• Home
  • News
  • ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં સુંદર યુવતીના ફોટાનો ઉપયોગ કરનારી યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો
post

સરસપુરની યુવતીએ બાપુનગરની યુવતીનો ફોટો લઈ તેના નામે ફેક ID બનાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 11:25:43

અમદાવાદ: સોશિયલ મીડિયાના વધતા વ્યાપ સામે હવે લોકોમાં પોતાની જાતને વધુ પ્રાધાન્ય આપતી બાબતોનું વળગણ પણ વધતું જઈ રહ્યું છે. ફોટા વીડિયો અને કોમેન્ટ્સ મૂકી પોતાના ફોલોઅર્સ વધારવાની ઘેલછા માનવીના અહમને પોષે છે તેવો માહોલ ઊભો થયો છે. ત્યાં સાઈબર ક્રાઈમની એક અજીબ ઘટના ઘટી છે જેમાં દેખાવે નબળી યુવતીએ રૂપાળી યુવતીના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી પોતાના ફોલોઅર્સ વધારવાની ચેષ્ટા કરી હતી. જેની સાઈબર ક્રાઈમે ધરપકડ કરતાં યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

બાપુનગરમાં રહેતા એક પરિવારની યુવતીએ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે કોઈ અજાણી વ્યક્તિએ તેના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે. આટલું જ નહીં તે વ્યક્તિએ પ્રોફાઈલમાં તેનો ફોટો મૂક્યો છે.


સાઈબર ક્રાઈમે મહિલાની ફરિયાદ લઈ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ અંગે પીઆઈ એસ.ડી.કાળાતને તપાસ સોંપાઈ હતી. ટેક્નિકલ તપાસના અંતે ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર કોઈ પુરુષ નહીં પરંતુ એક મહિલા હોવાનું ખૂલતા પોલીસ ટીમે સરસપુર વિસ્તારમાં રહેતી એક યુવતીની ધરપકડ કરી હતી.


પોલીસે યુવતીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે જો કે તેનો દેખાવ સામાન્ય હોઈ તે ફોલોઅર્સ વધારી શકે તેમ ન હોવાનું વિચારતી હતી. તેવામાં એક દિવસે ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરતી વખતે તેણે એક સુંદર દેખાવડી યુવતીનું એકાઉન્ટ જોયું, જેને લઈને આ યુવતીના નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી ફોલોઅર્સ વધારવાનું સૂઝ્યું હતું.


ફેક આઈડીથી ફોલોઅર્સ વધાર્યા હતા
સુંદર યુવતીનાં ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનારી સરસપુરની યુવતીને લાઈકસ મળવા લાગ્યા હતા.તે સાથે તેણે ફોલોઅર્સ વધારવા રિકવેસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. તેણે ઓરિજિનલ યુવતીના ફોલોઅર્સને પણ રિકવેસ્ટ મોકલી પોતાના ફેક આઈડીમાં ફોલોઅર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી દીધો હતો. આ બાબતની યુવતીને જાણ થતાં તે ડઘાઈ ગઈ હતી કે મારા ફોટોનો ઉપયોગ કરી ફોલોઅર્સ કોણ વધારી રહ્યું છે ત્યારબાદ તેણે ફરિયાદ કરી હતી.


ઈન્સ્ટા પર ફેક ID બનાવવાની સંખ્યા વધી
સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી બદનામ કરવા માટે ધમકી આપવા માટે કે અન્ય કોઈપણ હેતુ માટે બોગસ આઈડી ખોલવાની ઘટનાઓ સામે આવી છે. તેમાં મોટાભાગે ફેક આઈડી બનાવવા માટે અન્ય કરતા ઈન્સ્ટાગ્રામનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો હોવાનું સાઈબર ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post