• Home
  • News
  • કામાખ્યા મંદિરમાં 500 વર્ષમાં પહેલીવાર અંબુવાચી ઉત્સવ બહારના સાધકો વિના ઉજવાશે, અઘોરીઓ પણ આવી શકશે નહીં
post

સરકારે હોટલો અને ગેસ્ટહાઉસને બુકિંગ ન લેવા માટે જણાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 11:45:37

લોકડાઉનના કારણે આસામના શક્તિપીઠ કામાખ્યા મંદિરનો પ્રસિદ્ધ અંબુવાચી મેળો આ વર્ષે યોજાશે નહીં. લગભગ 500 વર્ષમાં પહેલીવાર આવું થઇ રહ્યું છે, જ્યારે મંદિરના સૌથી મોટા પર્વમાં કોઇ બહારના સાધક સામેલ થઇ શકશે નહીં. 22થી 26 જૂનની વચ્ચે યોજાતો આ મેળામાં દુનિયાભરથી તંત્ર સાધક, નાગા સાધુ, અઘોરી, તાંત્રિક અને શક્તિ સાધક એકઠા થાય છે. પરંતુ, આ વર્ષે કોરોનાવાઇરસના કારણે આ પર્વની પરંપરાઓને મંદિર પરિસરમાં થોડાં જ લોકોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવશે.

ગુવાહાટી પ્રશાસને મંદિરની આસપાસ રહેલ હોટેલ્સ, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસને પણ જણાવ્યું છે કે, હાલ તેઓ કોઇ બુકિંગ લે નહીં. અંબુવાચી મેળો કામાખ્યા મંદિરનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. અહીં દેવીની પૂજા યોનિ સ્વરૂપમાં થાય છે, એવું માનવામાં આવે છે કે, અંબુવાચી ઉત્સવ દરમિયાન માતા રજસ્વલા થાય છે, દર વર્ષે 22 થી 25 જૂન સુધી મંદિર બંધ રાખવામાં આવે છે. 26 જૂને શુદ્ધિકરણ બાદ દર્શન ખોલવામાં આવે છે.

અંબુવાચી મેળા દરમિયાન દર વર્ષે અહીં 10 લાખથી વધારે લોકો આવે છે. મંદિર બંધ રહે છે, પરંતુ મંદિરની બહાર તંત્ર અને અઘોર ક્રિયા કરનાર સાધકો માટે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, આ સમયે તેઓ પોતાની સાધનાઓ કરે છે. મંદિરના મુખ્ય પૂજારી મોહિત સરમાના કહેવા પ્રમાણે આ વર્ષે પરંપરાઓ તેવી જ રીતે થશે જેમ દર વખતે થાય છે, માત્ર મેળો યોજાશે નહીં અને બહારથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે.

અંબુવાચી મોનસૂનનો ઉત્સવ છેઃ-
અંબુવાચી સંસ્કૃત શબ્દ અમ્બુવાક્ષીથી બન્યો છે. સ્થાનિક ભાષામાં તેને અમ્બુબાચી કે અમ્બુબોસી કહેવામાં આવે છે. તેનો અર્થ મોનસૂનની શરૂઆતથી પૃથ્વીના પાણીને સાચવીને રાખવું થાય છે. આ એક મોનસૂન ઉત્સવ જેમ છે.

અહીં સતીનો યોનિ ભાગ પડ્યો હતોઃ-
કામાખ્યા મંદિરને દેશના 51 શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે સતીએ જ્યારે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિ સમાધિ લીધી હતી અને તેના વિયોગમાં ભગવાન શિવ તેમનું શબ લઇને ત્રણેય લોકમાં ફરી રહ્યા હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શબને કાપી નાખ્યું હતું. જ્યાં-જ્યાં તેમના શરીરના અંગ પડ્યાં હતાં. ત્યાં શક્તિપીઠ સ્થાપિત થયાં. કામાખ્યામાં સતીનો યોનિ ભાગ પડ્યો હતો. ત્યારે અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઇ હતી. વર્તમાન મંદિરનું નિર્માણ 15મી સદીમાં માનવામાં આવે છે.

તંત્ર અને અઘોર સાધકો માટે અંબુવાચી ઉત્સવ મુખ્ય છેઃ-
અંબુવાચી ઉત્સવ દુનિયાભરના તંત્ર અને અઘોરપંથના સાધકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. માન્યતા છે કે, અહીં આ દરમિયાન પરાશક્તિઓ જાગૃત રહે છે અને દુર્લભ તંત્ર સિદ્ધિઓની પ્રાપ્તિ સરળતાથી થાય છે. 26 જૂને જ્યારે મંદિર ખુલે છે ત્યારે પ્રસાદ સ્વરૂપે સિંદૂરમાં પલાળેલું તે જ ભીનું કપડું આપવામાં આવે છે, જે દેવીના રજસ્વલા થતી વખતે ઉપયોગમાં લેવામાં આવ્યું હોય. કપડામાં રહેલું સિંદૂર ખૂબ જ સિદ્ધ અને ચમત્કારી માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post