• Home
  • News
  • 2020ના વિવાદો:કોરોનાના 14 દર્દી સહિત અગ્નિકાંડે 26નો જીવ લીધો, ઓનલાઈન શિક્ષણે વાલી-વિદ્યાર્થીઓની માનસિક-આર્થિક સ્થિતિ બગાડી, સુનિતા યાદવથી લઈ MP-MLA આવ્યા વિવાદમાં
post

અમદાવાદ પીરાણા કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં 12ના મોત, બે બાળક અનાથ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-28 09:37:36

કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયા માટે વસમુ સાબિત થયેલા વર્ષ 2020ની વિદાય આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સૌ કોઈ વર્ષ 2020માં જીવનમાં અને દેશ-દુનિયાએ શું ગુમાવ્યું અને શું મેળવ્યુંના લેખાજોખા કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત માટે આ વર્ષ કોરોનાના હાહાકારની સાથે સાથે અગ્નિકાંડોને લઈ પણ ઘણું કપરું રહ્યું છે. તેમજ આ વર્ષ દરમિયાન રાજ્યમાં ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ બની છે, જેણે લોકોમાં ખૂબ ચર્ચાઓ જગાવી હતી.

6 ઓગસ્ટે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

25 ઓગસ્ટે જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ લાગી
25
ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICUમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

8 સપ્ટેમ્બરે વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી
8
સપ્ટેમ્બરે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડે કોરોના વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જાનહાનિ ટળી હતી.

26 નવેમ્બરની કાળી રાતની આગ રાજકોટમાં 6 દર્દીને ભરખી ગઈ
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. ત્યાર બાદ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અમદાવાદ પીરાણા કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં 12ના મોત, બે બાળક અનાથ થયા
4 નવેમ્બરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં હતા. જેમાં એક દંપતીનું મોત થતા તેના દીકરો-દીકરી અનાથ થઈ ગયા છે.

ઘરમાં ખાવાના પૈસા નથી તો મોબાઇલ-ઇન્ટરનેટ કે TV ભણવા માટે ક્યાંથી લાવવું
ગુજરાતમાં કોરોનાના કારણે 19 માર્ચથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. જેને કારણે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. ગામડામાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટ. આમછતાં જબરજસ્તીથી ભણાવવામાં આવે તો શિક્ષક પણ અસમંજસમાં મુકાઈ ગયા છે.ગામડામાં રહેલા વાલીઓ કહે છે કે બાળકો મોબાઇલ કે ટીવીમાં ભણતા નથી. તેમને પણ એમની આંખો બગડે એની ચિંતા છે. ગામડામાં રહેતા ગરીબ કે સાધારણ સ્થિતિના વાલીઓની એવી પણ ફરિયાદ છે કે, અત્યારની સ્થિતિમાં ખાવાના પૈસા નથી ત્યાં આવા મોબાઈલ અને ઈન્ટરનેટના ખર્ચા કેવી રીતે પોષાય. આવી રીતે ભણાવવાથી કઈ બાળકોનું ભવિષ્ય બનવાનું નથી. બાળકો પણ કહે છે કે ઓનલાઇન શિક્ષણ ગમતું જ નથી.

માસ્ક મામલે રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી
10
ઓગસ્ટે રાજકોટમાં માસ્ક મુદ્દે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પોલીસે અટકાવતા તકરાર થઇ હતી. રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રીવાબા જાડેજાએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક અને સોશિયલ ડિસન્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેવામાં રાજકોટમાં માસ્ક મુદ્દે અટકાવતા રવિન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. રિવાબા જાડેજા પણ સાથે હતા. જો કે ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

રાજ્યસભા ચૂંટણી સમયે રિસોર્ટ પોલિટિક્સ ખૂબ ચર્ચામાં રહ્યું
લોકડાઉન પહેલા રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી. આ તારીખો જાહેર થતાં અને રાજ્યમાં ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું રાજકારણ શરૂ કરવામાં આવતા જ પ્રદેશ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભાજપના તોડજોડના રાજકારણથી બચાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરના શિવ રિસોર્ટમાં સુરક્ષિત રાખવા(ભાજપથી બચાવીને રાખવા)માં સફળ રહી હતી. પરંતુ ચૂંટણી રદ થઈને જ્યારે જૂનમાં યોજાઈ ત્યારે ધારાસભ્યોને સાચવવા માટે સૌરાષ્ટ્રનાં 18 ધારાસભ્યોને રાજકોટના નીલસિટી ક્લબ ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ધારાસભ્યોને ગઢડા અને ધારી લઈ જવાયા હતા.

સૌરાષ્ટ્રમાં સી.આર.પાટીલની રેલીમાં સામેલ થયેલા MLA-MP કોરોના સંક્રમિત થયા, સાંસદે જીવ ગુમાવ્યો
21-22
ઓગસ્ટે સી.આર.પાટીલે સૌરાષ્ટ્રમાં અનેક રેલી યોજી હતી. આ રેલીમાં જોડાયેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચ્યો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી અભય ભારદ્વાજનું કોરોનાથી મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર બાદ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થયા હતા.

વાલીઓએ 25 ટકા સ્કૂલ ફી માફીના નિર્ણયની હોળી કરી હતી
30
સપ્ટેમ્બરે રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલક મંડળ અને વાલી મંડળ સાથે બેઠક કરી વાલીઓને ફીમાં 25%ની રાહત આપી હતી. જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો. તેમજ વાલી મંડળે સરકારના નિર્ણયની હોળી કરવા સાથે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલકોને સાચવી લીધા છે. તે સાથે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી માંગ 50 % ફી માફીની હતી. પણ રાજ્ય સરકારે તે સ્વીકારી નથી. ખાનગી શાળાના સંચાલકો પહેલેથી 25 % ફી માફની જાહેરાત કરી હતી. આમ વાલીઓની રજૂઆત તો સરકારે સાંભળી જ નથી અને સંચાલકે જે રજૂઆત કરી હતી તે સરકારે સ્વીકારી હતી.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે માસ્ક વિના મંદિરમાં ડાન્સ કર્યો
વિવાદિત નિવેદનો માટે જાણીતા વાઘોડિયાના બાહુબલી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વર્ષે પણ વિવાદો કર્યા છે. કોરોનામુક્ત થયા બાદ 19 સપ્ટેમ્બરે મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો હતો અને કોરોનાની ગાઇડ લાઈનના ધજાગરા ઉડાડ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં એવું ક્યાંય લખ્યું છે કે પોતાના મંદિરની અંદર મોઢું બાંધીને પૂજા કરવી ? આ માટે કોઈ કાયદામાં આવી જોગવાઈ નથી.

MP વસાવાએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, CMને લવ જેહાદનો કાયદો લાવવા પત્ર લખ્યો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને પત્રો લખીને સતત વિવાદમાં રહે છે. તેઓ ક્યારેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે તો ક્યારેક લવ જેહાદનો કાયદો બનાવવા માગ કરે છે. તેમણે ગત મે મહિનામાં સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં હતા. જેમાં લખ્યું હતું કે, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવેત્યાર બાદ તાજેતરમાં લવ જેહાદનો કાયદો બનાવવા પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું કે, રૂપાણીસાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’.

આરોગ્ય મંત્રીનો પુત્ર ‘MLA’ લખેલી કારમાં આવ્યો, સુનિતા યાદવે પાટીયું ઉતરાવ્યું હતું
ગત 8 જુલાઈની રાત્રે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર(કોન્સ્ટેબલ) સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કર્ફ્યુના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપી હતી. તેમજ MLA લખેલું પાટિયું ઉતારાવ્યું હતું. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

હાઇકોર્ટે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરતા ભુપેન્દ્રસિંહના મંત્રીપદ સામે વાંધો ઉઠ્યો હતો
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી વિજયી થયેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટે 12મેના રોજ ચુકાદો આપી આ ચૂંટણીને રદ કરી હતી. જેને કારણે તેમના ધારાસભ્યપદ અને મંત્રીપદ સામે વાંધો ઉઠ્યો હતો. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે મુકી દેતા ભુપેન્દ્રસિંહનું મંત્રીપદ અને ધારાસભ્યપદ બચી ગયા હતા.

AMCના કમિશનર પદેથી નેહરાની બદલી કરી નવા અધિકારીઓ મુક્યા
અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બનતા 17મેના રોજ રાજ્ય સરકારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની બદલી કરી દીધી હતી. તેમને રૂરલ ડેવલપેમેન્ટ વિભાગના કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ મુકેશ કુમારને આપવામાં આવ્યો હતો. તેમજ કોરોનાને કાબૂમાં કરવા માટે ડો.રાજીવ ગુપ્તાને ખાસ ફરજ પરના અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની રથયાત્રા નગરચર્યાએ ન નીકળી
અમદાવાદમાં 23 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી જગન્નાથ રથયાત્રા 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મહામારી કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યાં હતા.

adv

Related News

post
post
post
post
post
post
post