• Home
  • News
  • કોંગ્રેસના સૌથી વફાદાર ‘હાથ’ની ચિરવિદાય...:પડદા પાછળના ખરા ખેલાડીની અલવિદા, ઇન્દિરા ગાંધીએ 28 વર્ષના અહેમદ પટેલને પહેલીવાર ટિકિટ આપી હતી
post

માગો તે હાજર કરી દેવામાં માહેર મેનેજર હતા અહમદ પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 11:17:33

અહેમદ પટેલના અકાળે નિધનને સોનિયા ગાંધીએ કદી ન પૂરાય એવી ખોટગણાવી છે. તેનું કારણ એ છે કે પટેલ કોંગ્રેસના એકમાત્ર એવા નેતા હતા જેમનો કોઈ વિકલ્પ નહોતો. સમગ્ર રાજકીય કારકિર્દીમાં અહેમદ પટેલ એક પણ વખત મંત્રીપદે નહોતા છતાં પણ યુપીએની સરકાર વખતે તેમનો દબદબો સરકારના કોઈ પણ મંત્રી કરતા વધારે હતો. તેઓ કોંગ્રેસ પાર્ટી અને સરકાર વચ્ચે સેતુ સમાન હતા. અને પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં અહેમદ પટેલની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

ઇન્દિરા ગાંધીએ પ્રતિભા પારખીને યુવાવયે ટિકિટ આપી
1949
ની 21 ઓગસ્ટે ભરૂચના ખેડૂત પરિવારમાં જન્મેલા અહેમદ પટેલ યુવાવસ્થામાં યૂથ કોંગ્રેસ સાથે સંકળાયા હતા. પટેલના પિતા મોહમ્મદભાઈ સ્થાનિક સામાજિક કાર્યકર પણ હતા. 1976માં અહેમદ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લીધો હતો. એ પછી 1977માં ઇન્દિરા ગાંધીએ છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને ભરૂચની ટિકિટ આપી હતી. એ વખતે પટેલની વય માત્ર 28 વર્ષની હતી. અહેમદ પટેલ આ ચૂંટણી જીતી ગયા હતા. એટલું જ નહીં એ પછી પણ તેઓ બે વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

મંત્રીપદ નહીં છતા સૌથી પાવરફૂલ નેતા
1985
માં રાજીવ ગાંધીએ અરૂણ સિંહ અને ઓસ્કાર ફર્નાન્ડિઝની સાથે અહેમદ પટેલને પોતાના સંસદીય સચિવ બનાવ્યા ત્યારે અહેમદ પટેલ પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. આ ત્રણને ત્યારે કોંગ્રેસના અમર-અકબર-એન્થનીતરીકે ઓળખવામાં આવતા હતા. 2004થી 2014 સુધી યુપીએના કાર્યકાળમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને પ્રણવ મુખરજી પછી અહેમદ પટેલને સૌથી પાવરફૂલ નેતા માનવામાં આવતા હતા.

સોનિયા ગાંધીના સૌથી વિશ્વાસુ
અહેમદ પટેલની ગણના સોનિયા ગાંધીની સૌથી નજીકની વ્યક્તિઓમાં થતી હતી. તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. આ નજદીકીઓના કારણે જ યુપીએના કાર્યકાળ વખતે અહેમદ પટેલનું વર્ચસ્વ સિનિયર મંત્રીઓ કરતા પણ વધારે હતું. તેઓ પાર્ટીના સંકટમોચક માનવામાં આવતા.

લેટેસ્ટ ઓપરેશન: મહારાષ્ટ્રમાં સરકાર બનાવી , રાજસ્થાનમાં સરકાર બચાવી
મહારાષ્ટ્રમાં વિકાસ આઘાડીની સરકારની રચનામાં તથા રાજસ્થાનમાં સચિન પાઈલટના બળવા બાદ સરકારને બચાવવામાં અને પાયલને મનાવી લેવામાં અહેમદ પટેલની મહત્ત્વની ભૂમિકા રહી હતી. જ્યોતિરાદિત્યની જેમ પાઈલટ પણ ભાજપમાં ચાલ્યા જાય એવી શક્યતાઓ હતી ત્યારે અહેમદ પટેલે પડદા પાછળ રહીને સમાધાન માટે મધ્યસ્થી કરી હતી. દેશભરમાં જિલ્લા સ્તરના કોંગ્રેસ કાર્યકરો સાથે સીધો સંપર્ક કહેવામાં આવે છે કે અહેમદ પટેલ કોંગ્રેસના એકમાત્ર એવા નેતા હતા જે દેશભરમાં જિલ્લા સ્તરના ઘણા કોંગ્રેસી કાર્યકરોને વ્યક્તિગત રીતે જાણતા હતા તથા નિયમિત તેમના સંપર્કમાં રહેતા હતા. ખાસ કરીને 2019ની ચૂંટણીમાં સ્થિતિ રાહુલ ગાંધીની તરફેણમાં નહોતી ત્યારે પાર્ટીના કાર્યકરોને એકજૂટ રાખવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી.

માગો તે હાજર કરી દેવામાં માહેર મેનેજર
અહેમદ પટેલ રાજકીય કટોકટીઓનું સમાધાન લાવનાર નિષ્ણાંત ક્રાઇસીસ મેનેજરની સાથોસાથ અસરકારક ઇવેન્ટ મેનેજર પણ હતા. તેઓ પાર્ટીના કાર્યક્રમો, યોજના માટેના સંસાધનો ઊભા કરવામાં માહેર હતા. એટલે કે ગણતરીના કલાકોમાં ફંડ મેળવવાનું હોય, લોકોની ભીડ એકઠી કરવાની હોય, પ્રાઇવેટ જેટ કે વાહનવ્યવહારની વ્યવસ્થા કરવાની હોય તો અહેમદ પટેલ તે સરળતાથી કરી શકતા હતા.

23 મધર ટેરેસા માર્ગનું ઘર પાવર સેન્ટર
દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની જેમ અહેમદ પટેલનું નિવાસસ્થાન 23, મધર ટેરેસા માર્ગ પણ પાવર સેન્ટર હતું. વિવિધ રસ્તે તેમના ઘરમાં પ્રવેશી શકાતું. આ ઘરમાં સંખ્યાબંધ ચેમ્બર્સ તથા બેઠક ખંડો છે. આ ઘરમાં જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પદાધિકારીઓનો ફેંસલો થતો હતો. યુપીએની સરકાર હતી ત્યારે અહીં અહેમદ પટેલ સાથે મુલાકાત માટે ટોચના ઉદ્યોગપતિઓ વેઇટીંગ રૂમમાં બેસતા. બાબુભાઈનામે ભરૂચમાં જાણીતા અહેમદ પટેલ પોતાના હૉમટાઉન અને આસપાસના વિસ્તારોમાં બાબુભાઈ નામે જાણીતા હતા. એ ત્યાં સુધી કે ચૂંટણી પ્રચાર વખતે પણ તેઓ અહેમદ પટેલ કરતા બાબુભાઈ નામે વધારે ઓળાખાતા તથા દીવાલો, બેનર્સમાં પણ બાબુભાઈ નામ લખાતું. 1989ની લોકસભાની ચૂંટણી વખતે વીએચપીએ દીવાલો પરના પ્રચાર માટેના લખાણોમાં બાબુભાઈભૂંસીને અહેમદ પટેલલખી દીધું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post