• Home
  • News
  • કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો:BJP ભ્રષ્ટાચારના પૈસાથી MLA ખરીદે છેઃ અમિત ચાવડા, સ્ટિંગમાં સોમાભાઈને દર્શાવાયા, સોમાભાઈ પટેલનો ખુલાસો- ‘આ બનાવટી વીડિયો, કોંગ્રેસને નોટિસ ફટકારીશ’
post

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 12:09:40

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનના વીડિયો પણ જાહેર કર્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છેકે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. સાથે જ સી.આર.પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. પાટીલે આક્ષેપ બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર બની મારા પર આક્ષેપ કર્યા છે. 15મી માર્ચે સોમાભાઈએ રાજીનામુ આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સાંભળ્યો હતો. કોંગ્રેસે જાહેર કરેલા સ્ટિંગ વીડિયોમાં સોમાભાઈ એવું કહે છેકે, કોઇને 10 કરોડથી વધુ આપ્યા નથી. આ સ્ટિંગ વીડિયો બહાર આવ્યા બાદ સોમાભાઈ પટેલે ખુલાસો કર્યો છે અને કહ્યું છેકે, આ તદ્દન બનાવટી વીડિયો છે. હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો કરીશ.

 

વીડિયોમાં જોઇ શકાય છેકે ભાજપ કેવી રીતે સોદાબાજી કરે છેઃ અમિત ચાવડા
ખાસ કરીને વિજયભાઈ હોય કે ભાજપના નેતા હોય વારંવાર ભાષણ કરે છેકે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. ધારાસભ્ય સાચવી શકતી નથી. ભારતીય જનતા પાર્ટીના વિકાસના મોડલને અનુકરણ કરીને લોકો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. ભાજપના પ્રજાલક્ષી કાર્યક્રમોને જોઇને ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યાં છે. આજે અમે એક વીડિયો બતાવીએ છીએ જેમાં ભારતીય જનતા પાર્ટીની ચાલ, ચરિત્ર અને ચહેરો સ્પષ્ટ ઉજાગર થયાનો છે. ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી કઇ રીતે જનપ્રતિનિધિઓ ખરીદવા સૌદાબાજી થાય છે. કઇ રીતે કરોડો રૂપિયાથી પ્રજાનો જે જનમત છે તેને ખરીદવામાં આવે છે અને કઇ રીતે લોકશાહીના મુલ્યોને ખતમ કરવામાં આવે છે.

વીડિયોમાં મુખ્યમંત્રી, પાટીલ અને અમિત શાહનો ઉલ્લેખઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છેકે કઇ રીતે ભાજપે ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે. કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવ્યા છે. આ સોદાબાજીમાં આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં રાજ્યાના મુખ્યમંત્રી, રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ આ ત્રણેયના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયા છે. તેનાથી સ્પષ્ટ થાય છેકે, ભાજપ દ્વારા જ્યારે તેમના કાર્યો અને નીતિથી પ્રજા વચ્ચે જઇ શકાતું નથી ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી આ રીતે સોદાબાજી થાય છે, ધારાસભ્યોના રાજીનામા લેવાય છે અને આ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી ફરીથી ટિકિટ આપવા આવે છે.

મુખ્યમંત્રી, સી.આર.પાટીલ અને અમિત શાહ સામે કાર્યવાહી થાય: અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું કે, વીડિયોમાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ અને અમિત શાહનો સ્પષ્ટ ઉલ્લેખ છે તેથી અમે માગણી કરીએ છીએ કે આ લોકશાહીના મુલ્યોને બચાવવા માટે એક દેશના રાજ્યની જનતાના વિશ્વાસને ખરીદવાની હિંમત કરવામાં આવી છે, તેની ન્યાયિક તપાસ થવી જોઇએ અને સાથે સાથે જે લોકોનો આ વીડિયોમાં ઉલ્લેખ થયો છે, રાજ્યના મુખ્યમંત્રી ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ સામે ACB એક્ટ હેઠળ અને મનલોંડરિંગના કેસ દાખલ કરવા જોઇએ. તેમની તપાસ કરી, ભવિષ્યમાં આવું ન થાય એ માટે તાત્કાલિક તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.

કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર બની મારા પર આક્ષેપ કર્યાઃ સીઆર પાટીલ
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયો મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે માનઘડત આક્ષેપો કર્યા છે તે બતાવવા હું હાજર થયો છું. જે વીડિયો વાઈરલ થયો તેમાં સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. તેવો વીડિયો મુકવો જોઈએ. સોમાભાઈએ અધ્યક્ષનો ઉલ્લેખ કર્યો જ નથી. મારો ઉલ્લેખ માત્ર મિત્ર પૂરતો જ કર્યો છે. કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર બની મારા પર આક્ષેપ કર્યા છે. 15મી માર્ચે સોમાભાઈએ રાજીનામુ આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સાંભળ્યો હતો.

મારા નામે જુઠ્ઠાણાં ફેલાવવાનું કોંગ્રેસ બંધ કરેઃ સોમાભાઈ પટેલ
સોમા ગાંડાભાઈ પટેલ સ્ટિંગ ઓપરેશન અંગે કહ્યું છેકે, કોંગ્રેસ દ્વારા આજે મારો જે બનાવટી વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તે બાબતે હું તપાસની માગણી કરું છું અને જાહેર કરું છું કે આ તદ્દન બનાવટી વીડિયો છે.મારે આવા કોઈ વ્યક્તિ સાથે કોઈ જગ્યાએ મુલાકાત થઇ નથી, માત્ર ને માત્ર કોંગ્રેસે આ પેટા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે મારા નામનો દુરૂપયોગ કરી બનાવટી વીડિયો જાહેર કર્યો છે. મારા નામે જુઠ્ઠાણાં ફેલાવવાનું કોંગ્રેસ બંધ કરે, મારા નામે આ પ્રકારનું હીન કાર્ય કરવા બદલ હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો કરીશ.

કોંગ્રેસે જાહેર કરેલા સ્ટિંગની વાતચીત...

સ્ટિંગ કરનારઃ ભાજપવાળા શું આપશે અત્યારે,
સોમાભાઈ પટેલઃ એતો બધુ થઇ ગયું..(હસતાં-હસતાં)
સ્ટિંગ કરનારઃ આપ્યા તો હશે એ તરફથી....
સોમાભાઈ પટેલઃ હા...તો અમસ્તા જ રાજીનામું આપે કોઇ વ્યક્તિ
સ્ટિંગ કરનારઃ સોમાભાઈએ આ રાજીનામું આપીને અમુક પૈસા લીધા, ભાજપ પાસેથી પૈસા લીધા...આવું કોઇએ તેમને બ્રીફ કર્યું હશે...
સોમાભાઈ પટેલઃ કોંગ્રેસ જો નહીં આપે તો હું ગમે ત્યાંથી લડીશ.એનસીપીવાળા પણ મારી પાછળ પડ્યા છે. હું ચારવાર એમપી બન્યો. બધા મને જાણે છે. ચાર વખત એક જ બેઠક પરથી એમપી બનવું નાની અમથી વાત તો નથી. ભાજપ બધો ખર્ચો કરતી હતી મારી પાછળ અને કોંગ્રેસમાં ખર્ચો નથી થતો.
સ્ટિંગ કરનારઃ રાજીનામું આપ્યું તો બે-પાંચ કરોડ આપ્યા હશે.
સોમાભાઈ પટેલઃ એ તો બધાને આપ્યા એ મને આપ્યા...
સ્ટિંગ કરનારઃ વાતો તો ઘણી છે. બધા બોલે છેકે 15 કરોડ આપ્યા, 20 કરોડ આપ્યા પરંતુ પાંચેક કરોડ તો આપ્યા હશે.
સોમાભાઈ પટેલઃ બધાને આપ્યા છે અમિત શાહે, જે આપ્યું તે બધાને આપ્યું છે. નહીંતર કોઇ શા માટે રાજીનામું આપે? કોઇની સાથે ટિકિટનો સોદો કર્યો, કોઇને પૈસા આપ્યા.
સ્ટિંગ કરનારઃ આટલા પૈસા લાવે છે ક્યાંથી ભાજપવાળા? ઘણા પૈસા ખર્ચ કરે છે, દરેક જગ્યાએ પૈસા ખર્ચ કરે છે.
સોમાભાઈ પટેલઃ કોઇકને કહેવાનું ખાલી પૈસા આપો બીજું શું? રિલાયન્સ, ટાટા બધા તેમની પાસે છે. ઘણા પૈસા છે તેમની પાસે.
સ્ટિંગ કરનારઃ આ લોકો બોલી રહ્યાં હતા કે સોમાભાઈને 20 કરોડ રૂપિયા આપ્યા, 20 કરોડ રૂપિયામાં વાત થઇ.
સોમાભાઈ પટેલઃ ના ખોટી વાત છે.
સ્ટિંગ કરનારઃ 20 કરોડ બોલી રહ્યાં છે.
સોમાભાઈ પટેલઃ ખોટી વાત છે, કોઇને 10 કરોડથી વધારે નથી આપ્યા. કોઇને વધારે નથી આપ્યા.
સ્ટિંગ કરનારઃ તો સાલા 20 કરોડની વાત કેમ કરી રહ્યાં છેઃ
સોમાભાઈ પટેલઃ એ તો...એ તો.. બોલવું હોય તો બોલે, એમાં શું.
સ્ટિંગ કરનારઃ ભાજપમાંથી કોણ ડીલ કરી રહ્યું છે?
સોમાભાઈ પટેલઃ હાં???
સ્ટિંગ કરનારઃ ભાજપમાંથી કોણ વાતચીત કરી રહ્યું છે, ડીલ?
સોમાભાઈ પટેલઃ સીએમ સાથે...અને પ્રદેશ અધ્યક્ષ...નવા કોન આવ્યા...એ મારા દોસ્ત છે...
સ્ટિંગ કરનારઃ તેમની સાથે ડીલ ચાલી રહી છે.
સોમાભાઈ પટેલઃ બન્ને સાથે.

પેટાચૂંટણીમાં ભાજપ જીતી રહી હોવાથી આ કવાતરૂઃ પાટીલ
વધુમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, કોંગેસના લોકો પણ માને છે કે આઠ સીટ ભાજપ જીતી રહી છે જેના પગલે આ કાવતરું અને કથિત વીડિયો રજૂ કર્યો છે. કોંગ્રેસને જુઠ્ઠાણા ફેલાવવાની આદત છે. અમિતભાઇના મોઢામાં આવાજ શબ્દો હોય છે. લોકોની વચ્ચે જઇ લોકોના પ્રશ્નોને વાંચા આપવી જોઈએ, કોંગ્રેસે મંથન કરવું જોઈએ અને કોંગ્રેસે શું કરવું તે નક્કી કરવું જોઈએ. આગામી 25 વર્ષમાં પણ કોંગ્રેસ આવે તેવી કોઈ શકયતા દેખાતી નથી. ગુજરાતની પ્રજાને અપીલ છે કે આવા કોઈ જુઠ્ઠાણામાં ભ્રમિત નહીં થાય.

કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈશઃ પાટીલ
વધુમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન જે પ્રકારે વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ આવા જુઠ્ઠાણા ફેલાવી રહી છે.પુલવામાં પણ નિવેદન કરવા બદલ કોંગ્રેસ દ્વારા માફી માંગવી જોઈએ. વીડિયોને કાપકૂપ કરીને બનાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ પ્રકારે પ્રયત્ન કર્યો હશે અથવા તો સોમાભાઈ જેવા વ્યક્તિને ઉભો કરવામાં આવ્યો હશે. આ વીડિયો હમણાં નો જ હશે, એમને માત્ર કહ્યું છે કે હું નવા અધ્યક્ષને ઓળખું છું. કોળી સમાજને બદનામ કરવાનો પણ એક પ્રયાસ કર્યો છે. આ કથિત વીડિયો પ્રચાર બંધ થઈ રહ્યો છે ત્યારે વોટબેંક મેળવવા આ પ્રયાસ છે. ભાજપ ટિકિટ આપે એટલે ધારાસભ્ય બની જવાતું નથી, પ્રજાની વચ્ચે જવાની જરૂર હોય છે. આ વીડિયો અંગે ચોક્કસ તપાસ થવી જોઈએ. જે વીડિયોમાં શબ્દો બોલે છે તેની પણ પોલીસે તપાસ કરવી જોઈએ.કોંગ્રેસ દ્વારા આ ગંભીર પ્રકારનો ગુનો છે. હું આ મામલે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post