• Home
  • News
  • ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિક અને કોંગ્રેસના નેતાની મિત્રએ ગોળી મારી હત્યા કરી, પાંચની અટકાયત
post

એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિકને છાતીમાં ગોળી ધરબી દેતા તેનું મોત

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 14:22:21

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે આઠ મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે મિત્રો વચ્ચે માથાકૂટ થતાં એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણીયાને છાતીમાં ગોળી ધરબી દેતા તેનું મોત નીપજ્યું છે. ત્યારે બે મિત્રો કારમાં મોડી રાત્રે ફરાર થઈ ગયા હતા. તેમજ અન્ય મિત્રોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. આ પ્રકરણમાં તલવાર વડે પણ હૂમલો કરાયો હતો, જેમાં ફરાર થયેલા બે મિત્રોમાંથી એકને વાગી હોવાનું પોલીસે નિવેદન આપ્યું છે.

આઠ મિત્રો દારૂ પીવા બેઠા હતા
ગાંધીનગરનાં હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય પાર્ટી પ્લોટના માલિક પ્રવિણ કલ્યાણ માણીયા, જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્રો ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા.

પાર્ટી આપવા બાબતે તકરાર થઇ
પરમીટની મોંઘીદાટ વિદેશી દારૂની મહેફિલ માણતા સમયે પાર્ટી આપવા બાબતે થોડીક તકરાર થઇ હતી. જેથી તમામ મિત્રો અંદરો અંદર બાખડી પડ્યા હતા. એવામાં પ્રવિણભાઈ અને જયદીપસિંહ તેમજ તરુણસિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. ત્યારે જયદીપસિંહે પોતાની પાસેની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.

પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી
જેનાં કારણે પ્રવિણભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ફાયરીંગ કર્યા પછી જયદીપ સિંહ અને તરુણસિંહ ઝાલા કારમાં ભાગવા લાગ્યા હતા. તે વખતે સંતોષ ભરવાડે તેમને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જેથી જયદીપસિંહ અને તરુણસિંહે સંતોષને લાફા ઝીંકી દીધા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. જેનાં કારણે સંજય ભરવાડને પણ ઇજા થઇ હતી.

સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરવાં કવાયત હાથ ધરી
પ્રવીણ ભાઇને આશકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ છાતીમાં ગોળી વાગી હોવાથી તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. તેમજ સંજયની પણ ત્યાં સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સેકટર - 7 પીઆઈ ડી એસ ચૌધરી, ઈન્ફોસિટી પીઆઈ પી પી વાઘેલા, લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલા, જે એચ સિંધવ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરવાં કવાયત હાથ ધરી હતી.

મહેફિલ માણતા મિત્રોને કસ્ટડીમાં લઈ લીધા
પોલીસે દારૂની મહેફિલ માણતા મિત્રોને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અંગે સેક્ટર 7 પીઆઈ ડી એસ ચૌધરીએ જણાવ્યું હતું કે, સિધ્ધરાજ ઝેડ પ્લસમાં રહેતા 57 વર્ષીય પ્રવીણ ભાઈ માણીયા મૂળ ભાવનગરના છે તેમજ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે રાત્રે સામ્રાજ્ય પાર્ટીપ્લોટમાં 8 મિત્રો દારૂ પીવા બેઠા હતા. તે દરમિયાન બગોદરા તારાપુરના જયદીપ સિંહ ગોહિલ તેમજ મૂળ સુરેન્દ્રનગરના તરુણ સિંહ ઝાલા સાથેની માથાકૂટ દરમિયાન જયદીપસિંહે લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને પ્રવીણભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.

માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો
જયદીપસિંહ તેમજ તરુણ સિંહનું એક મકાન બોપલ વિસ્તારમાં પણ આવેલું છે જેઓ ગઈકાલે કાર લઈને દારૂ પીવા માટે આવ્યાં હતા. કોઈક બાબતે માથાકૂટ થતા ખૂની ખેલ ખેલાયો હતો. હાલમાં અન્ય મિત્રોની સંડોવણી છે કે નહીં તે બાબતે પૂછતાંછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પૈસાની માથાકૂટમાં થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરીંગમાં પ્રવીણભાઈનું મોત થયું હોવાની ચર્ચા વહેતી થઈ છે.

બે વખત ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા
વિશ્વસનીય સૂત્રો એ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ કોંગ્રેસ તરફથી ભાવનગર જિલ્લા પંચાયતની ચુંટણી બે વખત લડયા હતા અને હારી ગયા હતા. તેમજ જમીન લેવેચ વ્યવસાય સિવાય તેમને રેતીની લીઝ પણ ચાલે છે. જેમના પરિવારમાં પત્ની તેમજ બે સંતાનો છે. દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. આ ફાર્મ હાઉસ પર અવારનવાર દારૂની મહેફિલ તેઓ યોજતા હતા. પરંતુ ગઈકાલની મહેફિલ તેમની છેલ્લી મહેફિલ સાબિત થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post