• Home
  • News
  • 2020માં અંતિમ વિદાય:ગુજરાતે 7 મહાનુભાવ ગુમાવ્યા, કેશુભાઈ, અહેમદ પટેલ, મહેશ-નરેશ અને અભય ભારદ્વાજની વસમી વિદાય
post

ફિલ્મોના સુપરસ્ટારથી લઈ સિંગર તેમજ વિરિષ્ઠ નેતાઓની વિદાયથી ગુજરાતને મોટી ખોટ પડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-29 10:43:33

વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે 2020નું વર્ષ ખરાબ સાબિત થયું છે, જેમાંથી ગુજરાત પણ બાકાત રહ્યું નથી. ગુજરાતમાં કોરોના મહામારીની વચ્ચે 2020ના અબ શુકનિયાળ વર્ષમાં કેટલાક મહાનુભાવોએ વિદાય લીધી હતી, જેને કારણે ગુજરાતને મોટી ખોટ પડી છે, ખાસ કરીને કેશુભાઈ પટેલ તેમજ અહેમદ પટેલ જેવા ધુરંધર રાજકારણીઓ, મહેશ કનોડિયા તેમજ નરેશ કનોડિયા જેવા ફિલ્મોના સુપરસ્ટારની સાથે સમાજ જીવન અને રાજકારણમાં સક્રિય એવા અભય ભારદ્વાજનાં નિધન થયાં છે.

બાપાને ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી અંતિમસંસ્કાર કરાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મપિતામહ કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે કોરોનાથી નિધન થયું હતું. બાપાના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમને ઘણા સમયથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવદેહને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, આગેવાનો, કાર્યકરોએ અંતિમદર્શન કર્યાં બાદ બાપાના પાર્થિવદેહને તિરંગામાં લપેટી નીકળેલી અંતિમ યાત્રા ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનગૃહ પહોંચી હતી. ત્યાં કેશુભાઈના પાર્થિવદેહના ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભારે હૈયે બાપાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત આવ્યા હતા.

દેશ જ નહીં, વિદેશની ધરતી પર પણ આ જોડીએ પોતાની છાપ છોડી છે
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે રવિવારે (25 ઓક્ટોબર) ગાંધીનગર નિવાસે નિધન થયાના 48 કલાકમાં 27 ઓક્ટોબરે નાના ભાઈ અને ગુજરાતી ફિલ્મોના શહેનશાહ કહેવાતા નરેશ કનોડિયાનું 77 વર્ષને વયે કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર ગાંધીનગર ખાતે કરાયા હતા. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ બતાવ્યું હતું. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને બંધુઓને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને ગયા હતા.

અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી, માતા-પિતાની કબર પાસે દફનાવજો
કોંગ્રેસના ટોચના નેતા અને પક્ષના ટ્રબલ શૂટર ગણાતા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે કોરોનાથી 25 નવેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં મોડી રાત્રે અવસાન થયું હતું. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ ભરૂચના પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, અશોક ગેહલોત, કમલનાથ સહિતના ટોચના નેતાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાઈરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ 25મીએ સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહેમદ પટેલના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતાઓએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

આફ્રિકાના યુગાન્ડામાં જન્મેલા અભય ભારદ્વાજ 1977માં ભાજપમાં જોડાયા હતા
સાંસદ અભય ભારદ્વાજનો 30 ઓગસ્ટે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા, પરંતુ સારવાર કરી કારગત નહીં નીવડતા ભારદ્વાજને ચેન્નઇ લઇ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબરે તેમને ચેન્નઇ લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમની તબિયતના સુધારામાં ચઢાવ-ઉતાર થતો હતો. દરમિયાન મંગળવારે બપોર બાદ તેમની તબિયત વધુ ખરાબ થઇ અને ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વડાપ્રધાને સાંજે 5 કલાકે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. અભય ભારદ્વાજે 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો તેમણે. કુરુક્ષેત્રમાં અખિલ ભારતીય લૉ ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા.

પહેલી નોકરી શિક્ષિકા તરીકે અમદાવાદમાં કરી પછી All India Radioમાં જોડાયાં
ગુજરાતી સાહિત્ય અને માધ્યમ જગતના ખૂબ જ જાણીતા અને આકાશવાણીનાં પૂર્વ નિર્દેશક વસુબેન ભટ્ટનું 13 ડિસેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. વસુબેનનો જન્મ વડોદરાના આમોદ ગામમાં થયો હતો. વડોદરામાં ભણતર પૂરું કર્યા બાદ તેમણે પહેલી નોકરી શિક્ષિકા તરીકે અમદાવાદની રાવ મગનભાઈ કરમચંદ સ્કૂલમાં સ્વીકારી હતી. ત્યાર બાદ તેઓ ઈ.સ.1949માં આકાશવાણીમાં All India Radioમાં જોડાયાં હતાં. મુંબઈ, વડોદરા તેમજ રાજકોટમાં કામ કરી છેલ્લે તેઓ અમદાવાદમાં નિવૃત્ત થયાં હતાં. આકાશવાણીમાંથી નિવૃત્ત થઈને રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડનાં પહેલાં અધ્યક્ષપદે વસુબેનની નિમણૂક થઈ હતી તેમજ ગુજરાત સ્ત્રી કેળવણી મંડળનાં આજીવન પ્રમુખ પણ હતાં. વસુબેન લાંબા સમયથી બીમાર હતાં.

ગુજરાતી કોકિલ કંઠીતરીકે પ્રખ્યાત હતાં કૌમુદીબેન મુનશી
ગુજરાતી ભાષાનાં ગીતસંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરાતી કોકિલ કંઠીતરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું 13 ઓક્ટોમ્બરના રોજ મુંબઈમાં 93 વર્ષની વયે નિધન થયું હતું. કૌમુદીબેને પોતાના સ્વર વડે ગુજરાતી સુગમ સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમણે ઠુમરી, ગઝલ વગેરે માટે જાણીતાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસેથી તાલીમ મેળવી હતી. કૌમુદીબહેન મુનશી જાણીતા સુગમ સંગીત ગાયક સ્વ. નીનુ મઝુમદારનાં પત્ની હતાં અને ગાયક ઉદય મઝુમદારનાં માતા હતાં. 3 ફેબ્રુઆરી 1992માં ઉત્તરપ્રદેશના બનારસમાં જન્મેલાં કૌમુદીબેન ગુજરાતી ભાષાનાં ભજન અને ગરબા ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન હિન્દી અને રાજસ્થાની ગીતો પણ ગાયાં હતાં. 21 વર્ષની વયે મુંબઈમાં સ્થાયી થયાં બાદ તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. કૌમુદીબેન મૂળ ગુજરાતના વડનગરના છે.

adv

Related News

post
post
post
post
post
post
post