• Home
  • News
  • સુરતમાં ખાડીઓના લેવલ ઘટતા પૂરના પાણી ઓસરવાનું શરૂ, સંપૂર્ણ પાણી ઉતરતા હજુ એક દિવસ લાગવાની શક્યતા
post

પાણી આસર્યા પણ ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:20:08

સુરત: ખાડી પૂરથી ઘેરાયેલા સુરત સિટી માટે રાહતના સમાચાર આવ્યા છે. સુરત શહેર સાથે જિલ્લામાં વરસાદનું જોર ઘટતા ખાડીઓના લેવલમાં ઘટાડો થયો છે. જેના પગલે ખાડી પૂરના પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે. શહેરના લિંબાયત, સણીયા હેમદ અને પરવત પાટીયા વિસ્તારમાં ખાડી કિનારે અને વધુ નીચાણમાં છે તે વિસ્તારમાં હાલ પાણી છે. જ્યારે અન્ય વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે. જ્યારે સૌથા વધુ નીચાણવાળા વિસ્તારમાંથી સંપૂર્ણ પાણી ઉતરતા હજુ એક દિવસ લાગી શકે તેની શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે, હજુ પાંચ દિવસ વરસાદની આગાહીના પગલે ચિંતામાં વધારો થયો છે.

ત્રણ દિવસથી વીજ સપ્લાય બંધ
સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં શહેરની ખાડીઓના લેવલ ઘટતા પાણી ઓસરવાના શરૂ થયા છે. પરંતુ મીઠી ખાડી કિનારા વિસ્તારમાં સતત ચોથા દિવસે ખાડી પૂરની સ્થિતિ છે. ખાડી પૂરથી તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં ત્રણ દિવસથી વીજ સપ્લાય બંધ હોવાથી લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે. પરવત પાટીયા રણછોડનગરમાં રહેતા અને ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા પાણી સમિતિ ચેરમેન હિંમત બેલડિયાએ જણાવ્યું કે, મળસ્કે 3 વાગેથી પાણી ઓસરવાના શરૂ થયા હતા. ધીમેધીમે પાણી ઓસરી રહ્યા છે. આ સ્થિતિ જોતાં સંપૂર્ણ પાણી ઉતરતા હજુ 1 દિવસનો સમય લાગી શકે છે.

જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ
પાલિકા તેમજ કેટલીક સ્થાનિક સંસ્થાઓએ પણ ઠેરઠેર ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતાં. ખાડી પૂરના અસરગ્રસ્તોને બોટથી પાણીની બોટલો સપ્લાય કરી હતી. જોકે, તે પણ પૂરતા પ્રમાણમાં ન હોય લોકોએ તરસ્યા રહેવાની નોબત આવી હતી તેમજ નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ન કરાતા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ખાડીના પાણીથી રોગચાળાની ભીતી
ખાડી પૂર ફરી વળ્યા છે તે વિસ્તારોના લોકોમાં કોરોના મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળવાનો ડર ઉદ્ધભવ્યો છે. ગંદકી, દૂર્ગંધને લીધે લોકો પરેશાન થઈ ઉઠ્યાં છે તેથી પાલિકા તાકિદે દવા છંટકાવ, સાફસફાઈ તથા વિશેષ કરીને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવા માંગ થઈ રહી છે. લિંબાયત, પરવટગામ, કુંભારિયા સહિતના મોટેભાગના વિસ્તારોમાં પૂરના પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે પરંતુ ગંદા પાણીને લીધે આ વિસ્તારોમાં અસહ્ય દૂર્ગંધ આવી રહી છે અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા આરોગ્યલક્ષી કામગીરી પાલિકા થાય તેમજ નુકશાનનું ‌વળતર મળે તેવી લોકોએ માંગ કરી છે.

ખાડીનું લેવલ
કાંકરા ખાડી-6.10, ભયજનક સપાટી 6.50 મીટર છે.
ભેદવાડ ખાડી-5.50, ભયજનક સપાટી 6.75 મીટર છે.
મીઠી ખાડી-8.20, ભયજનક સપાટી 7.50 મીટર છે.
ભાઠેના ખાડી-6.20, ભયજનક સપાટી 7.70 મીટર છે.
સીમાડા ખાડી- 4.10, ભયજનક સપાટી 5.40 મીટર છે.


adv

Related News

post
post
post
post
post
post
post