• Home
  • News
  • મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું
post

ઉત્તર પ્રદેશએ 3 ગણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બિહારે બમણા ટેસ્ટ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 08:55:23

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. મોદીએ ગુજરાત સહિતના રાજ્યોને કોરોનાના ટેસ્ટ વધારવા ટકોર પણ કરી હતી. વડાપ્રધાને ટકોર કર્યા બાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશના એવા રાજ્યો કે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 60 હજારથી વધુ છે એ રાજ્યો સાથે ગુજરાતની તુલના કરવામાં આવે તો છેલ્લા 12 દિવસમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં ગુજરાત 8મા ક્રમે આવે છે. આસામમાં ગુજરાત કરતાં ઓછા કેસ હોવા છતાં ટેસ્ટના મામલે આસામ ગુજરાત કરતાં આગળ આવે છે.

ઓગસ્ટના 12 દિવસમાં થયેલા ટેસ્ટમાં ગુજરાત આઠમા ક્રમે
ઓગસ્ટ મહિનાના છેલ્લા 12 દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટ અંગે વાત કરીએ તો 60 હજારથી વધુ કેસ ધરવાતા 11 રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમા ક્રમે આવે છે. આ 12 દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 1086918 ટેસ્ટ કરાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 779966, તમિલનાડુમાં 773887, બિહારમાં 724808, આંધ્રપ્રદેશમાં 697991, આસામમાં 656405, કર્ણાટકમાં 475525 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં 344228 ટેસ્ટ કરાયા છે. આમ જોઇએ તો ઉત્તર પ્રદેશમાં ગુજરાત કરતાં ત્રણ ગણા જ્યારે બિહાર, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં બે ગણાથી વધુ ટેસ્ટ કરાયા છે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ગુજરાત કરતાં ઓછા ટેસ્ટ
દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસનો આંકડો વધારે છે, બન્ને રાજ્યોમાં અનુક્રમે 148504 અને 104326 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધીમાં 74390 કેસ નોંધાયા છે. જોકે પશ્ચિમ બંગાળ અને દિલ્હીની કરતાં ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં 209954 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પશ્ચિમ બંગાળમાં 293523 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાત કરતાં આસામમાં બે ગણા ટેસ્ટ થયા
ઓગસ્ટ મહિનાના છેલ્લા 12 દિવસમાં ગુજરાત અને આસામમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટની વાત કરવામાં આવે તો આસામમાં 12 દિવસમાં 656405 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 2 દિવસમાં જ આસામમાં 195171 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં 12 દિવસમાં 344228 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં 91771 ટેસ્ટ કરાયા છે. આ 12 દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતાં લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેસની વિગતો જોઇએ તો આસામમાં અત્યારસુધીમાં કુલ 69000 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 74390 કેસ નોંધાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post