• Home
  • News
  • ગાવસ્કર ફરી વિવાદોમાં સંપડાયા:કહ્યું- શિમરોન હેટમાયરની પત્નીએ ડિલિવરી કરી દીધી છે, શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવર કરશે?
post

તેમણે કહ્યું, 'શિમરોન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ છે. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવર કરશે?' આ ટિપ્પણી બાદ તેમની ટીકા થઈ રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-21 18:11:36

મુંબઈ: ભૂતપૂર્વ ક્રિકેટર અને IPL કોમેન્ટેટર સુનીલ ગાવસ્કર પોતાની ટિપ્પણીને કારણે ફરી વિવાદોમાં ફસાયા છે. હવે તેમણે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શિમરોન હેટમાયરની પત્ની પર ટિપ્પણી કરી છે. જે બાદ ગાવસ્કરની ટીકા થઈ રહી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ચાહકો તેમને IPLની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે.

IPLમાં શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. રાજસ્થાન રોયલ્સને પ્લે ઓફમાં પહોંચવા માટે જીતની જરૂર હતી. હેટમાયર જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે રાજસ્થાનને 52 બોલમાં 75 રનની જરૂર હતી. હેટમાયર તાજેતરમાં પિતા બન્યો છે. તે પોતાના પહેલા બાળકના જન્મ માટે IPLની મધ્યમાં પોતાના દેશ પરત ફર્યો હતો. જેના કારણે તે કેટલીક મેચોમાં રાજસ્થાન તરફથી રમી શક્યો ન હતો. હવે તે બાળકના જન્મ પછી પાછો ફર્યો છે અને રાજસ્થાન દ્વારા ચેન્નઈ સામેની પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગાવસ્કરે હેટમાયરના પિતા બનવા પર કટાક્ષ કર્યો અને કોમેન્ટ્રી દરમિયાન તેની પત્ની અને તેના પર ટિપ્પણી કરી.

તેમણે કહ્યું, 'શિમરોન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ છે. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવર કરશે?' આ ટિપ્પણી બાદ તેમની ટીકા થઈ રહી છે.

વિરાટની પત્નીને લઈને પણ કરી હતી કમેન્ટ
આ પહેલો કિસ્સો નથી કે ગાવસ્કરે આ પ્રકારની ટિપ્પણી કરી હોય. અગાઉ, 2020 IPL દરમિયાન, કોહલીના ફોર્મને લઈને તેની પત્ની અનુષ્કા શર્મા પર ટિપ્પણી કરી હતી. જે બાદ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ગાવસ્કરના નિવેદનની ટીકા કરી હતી. બાદમાં ગાવસ્કરે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે અનુષ્કા પર આક્ષેપ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા, મારો મતલબ એ હતો કે કોહલી અને ધોની જેવા બેટ્સમેનોને લોકડાઉનમાં પ્રેક્ટિસ કરવાની તક મળી નથી.

હેટમાયરે આ સિઝનમાં 60ની એવરેજથી બનાવ્યા
હેટમાયરે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમાયેલી 12 મેચોમાં 60ની એવરેજથી 297 રન બનાવ્યા છે. જેમાં અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જો કે, ચેન્નઈ સામેની મેચમાં તે ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 7 બોલમાં 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે પ્રશાંત સોલંકીના હાથે કેચ આઉટ થયો હતો.

પ્લેઓફમાં પહોંચી રાજસ્થાન
રાજસ્થાન રોયલ્સ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. રન રેટના આધારે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ અને લખનઉ જાયન્ટ્સ ત્રીજા સ્થાને છે.