• Home
  • News
  • એમએસ ધોનીના પાંચ રેકોર્ડ્સ, જે આગામી સમયમાં તોડવા બહુ અઘરા સાબિત થશે!
post

ધોનીએ 350 વનડેમાં 123 વાર બેટ્સમેનને સ્ટમ્પ કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:35:49

એમએસ ધોનીએ શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થકી નિવૃત્તિ જાહેર કરી હતી. ધોનીની સૌથી મોટી તાકાત તેનું ક્રિકેટિંગ બ્રેન અને કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી હતી. આજે ધોનીએ નિવૃત્તિ લીધી, તેમ છતાં તેના નામે 5 એવા રેકોર્ડ્સ છે, જે આગામી સમયમાં તોડવા બહુ અઘરા સાબિત થઈ શકે છે.

1) ICCના ત્રણેય ટાઇટલ જીતનાર એકમાત્ર કેપ્ટન

·         ધોનીએ 2007માં ભારતને દક્ષિણ આફ્રિકામાં T-20 વર્લ્ડ કપ જીતાડયો હતો. ત્યારબાદ 2011માં ઘરઆંગણે વનડે વર્લ્ડ કપ અને 2013માં ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી. તે ત્રણેય ICC ટાઇટલ જીતનાર એકમાત્ર કેપ્ટન છે અને હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ ન કરાવવાનું હોવાથી આ રેકોર્ડ તોડવો અશક્ય છે.

2) કેપ્ટન તરીકે સૌથી વધુ મેચમાં ટીમની કપ્તાની

·         ધોનીએ 332 ઇન્ટરનેશનલ મેચમાં ભારતની કપ્તાની કરી હતી. જેમાં 200 વનડે, 60 ટેસ્ટ અને 72 T-20નો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 324 મેચ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. ધોની અત્યારે વર્લ્ડનો એકમાત્ર કેપ્ટન છે, જેણે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ મેચમાં ટીમની કપ્તાની કરી છે.

3) વનડે ફાઇનલમાં સૌથી વધુ જીત

·         ધોનીએ 6 વખત મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટમાં ભારતને લીડ કર્યું છે અને તેમાંથી ચાર વખત જીત મેળવી છે. આ મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટમાં કોઈપણ કેપ્ટનની સૌથી વધુ જીત છે. ઓવરઓલ ધોની 110 વનડે જીત્યો છે, જે ઓલટાઇમ કેપ્ટન તરીકે બીજી સૌથી વધુ જીત છે.

4) વનડેમાં સૌથી વધુ નોટઆઉટ

·         ધોની વનડેમાં સૌથી વધુ 84 વાર નોટઆઉટ રહ્યો છે. આ સૂચિમાં સાઉથ આફ્રિકાનો શોન પોલોક 72 નોટઆઉટ સાથે બીજા સ્થાને છે. 84માંથી તે ચેઝ કરતી વખતે 51 વાર નોટઆઉટ રહ્યો, તેમાંથી ભારત 47 મેચ જીત્યું, 2 હાર્યું અને મેચમાં ટાઈ પડી હતી.

5) વનડેમાં સૌથી વધુ સ્ટમ્પિંગ

·         ધોનીના સ્ટમ્પિંગ અંગે ફેન્સ ઘણા ફની મીમ્સ બનાવતા હોય છે. ધોનીએ 350 વનડેમાં 123 વાર બેટ્સમેનને સ્ટમ્પ કર્યા છે. આ સૂચિમાં શ્રીલંકાનો કુમાર સંગાકારા 99 સ્ટમ્પિંગ સાથે બીજા સ્થાને છે. ધોની સ્ટમ્પ પાછળ એટલો સારો હતો કે, તેના જજમેન્ટ અને રિએક્શન પરથી ફેન્સને ખબર પડી જતી હતી કે બેટ્સમેન આઉટ છે કે નહિ.