• Home
  • News
  • ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય, ધોરણ 9થી 12નો કોર્સ ઘટાડાશે, 36 લાખ વિદ્યાર્થીને ફાયદો થશે
post

કેટલો કોર્સ અને કયા ચેપ્ટરમાં ઘટાડો કરવામાં આવશે તેની જાહેરાત આવનારા સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 09:08:34

અમદાવાદ: સીબીએસઇએ આ વર્ષ પૂરતું ધો.9થી 12ના વિદ્યાર્થીઓના કોર્સમાં 30 ટકાના ઘટાડા બાદ ગુજરાત શિક્ષણ વિભાગ પણ ધો.9થી 12ના કોર્સમાં ઘટાડો કરશે, પરંતુ કેટલા ટકા ઘટાડો કરાશે તેની જાહેરાત શિક્ષણ વિભાગ આગામી સમયમાં કરશે. પરંતુ શિક્ષણ મંત્રીના મતે, વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યને ધ્યાને દરેક ધોરણોમાં મુદ્દા અને ચેપ્ટરનો ઘટાડો કરાશે. આ નિર્ણયથી 36 લાખ વિદ્યાર્થીને ફાયદો થશે.

કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં પણ અભ્યાસના દિવસો ઘટશે, સાથે જ વાલીઓની વારંવાર ફરિયાદ રહે છે કે ઓનલાઇન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને સંતોષ થતો નથી. જેથી વાલી અને વિદ્યાર્થી બંને આવનારા સમયમાં પોતાના પરિણામને લઇને સતત ચિંતામાં રહે છે. શિક્ષણ મંત્રીએ કોર્સ ઘટાડવાને લઇને શિક્ષણ તજજ્ઞો સાથે ઓનલાઇન મિટિંગો કરી હતી. તમામ એક્સપર્ટની વાતોને ધ્યાને લઇને શિક્ષણ વિભાગ આવનારા સમયમાં કેટલા ટકા અને ક્યા મુદ્દાઓ ઘટાડાશે તેની માહિતી જાહેર કરશે. 

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે રાહત
આ નિર્ણયની ખાસ અસર ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર થશે, કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું વર્ષ હોવાથી અને સ્કૂલો-ક્લાસિસ બંધ હોવાથી તેઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતા અનુભવતા હતા. ખાસ કરીને ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત ચિંતામાં હતા, પરંતુ કોર્સ ઘટવાના સમાચારથી બોર્ડના વિદ્યાર્થીઓને રાહત થશે.

પૂરતી તકેદારી રખાશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, આગળના ધોરણ સાથે જોડાયેલા મુદ્દાઓનો કાપ નહીં મુકાય. એટલે કે ધો.9માં એવા જ ચેપ્ટર અને મુદ્દાઓ પર કાપ મુકાશે જેનો ઉપયોગ ધો.10માં નહીં હોય, અથવા સપોર્ટિવ નહીં હોય. એવું નહીં બને કે ધો.10ના બેઝિક મુદ્દાઓ જે ધો.9માં હતા તેને ઊડાવી દેવામાં આવશે. વિદ્યાર્થીની દરેક બાબત પર પૂરતી તકેદારી રાખીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post