• Home
  • News
  • ઉનાળામાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી 121.28 મીટર નોંધાઈ
post

સૌની યોજના થકી રાજ્યને પાણી પહોંચાડવા કેનાલમાં 5000 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, રાજ્યમાં પાણીની અછત નહીં સર્જાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 10:16:06

રાજપીપળા: દેશમાં હાલમાં ચાલતા ચોથા લોકડાઉન વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર સામા આવ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા બંધ હાલમાં 121.28 મીટરે પહોંચ્યો છે. ઉનાળામાં આ સમયે અત્યારસુધીની સૌથી ઉંચી સપાટી નોંધાઈ છે. બંધમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં સંગ્રહિત હોવાથી ગુજરાતના અન્ય જીલ્લાઓમાં ઉનાળુ સિઝનમાં પાણી પહોંચાડવામાં પણ સરળતા રહેશે. સૌની યોજના થકી રાજ્યને પાણી પહોંચાડવા કેનાલમાં 5000 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.


હાલ 10776 ક્યૂસેક પાણીની આવક
નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના વીજ મથકના ટર્બાઇન ચાલુ થતાં તેમાંથી ડિસ્ચાર્જ પાણી સીધું જ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવામાટે પાણી પહોંચાડવામાં બંધ સક્ષમ બન્યો છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં પાણીની માંગ વધતા સૌની યોજના થકી ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધની મુખ્ય કેનાલમાં 5 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ માર્ગે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે સાચા અર્થમાં નર્મદા બંધ રાજ્યની જીવાદોરી સાબિત થયો છે.

હાલ જળાશયમાં 1449.89 મિલિયન ક્યુબીક મીટર પાણી

ડેમના દરવાજા લગાવ્યા બાદ ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. આ વર્ષે પણ સારા વરસાદના એંધાણ છે. એટલે નર્મદા બંધના સરદાર સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકાશે. હાલ જળાશયમાં 1449.89 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહિત છે. જેથી આ વર્ષ ખૂબ સારું રહેશે. આ વર્ષે પાણીની તંગી નહીં પડે. -  આર.જી કાનુગો, અધિક્ષક ઈજનેર, નર્મદા બંધ.

adv

Related News

post
post
post
post
post
post
post