• Home
  • News
  • સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ; કાચ, માટી, ટીનની બોટલમાં જ પાણી મળશે
post

50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 18:40:31

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામુ ફાઈલ કર્યું હતું. 23 ફેબ્રુઆરીએ જૂનાગઢ કલેક્ટરની આગેવાનીમાં ગિર ઇકો સેન્ટર સેન્સેટિવ ઝોન મોનિટરીંગ કમિટીની મિટિંગ મળી હતી. જેમાં ગિર ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઇન્ટ ઉપર રહેશે
ગિરનારના 27 ગામ અને ESZના પ્રવેશ દ્વારોમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓથોરિટીએ મોનિટરીંગ અને એક્શન માટે 6 ટીમ બનાવી છે. જેમાંથી 3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઇન્ટ ઉપર રહેશે, 3 ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં વન વિભાગ, પોલીસ, પંચાયત અને JMCના કર્મચારીઓ હશે. અંબાજીથી દત્તાત્રેય મંદિર સુધી પગથિયાઓ ઉપર 6 સફાઈ કામદાર સફાઈ કરશે. જેના માટે એક સુપર વાઈઝર હશે.

લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું
દાતાર સુધી વન વિભાગ હસ્તક 15 કામદારો સફાઈ કરશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત અંબાજી મંદિર સુધીના નવા અને જૂના પગથિયે 15-15 કામદારો સફાઈ કરશે. પાણી ફક્ત કાચની બોટલ, માટીની બોટલ, ટીનમાં જ મળશે. કોર્ટ મિત્રે ટેટ્રા પેકમાં પ્લાસ્ટિક હોવા સામે વાંધો લેતા સરકારે પાણી માટે તે વિકલ્પ દૂર કર્યો હતો. લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું હતું. સાથે જ ઇકો સેન્સેટિવ ઝોનમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અધિકારીઓ હોવા જોઈએ તેવી કોર્ટે ટકોર કરી હતી.

પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની ગિરનાર ESZમાં જાહેરાત કરાશે
કોર્ટે આ સાથે જ કચ્છના રણમાં પણ પ્લાસ્ટિક બોટલ વિખેરાયેલી જોવા મળ્યાંનું કોર્ટનું અવલોકન કર્યું હતું. જે મામલે પણ દરકાર લેવા સરકારને સૂચન કર્યું હતું. ગિરનાર ઉપર સ્વચ્છતા જોવા થોડા સમય પછી કોર્ટ કમિશનર મોકલાશે તેવી કોર્ટે સરકારને ટકોર કરી હતી. મહા શિવરાત્રી નજીક હોવાથી ગિરનાર ESZ વિસ્તારમાં વધુ લોકો આવશે. ત્યારે લોકો આ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જઈ શકશે નહિ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કાયમી સફાઈ માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મંગાવશે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની ગિરનાર ESZમાં જાહેરાત કરાશે.આ મુદ્દે વધુ સુનાવણી 20 માર્ચે

ગિરનાર ESZ મોનિટરીંગ કમિટીની બેઠક 2016થી 2023 સુધીમાં 18 વખત મળી. તેમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને કોઈ કામ થયું નહિ. ESZમાં જે અધિકારીએ કામ ના કરવું હોય તેને બીજે ટ્રાન્સફર કરવા કોર્ટે ટકોર કરી હતી. સરકાર એક્શન પ્લાન રજૂ કરશે. આ મુદ્દે વધુ સુનાવણી 20 માર્ચે હાથ ધરાશે.

12 ટન પ્લાસ્ટિક કચરો ગિરનાર પર્વત ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો
અગાઉની સુનાવણીમાં કોર્ટે ગિરનાર ઇકો સેન્સિટીવ ઝોન માટે મોનિટરીંગ કમિટીની રચના અને ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવાના અંગેના પગલાઓ વિશે પૂછ્યું હતું. જે સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી હતી. સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ 2016થી મોનિટરિંગ કમિટી કાર્ય કરી રહી છે. છેલ્લા રિપોર્ટ મુજબ 12 ટન પ્લાસ્ટિક કચરો ગિરનાર પર્વત ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો.


adv

Related News

post
post
post
post
post
post
post