• Home
  • News
  • 1 નવેમ્બરથી LPG સિલિન્ડરની ડિલિવરીથી લઈને SBIના વ્યાજદર સહિત 7 નિયમ બદલાશે, બેંકમાં પૈસા જમા કરાવવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે
post

1 નવેમ્બર, એટલે કે રવિવારથી રસોઈ ગેસના સિલિન્ડરથી લઈને ટ્રેનના ટાઇમ ટેબલ સહિત અન્ય ફેરફાર થવા જઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 12:11:01

પહેલી નવેમ્બરથી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. એ સીધા તમારા ખિસ્સા અને જીવનને અસર કરશે, તેથી આ નિયમોની જાણકારી તમને અગાઉથી જ હોય એ જરૂરી છે. 1 નવેમ્બર, એટલે કે આ રવિવારથી LPG સિલિન્ડરથી લઇને ટ્રેનના ટાઇમ ટેબલ સહિત ઘણા પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે. તો ચાલો, આ નવા નિયમો વિશે જાણીએ...

1. LPG ડિલિવરીના નિયમ બદલાશે
LPG
સિલિન્ડર માટે ડિલિવરીના નિયમ 1 નવેમ્બરથી બદલાઈ જશે. ઓઇલ કંપનીઓ 1 નવેમ્બરથી ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગુ કરશે, એટલે કે ગેસની ડિલિવરી લેતાં પહેલાં ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવશે ત્યારે એ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે અને OTP સિસ્ટમ સાથે મેચ થશે એટલે તરત જ સિલિન્ડર આપી દેવામાં આવશે.

2. ઇન્ડેન ગેસે બુકિંગ નંબર બદલ્યો
જો તમે ઇન્ડેન ગેસ-સિલિન્ડર વાપરતા હો તો હવેથી તમે જૂના નંબર પરથી ગેસ બુક નહીં કરાવી શકો. ઈન્ડેને તેના LPG ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુક કરાવવા માટે એક નવો નંબર મોકલ્યો છે. હવે દેશભરના ઇન્ડેન ગેસગ્રાહકોએ LPG સિલિન્ડર બુક કરવા માટે 7718955555 પર કોલ અથવા SMS કરવો પડશે.

3. ગેસ-સિલિન્ડરના ભાવ બદલાશે
રાજ્યની ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. કિંમતોમાં પણ વધારો થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. આવી સ્થિતિમાં 1 નવેમ્બરના રોજ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. ઓક્ટોબરમાં ઓઇલ કંપનીઓએ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો.

4. ટ્રેનનું ટાઇમ ટેબલ બદલાઈ જશે
ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. 1 નવેમ્બરથી ભારતીય રેલવે દેશભરની ટ્રેનોના ટાઇમ ટેબલને બદલવા જઈ રહ્યું છે. 1 નવેમ્બરથી ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ બહાર પાડવામાં આવશે. આ પગલાથી 13 હજાર મુસાફરો અને 7 હજાર માલવાહક ટ્રેનોનો સમય બદલાશે. 1 નવેમ્બરથી દેશની 30 રાજધાની ટ્રેનોના ટાઇમ ટેબલ પણ બદલવામાં આવશે તેમજ તેજસ એક્સપ્રેસ ચંદીગઢથી નવી દિલ્હી વચ્ચે દોડશે અને 1 નવેમ્બરથી દર બુધવારે ઊપડશે.

5. SBI સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે

1 નવેમ્બરથી SBIના કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમોમાં પરિવર્તન આવશે. SBIના સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. હવે 1 નવેમ્બરથી જે સેવિંગ બેંક અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની જમા થયેલી રકમ પર વ્યાજનો દર 0.25%થી ઘટીને 3.25% કરવામાં આવશે, જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ પર હવે રેપો રેટ પ્રમાણે વ્યાજ મળશે.

6. BOBમાં પૈસા જમા કરાવવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે

1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા (BOB)માં નિયત મર્યાદાથી વધુનું બેંકિંગ કરવા પર અલગથી ચાર્જ લાગશે. આ દિવસથી ગ્રાહકો મહિનામાં ત્રણ વખત પછી લોન અકાઉન્ટ માટે જેટલી વખત પૈસા ઉપાડશે તેટલી વખત 150 રૂપિયા ચૂકવવા પડશે. સેવિંગ અકાઉન્ટની વાત કરીએ તો ખાતાધારકો ત્રણ વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ જો ગ્રાહકોએ ચોથી વખત પૈસા જમા કરાવ્યા તો તેમણે 40 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે તેમજ, જન ધન ખાતાના લોકોને આમાં થોડી રાહત મળી છે. તેમને જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જોકે ઉપાડ પર તેમને 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

7. કેરળમાં MSP યોજના લાગુ થશે
કેરળ સરકારે શાકભાજીનો આધાર ભાવ નક્કી કર્યો છે. આ સાથે, કેરળ શાકભાજી માટે ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ (MSP) નક્કી કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. શાકભાજીનો આ લઘુતમ અથવા આધાર ભાવ ઉત્પાદનખર્ચ કરતાં 20% વધુ હશે. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનએ કહ્યું હતું કે આ યોજના 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post