• Home
  • News
  • ગડકરીએ ખાતરી આપી:2 વર્ષ બાદ સસ્તાં થઈ જશે ઇલેક્ટ્રિક વ્હીકલ, પેટ્રોલ-ડીઝલનાં વાહનોની સમકક્ષ EVની કિંમત આવી જશે
post

તેમણે કહ્યું હતું કે આગામી બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનો એકસરખી કિંમતથી વેચાણ થવાનું શરૂ થશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-09 10:48:59

દેશમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો સામે ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વેચાણને ઉત્તેજન આપવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે. ફેમ સ્કીમ અંતર્ગત આ વાહનો પર સબસિડી આપવામાં આવી રહી છે. જોકે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ તથા ડીઝલથી સંચાલિત વાહનોની તુલનામાં ઘણી વધારે છે. આ સંજોગોમાં કેન્દ્રીય પરિવહન અને ધોરીમાર્ગ બાબતના મંત્રી નીતિન ગડકરીએ ખાતરી આપી છે કે આગામી 2 વર્ષમાં ઈલેક્ટ્રિક ગાડીઓની કિંમત પેટ્રોલ-ડીઝલની ગાડીઓની સમકક્ષ આવી જશે.

ગડકરીએ ધ સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન, ડેનમાર્ક તરફથી આયોજિત એક વેબિનારમાં કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વ્હીકલ ચલાવવાનો પડતર ખર્ચ પેટ્રોલ વાહનોની તુલનામાં ખૂબ જ ઓછો છે, જેથી એને ટૂંક સમયમાં ખૂબ જ મોટે પાયે અપનાવવામાં આવશે. એનાથી એની કિંમતમાં પણ ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે આગામી બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનો એકસરખી કિંમતથી વેચાણ થવાનું શરૂ થશે.

ઇ-વ્હીકલ પર લાગતો GST ફક્ત 5 ટકા
ગડકરીએ વધુમાં કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વ્હીકલ પર GST ફક્ત 5 ટકા છે, જ્યારે પેટ્રોલ વાહનો પર 48 ટકા છે. વર્તમાન સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં ઉપયોગમાં લેવામાં આવતા લિથિયમની વધારે કિંમતને લીધે ઈલેક્ટ્રિક વાહનોના પડતર ખર્ચમાં વધારો થાય છે. જોકે ભવિષ્યમાં લિથિયમના વધારે ઉત્પાદનથી કિંમતમાં ઘટાડો આવશે. એને લીધે ઈલેક્ટ્રિક વાહનોની કિંમતમાં પણ ઘટાડો જોવા મળશે.

લિથિયમ બેટરીનું 81 ટકા ઉત્પાદન દેશમાં
લિથિયમ બેટરીની કિંમત ઓછી કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. લિથિયમ બેટરીની કુલ જરૂરિયાતના 81 ટકા ઉત્પાદન સ્થાનિક સ્તર પર થઈ રહ્યું છે. સસ્તી બેટરી કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે એ માટે સતત સંશોધન ચાલી રહ્યું છે. અમારો લક્ષ્યાંક છે કે 2030 સુધી 30 ટકા પ્રાઈવેટ કાર, 70 ટકા કોમર્શિયલ કાર તથા 40 ટકા બસ ઈલેક્ટ્રિક કરી દેવામાં આવે.

ચાર્જિંગ પોઇન્ટ પર સતત કામ થઈ રહ્યું છે
સરકારનું લક્ષ્ય ભારતને ઈલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદનનું સેન્ટર કરવાનું છે. વર્તમાન સમયમાં બજાજ અને હીરો જેવી ભારતીય દ્વિચક્રિય કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવતાં 50 ટકા ઈ-વ્હીકલની નિકાસ કરવામાં આવે છે. આગામી બે વર્ષમાં દેશમાં હજારો ચાર્જિંગ પોઇન્ટ તૈયાર થશે. માર્ગો ઉપરાંત બજાર વિસ્તારોમાં પણ 350 ચાર્જિંગ પોઇન્ટ લગાવવાની પ્રક્રિયા અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી છે. પેટ્રોલ પંપોને પણ તેમના કેમ્પસમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સુવિધાનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post