• Home
  • News
  • વિરાટ કોહલીની ટેસ્ટ એવરેજ 5 વર્ષમાં પ્રથમ વખત 50ની નીચે આવી
post

કોહલીના હવે 101 ટેસ્ટ મેચમાં 49.95ની એવરેજથી 8043 રન બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 11:22:32

બેંગ્લોર: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાઈ રહી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ચાહકોને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગની આશા હતી. પરંતુ પૂર્વ કેપ્ટેન ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી નથી શક્યા. 

મેચના બીજા દિવસે વિરાટ બીજી ઈનિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલીને સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમાએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. કોહલી મિડ-વિકેટ એરિયામાં બોલને રમવા માંગતો હતો પરંતુ બોલ ખૂબ જ નીચે પડી ગયો અને તે બોલની લાઈન ચૂકી ગયો હતો.

કોહલીની ટેસ્ટ એવરેજ 50ની નીચે

હવે બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ કોહલીની ટેસ્ટ એવરેજ પણ 50ની નીચે આવી ગઈ છે. કોહલીએ આ મેચમાં પોતાની 50ની એવરેજ જાળવી રાખવા માટે 43 રન બનાવવાના હતા પરંતુ તે શક્ય ન હતું બન્યું. કોહલીના હવે 101 ટેસ્ટ મેચમાં 49.95ની એવરેજથી 8043 રન બન્યા છે. આ દરમિયાન તેમણે  27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીની ટેસ્ટ બેટિંગ એવરેજ 2017માં શ્રીલંકા સામેની કોલકાતા ટેસ્ટની બીજી ઇનિંગ બાદ 40 ટેસ્ટમાં પ્રથમ વખત 50થી નીચે આવી છે.

પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 23 રન 

કોહલીએ શનિવારે ભારતની પ્રથમ ઈનિંગમાં 48 બોલમાં 23 રનોનું યોગદાન આપ્યું હતું. તેમને પાર્ટ ટાઈમ સ્પિનર ધનંજય ડિ સિલ્વાએ આઉટ કર્યો હતો. આ ઈનિંગમાં પણ કોહલી આઉટ થયા બાદ દંગ રહી ગયો હતો અને પીચને નિહાળતો નજર આવ્યો હતો.