• Home
  • News
  • પં. જસરાજના જીવનનું સૌથી લાંબું સાડા છ કલાકનું પર્ફોર્મન્સ અમદાવાદમાં, ગુજરાતનું છેલ્લું રાજકોટમાં
post

પંડિત જસરાજે ગુજરાતમાં છેલ્લું લાઈવ પર્ફોર્મન્સ રાજકોટ ખાતે, 9 જાન્યુઆરી 2020માં આપ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 11:55:43

અમદાવાદ: વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત જસરાજે 90 વર્ષની વયે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા હતા. પંડિત જસરાજનો ગુજરાત સાથે અનોખો નાતો છે. તેઓ પોતાને પાક્કા ગુજરાતી માનતા હતા. તેમના સ્પિરિચ્યુઅલ ગુરુ જયવંતસિંહજી અમદાવાદ નજીક સાણંદના દરબાર હતા. છેલ્લાં 40 વર્ષથી અમદાવાદમાં યોજાતા સપ્તકકાર્યક્રમમાં ભાગ્યે જ કોઈક એવું વર્ષ હશે, જેમાં પંડિત જસરાજે હાજરી નહીં આપી હોય.

સંગીત જગતમાં સૌને ઊંડો આઘાત લાગ્યોઃ ડો. મોનિકા શાહ
પંડિત જસરાજજીના નિધન અંગે શોક વ્યક્ત કરતા શાસ્ત્રીય ગાયિકા અને ગિરીજા દેવીના શિષ્ય ડો. મોનિકા શાહે જણાવ્યું છે કે, ‘સંગીત માર્તંડ પદ્મવિભૂષણ આદરણીય પંડિત જસરાજજીની વસમી વિદાયથી સંગીત જગતમાં અમને સૌ કલાકરને ઊંડો આઘાત લાગ્યો છે. મેવાતી ઘરાનાના ગૌરવવંતા મૂર્ધન્ય ગાયક પંડિતજીએ સંગીત જગતને એક અમૂલ્ય ગાયકી અર્પી છે. એક ઉચ્ચકોટિના ઉમદા સાધક કલાકાર અને ગુરુ હતા. ઇશ્વરે મોકલેલા દેવદૂત હતા. જેઓએ દૈવીશક્તિ સમાન ગાયન સમગ્ર વિશ્વમાં ફેલાવ્યું હતું. એક સાચા સંગીત આરાધક, સાચા ગુરુ, સાચા સંગીતના પ્રચારકને મારી ભાવભરી અંજલી...

ગુજરાતમાં છેલ્લું પર્ફોર્મન્સ રાજકોટમાં
પંડિત જસરાજે ગુજરાતમાં છેલ્લું લાઈવ પર્ફોર્મન્સ રાજકોટ ખાતે, 9 જાન્યુઆરી 2020માં આપ્યું હતું. જ્યાં તેમણે રાગ જયજયવંતીઅને રાગ અડાણામાં મહાકાલીની સ્તુતિ ગાઇ હતી અને છેલ્લે કાર્યક્રમના અંતે ઓમ નમો ભગવતે વાસુદેવાયગાયું હતું. પંડિત જસરાજના શિષ્યએ 10 ફેબ્રુઆરીના રોજ વલસાડ ખાતે તેમના જીવન પર આધારિત સંગીતયાત્રાકાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પં.જસરાજ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં તેમનું છેલ્લું પર્ફોર્મન્સ જયપુરમાં યોજાયું હતું.

અમદાવાદમાં સાડા છ કલાક આપ્યું હતું પર્ફોર્મન્સ
પંડિત જસરાજે તેમના જીવનનું સૌથી લાંબું સાડા છ કલાકનું પર્ફોર્મન્સ અમદાવાદના ટાઉનહોલ ખાતે આપ્યું હતું. જ્યાં તેમણે તેમના ભાઈ સાથે જુગલબંધ કરી હતી. સંગીતમાં જેમ જુગલબંધી હોય છે એમ મેલ-ફીમેલ આર્ટિસ્ટની જુગલબંધી પંડિતજી જસરંગી કહેતા. તેઓ ક્રિકેટના બહુ શોખીન હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post