• Home
  • News
  • જી.કે. હોસ્પિટલના કોવિડ વોર્ડ પાસે આગનું છમકલું : ઇન્ચાર્જે કહ્યું ધુમાડાએ દર્દીઓ માટે ‘હવન’ જેવું કામ કર્યું !
post

બે સપ્તાહ પહેલાં વિદ્યુત પેનલમાં ખામી સર્જાઇ હતી, ગુરૂવારે અદ્યતન હોસ્પિટલમાં ફરી શોર્ટ સર્કિટ થઇ !

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 10:59:07

થોડા સમય પહેલાં અમદાવાદ, સુરત અને જામનગરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી એવામાં ભુજની જનરલ હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ પાસેની ટેબલમાં આગ લાગવાનો બનાવ બહાર આવ્યો છે. જો કે, આ છમકલું નાનું હોતાં સદ્દભાગ્યે કોઇ જાન હાનિ કે નાસભાગ મચી ન હતી પણ કોવિડ યુનિટના ઇન્ચાર્જે આગના ધુમાડાએ કોરોનાના દર્દીઓ માટે હવનનું કામ કર્યું છે તેવું બેજવાબદાર નિવેદન આપીને આશ્ચર્ય સર્જયું છે. બે સપ્તાહ પહેલાં ભોંય તળિયે વિદ્યુત પેનલમાં ખામી સર્જાઇ હતી અને ગુરૂવારે અદ્યતન હોસ્પિટલમાં ફરી શોર્ટ સર્કિટ થઇ હતી.

હોસ્પિટલના બીજા માળે જ્યાં કોરોના દર્દીઓ માટે કોવિડ સેન્ટર ઊભુ કરાયું છે, તેની બાજુમાં આવેલા સ્ટોર રૂમમાં સવારે કોઈ કારણથી આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ટેબલ સળગતા ત્યાં જ આગ બુઝાવવા માટેના ફાયર ઇન્સ્ટીગ્યુશર દ્વારા બે મિનિટમાં જ આગ ઓલવી દેવાઈ હતી. જો કે, ત્યાં સુધી ધુમાડો કોરોના પેશન્ટ જ્યાં દાખલ છે, તે રૂમમાં ફેલાયો હતો. પરંતુ કોઈ અફરા તફરી મચી નહોતી.

આ અંગે આ વોર્ડની જેના પર જવાબદારી છે તેવા કોવિડ 19 સેન્ટરના એડમિન હેડ વિષ્ણુ મોહનને પરિસ્થિતિ જાણવા રૂબરૂ મુલાકાત લઈ પૂછતા તેમણે બેફિકરાઈ બતાવી એવું કહ્યું હતું કે,’અચ્છા હુઆ આગ લગી, હવન કે ધૂંએ કી તરહ પેશન્ટ ભી શુદ્ધ હો ગયે !અલબત્ત કોઈ જાનહાનિ નથી થઈ કે, ચિંતા થાય તેવી ઘટના બની નથી તે સારું જ છે. પરંતુ એક જવાબદાર વ્યક્તિ આવી વિચિત્ર ટિપ્પણી કરે તે કેટલું શોભનીય છે ? સમગ્ર ઘટના અંગે આસી. કલેકટર મનીષ ગુરવાણી કે જેને હાલમાં જ કચ્છની કોવિડ 19 ની વધારાની જવાબદારી સોંપાઈ છે તેમનો સંપર્ક સાધતા તેમણે વાતને પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે, સવારે આવી નાની ઘટના નોન પેશન્ટ એરિયામાં બની હતી, પણ તરત આગને કાબૂમાં લેવાઇ હતી.

પ્રતિભાવ ટાળવા પ્રયાસ : ખો ખો નો ખેલ
કોવિડ યુનિટના ઇન્ચાર્જે આપેલા બેજવાબદાર નિવેદન માટે પ્રતિક્રિયા જાણવા હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીનો સંપર્ક સાધતાં પોતે રજા પર હોવાનું કહીને સિવિલ સર્જન પાસે વિગતો હશે તેમ જણાવ્યું હતું. સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચનો ફોન નો રિપ્લાય તેમજ વ્યસ્ત આવતાં તેમનો પ્રતિભાવ પણ જાણી શકાયો ન હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post