• Home
  • News
  • આ કેવી આત્મનિર્ભરતા? / આત્મનિર્ભરની વાતો કરતા BJP નેતા ચીનની એપ પર નિર્ભર
post

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો, ગુજરાત પોલીસ પણ ચાઈનીઝ એપ પર સક્રીય

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 10:30:25

અમદાવાદ: 3 ઇડિયટ્સ મૂવીના રીયલ હીરો સોનમ વાંગચૂકે ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર ઉપર ભાર મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને આત્મનિર્ભર થવા લોકલ કે લીએ વોકલમંત્ર આપ્યો છે ત્યારે ગુજરાતના રાષ્ટ્રવાદી નેતાઓ-આગેવાનો ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો મોહ હજૂ છોડી શકતા નથી.

ગુજરાત ભાજપના મોટા ભાગના નેતા અને આગેવાનો ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી દેશભક્ત હોવાના પુરાવા આપી રહ્યાં છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, અમદાવાદ શહેર મેયર, સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, ગુજરાત પોલીસ સુધ્ધા બાકાત રહ્યાં નથી. બાઈટડાન્સ ચાઈનીઝ મલ્ટિનેશનલ કંપની છે. ટીકટોક અને હેલો જેવા તેના અસંખ્ય પ્રોડક્ટ છે. હેલો એપ હાલ 14 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. આવી વિદેશી એપ્લિકેશનનો રાજકારણીઓ ઉપયોગ કરી તેનો પ્રચાર કરી રહ્યાં છે. 

સ્વદેશીનો વિચાર રાખતા આગેવાને કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રમાં બંને જગ્યાએ આપણી વિચારધારાની સરકાર છે તો તેમની વિરૂદ્ધ આંદોલન કરવું સંસ્થાના અસ્તિત્વ માટે જોખમી સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે, ચાઈના માટે ભારત ખૂબ મોટું માર્કેટ છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ચાઈનાથી પાંચ લાખ કરોડનો સામાન નિકાસ થાય છે. આત્મનિર્ભર થવા માટે આ આયાત બંધ થવી જરૂરી છે.

એપ પર ગુજરાત પોલીસના એકાઉન્ટના 2 લાખ ફોલોઅર
ગુજરાત પોલીસનુ ઓફિશિયલ એકાઉન્ટ હેલો એપ્લિકેશન ઉપર એક્ટિવ છે જેના હાલ બે લાખ જેટલા ફોલોઅર્સ છે. રાજ્ય પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમય પહેલા ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો જેમાં 42 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો ઉલ્લેખ હતો. આવી એપ્લિકેશન ભવિષ્યમાં દેશ સામે સાયબર એટેક માટે જવાબદાર થઈ શકે તેવા સંકેતો આપ્યા હતા.

વેબિનાર માટે સ્વદેશી પ્લેટફોર્મનો જ ઉપયોગ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલી પણ વીડિયો કોન્ફરન્સ કરવામાં આવે છે તે તમામ સ્વદેશી સિસ્કો કંપનીના પ્લેટફોર્મ ઉપરથી થાય છે. આ એપ્લિકેશન ભારતીય છે. વેબિનાર અથવા વીડિયો કોન્ફરન્સ કરવા માટે કંપનીના ઓફિશિયલ રાઈટ્સ પાર્ટીએ મેળવેલા છે.

ચીનનાં વિચાર, ટેક્નોલોજી ભરોસાપાત્ર નથી
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુની આદત ઊભી કરવી પડશે. બીનજરૂરી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થશે તો સ્વદેશી વસ્તુ અને સ્વદેશી ઉત્પાદનકારોનો આવિષ્કાર થશે. મારી અપિલ છે કે જ્યાં સુધી સ્વદેશી મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ હોય ત્યાં સુધી વિદેશી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કારણ કે દેશની સુરક્ષાનાં વિષયો પણ ખાસ ધ્યાનમાં લેવાં જોઈએ. અમે ટેક્નોલોજીના વિરોધી નથી. સ્વદેશી ટેક્નોલોજીનું વધુને વધુ ઉત્પાદન અને ઉપયોગ થાય તે આવશ્યક છે. સ્વદેશી અને વિદેશી એપ્લિકેશન વચ્ચેની સમજણ માટે લોકજાગૃતિ કરવી પડશે. કોઈવાર કોઈ વિચાર કે વિષયમાં બહિષ્કારથી આવિષ્કાર થતો હોય છે. ચીનનાં વિચાર,વસ્તુઓ અને ટેકનોલોજી ભરોસાપાત્ર નથી. કદાચ કોઈક વસ્તુ સસ્તી હશે પણ દેશહિત માટે યોગ્ય નથી. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post