્યમાં આગના બનાવો રોકાઈ રહ્યા નથી અને બધું જ અધ્ધરતાલ ચાલી રહ્યું છે.

 

રાજ્યમાં કોવિડ સહિતની હોસ્પિટલમાં આગની ઘટનાઓ
6
ઓગસ્ટે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીના મોત થયા હતા
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

 

25 ઓગસ્ટે જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી
25
ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતા જ 4 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી. તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

 

8 સપ્ટેમ્બરે વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી
ગત સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે જાનહાની ટળી હતી.

26 નવેમ્બરની કાળી રાતની આગ રાજકોટમાં એ પાંચ દર્દીને ભરખી ગઈ
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post