• Home
  • News
  • ગુજરાતમાં IPS બાદ હવે મોટાપાયે IASની બદલીઓની તૈયારી, 15 ઓગસ્ટ બાદ ફેરબદલ થવાની શક્યતા
post

IASની સાથે ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરમાં પણ ફેરફારો કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 11:50:32

ગાંધીનગર: ગુજરાતમાં મોટા પાયે (ઈન્ડિયન પોલીસ સર્વિસ) IPSની બદલીઓ બાદ હવે (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) IASની બદલી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે 15 ઓગસ્ટ બાદ કરવામાં આવે તેવી શક્યતા છે. જેથી ગુજરાતના વિવિધ વિભાગોમાં મોટાપાયે ફેરબદલ થઈ શકે છે. જેના ભાગરૂપે 5 IASને (એડિશનલ ચીફ સેક્રેટરી)ACS તરીકે બઢતી આપીને પ્રક્રિયા શરૂ કરી દીધી છે,

કલેક્ટરો અને DDOની બદલી થશે
ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં થયેલી મોટી ઉથલપાથલ પછી હવે રાજ્યના સિનિયર અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેમ છે, સરકારે 5 IASને ACS તરીકે બઢતી આપ્યા બાદ હવે સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓ, બોર્ડ-કોર્પોરેશન તેમજ જિલ્લાના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. લાંબા સમયથી પેન્ડિંગ ફાઇલ ક્લિયર કરવામાં આવશે. આ બદલીઓમાં જિલ્લા કલેક્ટરો અને(ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર) DDOનો પણ સમાવેશ થાય છે.

કોરોનાના કારણે બદલીઓ અટકી હતી
ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચથી જૂન મહિનામાં બદલીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાના કારણે આ બદલીઓ અટકી ગઈ હતી. તેથી હવે સરકારના ઉચ્ચ અધિકારીઓની બદલીઓના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે .કૈલાસનાથન વચ્ચે ઔપચારિક બેઠક કરવામાં આવી રહી છે. જેમાં સિનિયર આઇએએસ ની નિયુક્તિને આખરી ઓપ આપવામાં આવશે.

સચિવાલયના વિવિઘ વિભાગોમાં ફેરફાર થશે
સચિવાલયના વિવિધ વિભાગોમાં ફેરફાર થવાનો છે, તેમાં કૃષિ, ગૃહ, શ્રમ અને રોજગાર, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ, નાણાં, પંચાયત, ઊર્જા, સામાન્ય વહીવટ વિભાગ, રમતગમત, સામાજીક ન્યાય, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, સહકાર, અન્ન અને નાગરિક પુરવઠા, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, મહિલા અને બાળકલ્યાણનો સમાવેશ થાય છે. એ ઉપરાંત મહત્વના 10 જેટલા બોર્ડ-કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટરોનો સમાવેશ થાય છે.

મુકિમનું એક્સટેન્શન થવાની શક્યતા
આ બદલીઓ 15મી ઓગસ્ટ પછી થાય તેવી સંભાવના છે. આ સાથે રાજ્યના (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) IFSમાં પણ કેટલીક મહત્વની જગ્યાએ નવી નિયુક્તિ થવાની શક્યતા છે. IASની સાથે ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરમાં પણ ફેરફારો કરવામાં આવશે. સૌથી મહત્વની રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ ઓગસ્ટ મહિનાના અંતમાં વયનિવૃત્ત થવાના છે ત્યારે તેમને વધુ છ મહિનાના એક્સટેન્શન અંગે પણ વિચારણા ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post