• Home
  • News
  • જમીન પર ઉતરી સરકાર, ભૂમાફિયા સામે કડકાઈ થશે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ આજે કેબિનેટમાં આવશે
post

સ્પેશિયલ કોર્ટ બનશે, 10થી 14 વર્ષ સુધીની કેદ, જમીનની જંત્રીના દરે સમાન દંડ ભરવો પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 09:23:45

ગુજરાત સરકારે જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે નવો કાયદો તૈયાર કર્યો છે. જે રીતે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે તેમ જમીન પચાવી પાડવી પણ ગુજરાતમાં આ કાયદાના અમલથી પ્રતિબંધિત થશે. આ કાયદા અનુસાર જમીન પચાવી પાડનારા લોકો વિરુદ્ધ 10થી 14 વર્ષની જેલ તથા જમીનની જંત્રી સમાન દંડની જોગવાઇઓ રાખવામાં આવશે. આગામી વિધાનસભા સત્રમાં ગુજરાતનો મહેસૂલ વિભાગ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન વિધેયક, 2020 રજૂ કરશે. જે પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી મળ્યે કાયદા તરીકે પ્રસ્થાપિત થશે. આ બિલ બુધવારે કેબિનેટમાં રજૂ થશે.

આ કાયદામાં જણાવાયા અનુસાર જો કોઇ વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ સરકારી, ધર્માદાની સંસ્થા કે અંગત માલિકીની જમીન પચાવી પાડીને તેને વેચે, અન્ય કોઇને સોંપે,વેચાણ હેતુ જાહેરાત આપે કે આ હેતુથી કબ્જામાં લે, બીજાને જમીન પચાવી પાડવા માટે ઉશ્કેરે, પોતે આવી જમીનનો ઉપયોગ કરે કે અન્યને ઉપયોગની પરવાનગી આપે, તેના પર મકાન ચણવાના કરારોમાં શામેલ થાય, અને પોતે કે અન્ય વ્યક્તિઓ મારફતે આ પ્રવૃત્તિઓ કરાવે તો તેના વિરુદ્ધ આ કાયદાની જોગવાઇ લાગુ પડશે. જો એવું માલૂમ પડશે કે જમીન પચાવી પાડવાના ગુન્હામાં કોઇ કંપની શામેલ છે તો તે કંપનીના તમામ પ્રભારી વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુન્હો લાગુ પડશે. સરકાર આ માટે દરેક જિલ્લે સ્પેશિયલ કોર્ટની રચના કરશે જ્યાં આવા કેસનો ખટલો ચલાવવામાં આવશે.

સરકારી, ખેતીની, ધર્મસ્થાન, ખાનગી જમીન પચાવનાર સામે કાર્યવાહી
સવાલ: શા માટે નવો કાયદો ઘડવામાં આવ્યો છે?
જવાબ: રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથો સાથ જમીનના બજાર મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇને સરકારી તથા ખાનગી માલિકીની જમીનો પચાવી પાડવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરવામાં આવે છે.

સવાલ: જમીન પચાવી પાડનારાઓને શું સજા થશે?
જવાબ: આ કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે. દોષીતને ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.

સવાલ: નવો કાયદો ક્યારથી લાગુ થશે?
જવાબ: મંત્રી મંડળની બેઠકમાં બિલ પસાર થયા બાદ વિધાનસભામાં બિલ રજૂ થશે. સત્ર ચાલુ ન હોય તેવી સ્થિતિમાં વટહૂકમ પણ જારી કરાશે. વટહુકમની જોગવાઇઓ તાત્કાલીક ધોરણથી અમલમાં આવશે.

સવાલ: ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ-વટહુકમની મહત્ત્વપૂર્ણ જોગવાઇઓ
જવાબ: જમીન હડપ કરવાના કેસોની ઝડપી તપાસ માટે વિશેષ અદાલતોની રચના થશે. કેસ અદાલતમાં દાખલ થયાના છ મહિનામાં નિકાલ, સરકારી વકીલની નિમણૂંક થશે.

adv

Related News

post
post
post
post
post
post
post