• Home
  • News
  • ‘લૉકડાઉનમાં બુક કરાવેલી પ્લેનની ટિકિટોના પૂરા પૈસા પાછા કરો’, સરકારનો વિમાન કંપનીઓને આદેશ
post

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી, ત્રણ અઠવાડિયાંમાં પૈસા પરત કરવા પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:06:05

નવી દિલ્હી: સરકારે લૉકડાઉનના પહેલા તબક્કામાં 3 મે સુધીની હવાઈ મુસાફરી માટે બુક કરાવેલી વિમાનની ટિકિટો પર એરલાઈન કંપનીઓને ત્રણ અઠવાડિયાંની અંદર ગ્રાહકોને પૂરા પૈસા પરત કરવાનો આદેશ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે આ મુદ્દે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉનના પહેલા તબક્કા એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે જો એરલાઈન કંપનીઓએ લૉકડાઉનના પહેલા કે બીજા તબક્કા (25 માર્ચથી 3 મે) માટે ટિકિટો બુક કરી હોય, અને તેમને બુકિંગનાં નાણાં લૉકડાઉન જ મળી ગયાં હોયતો તેમને ટિકિટ કેન્સલ કરાવનારા ગ્રાહકોને તેમના પૂરેપૂરા પૈસા પાછા આપવા પડશે. આ નાણાં ત્રણ અઠવાડિયાંની અંદર ગ્રાહકોને પરત કરી દેવાનાં રહેશે.

બુકિંગ અને રિફંડને લઈને ઘણી ફરિયાદો આવી રહી હતી
જોકે આ એડવાઈઝરીથી એરલાઈન કંપનીઓને પૈસા લૉકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં મળવાની શરતથી એજન્ટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી ટિકિટો બુક કરાવનારા પ્રવાસીઓને મુશ્કેલી થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે એજન્ટો થોડા સમય પછી એરલાઈન્સને પૈસા ચૂકવતા હોય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ મર્ચન્ટ્સને પૈસા આપવામાં થોડા દિવસ લે છે. 

આ અગાઉ લૉકડાઉન દરમિયાન ખાનગી એરલાઈન કંપનીઓ દ્વારા ટિકિટનાં બુકિંગ અને રિફંડને લઈને આવી રહેલી ફરિયાદોને ધ્યાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગથી આ ખાનગી એરલાઈન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમની સાથે વાતચીત કર્યા પછી જ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે.

કંપનીઓ અત્યારે પૈસાને બદલે વાઉચર્સ આપી રહી છે
પહેલાં જ્યારે સરકારે 14 એપ્રિલ સુધી લૉકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે એરલાઈન કંપનીઓએ 15 એપ્રિલ અને તે પછીની મુસાફરી માટે ટિકિટોનું બુકિંગ શરૂ કરી દીધું હતું. તે વખતે નક્કી નહોતું કે 14 એપ્રિલ પછી લૉકડાઉન આગળ વધશે કે કેમ. આ રીતે બીજી વખત લૉકડાઉન આગળ વધાર્યા બાદ એરલાઈન કંપનીઓએ  હવે 4 મેથી ટિકિટોનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. લૉકડાઉનને કારણે કેન્સલ થયેલી ફ્લાઈટ્સની ટિકિટોની રકમના બદલામાં એરલાઈન કંપનીઓ ગ્રાહકોને પૈસા પરત કરવાને બદલે તેટલા જ મૂલ્યનાં વાઉચર્સ આપી રહી છે. આ વાઉચર્સનો ઉપયોગ એક વર્ષ સુધી ટિકિટો ખરીદવા માટે કરી શકાય છે. આ રીતે તેઓ ગ્રાહકોને એક વર્ષની અંદર હવાઈ મુસાફરી કરવા માટે ફરજ પાડી રહી છે, પછી ભલે તેમને આવનારા સમયમાં હવાઈ મુસાફરી કરવાની જરૂર ન હોય. આ મુદ્દે ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ફરિયાદો કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post