• Home
  • News
  • IPLના ઈતિહાસમાં પહેલીવાર:રન મારવામાં નિષ્ફળ રહેતા અશ્વિન રિટાયર્ડ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો, આવું કરનારો ટૂર્નામેન્ટનો પ્રથમ બેટર બન્યો
post

સમગ્ર ક્રિકેટ જગતમાં અશ્વિનના આ નિર્ણયના વખાણ થઈ રહ્યા છે કારણ કે તેણે ટીમના હિતમાં આ નિર્ણય લીધો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 11:13:44

મુંબઈ: રાજસ્થાન રોયલ્સ અને લખનઉ વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં રાજસ્થાનની ઇનિંગ દરમિયાન આર અશ્વિને પોતાને રિટાયર્ડ આઉટ કર્યો હતો. અશ્વિને આ નિર્ણય ઇનિંગની 19મી ઓવરમાં લીધો હતો. મેચની ડેથ ઓવરોમાં મોટા શોટ મારવામાં તે નિષ્ફળ સાબિત થતો હતો. તે માત્ર સ્ટ્રાઈક રોટેટ કરી રહ્યો હતો. તેણે બેટિંગની શરૂઆત સારી કરી હતી, પરંતુ બાદમાં તે બોલને બાઉન્ડ્રી પાર કરી શક્યો નહોતો. આ કારણે અશ્વિને અચાનક આ નિર્ણય લીધો અને અમ્પાયરને આ વાત કહીને ડ્રેસિંગ રૂમમાં ગયો. તેની જગ્યાએ રિયાન પરાગ બેટિંગ કરવા આવ્યો હતો.

અશ્વિન IPLના ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનારો પહેલો ખેલાડી છે. તે ટી-20 ક્રિકેટમાં આવું કરનાર ચોથો ખેલાડી છે. સમગ્ર ક્રિકેટ જગતમાં અશ્વિનના આ નિર્ણયના વખાણ થઈ રહ્યા છે કારણ કે તેણે ટીમના હિતમાં આ નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે 67 રન પર RRની 4 વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ અશ્વિને 5મી વિકેટ માટે હેટમાયર સાથે 68 રનોની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. તેણે 2 સિક્સ પણ ફટકારી હતી. તેણે હેટમાયરની સામે છેડે વિકેટ બચાવીને રાખી એટલે 20મી ઓવરમાં 165નો સ્કોર બની શક્યો.

હેટમાયરની આક્રમક ઈનિંગ
રાજસ્થાન રોયલ્સની જીતનો અસલી હીરો શિમરોન હેટમાયર છે. કૃણાલ પંડ્યાએ તેનો કેચ છોડી જીવનદાન આપ્યું હતું ત્યાર બાદ તો તેણે બોલરોને રિતસરના ધોઈ નાંખ્યા. 36 બોલમાં તાબડતોડ 59 રનોની ઈનિંગ રમી નાંખી, તેમાં એક ચોગ્ગો અને 6 છગ્ગા સામેલ હતા.

છેલ્લી બે ઓવરનો રોમાંચ
લખનઉને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 34 રનની જરૂર હતી. લખનઉના માર્કસ સ્ટોઈનિસ અને આવેશ ખાન ક્રિઝ પર હતા. 19મી ઓવરમાં રાજસ્થાનનો પ્રસિદ્ધ ક્રિષ્ના બોલિંગ કરવા આવ્યો અને તેણે 19 રન આપ્યા, છેલ્લી ઓવરમાં લખનૌને જીતવા માટે 15 રનની જરૂર હતી અને અહીં જ અનકેપ્ડ કુલદીપ સેને અજાયબી કરી બતાવી. સ્ટોઇનિસ આ ઓવરમાં 15 રન બનાવી શક્યો નહોતો અને રાજસ્થાને લખનૌને 3 રનથી હરાવ્યું હતું.