• Home
  • News
  • અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આવતીકાલથી બંધ
post

શહેરમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-17 12:18:13

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31મી માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિ વધારે વણસી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના તમામ બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલાં અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

સિવિલમાં કોરોનાના દર્દીઓમાં વધારો
અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે, જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા એવા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમર્જન્સીના તૈયાર કરવામાં આવ્યાં છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.

ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહિ કરે, જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post