• Home
  • News
  • કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું 100ની વયે નિધન, PM મોદી અને મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
post

શ્વાસની તકલીફ થતા સુરતની બુરહાની હોસ્પિ.માં દાખલ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 10:03:47

અમદાવાદ: કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું આજે 100ની વયે નિધન થયું છે. આજે 11.30 કલાકે શ્વાસની તકલીફ થતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમણે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું.

નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક-વિચારક હતા: PM મોદી
નગીનદાસ સંઘવીના નિધન અંગે PM નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો કે, શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક-વિચારક હતા. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. એમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!

મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે સમાજ જીવન અને દેશ દુનિયાની સાંપ્રત  સમસ્યાઓ અને  સ્થિતિનું નીરક્ષીર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખનીએ લાખો વાચકોના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે,તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિ ની પ્રાર્થના કરી છે.

નગીનદાસ સંઘવીજીના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છુંઃ ભરત પંડ્યા
જ્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નગીનદાસ સંઘવીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું કે,વરિષ્ઠ વિચારક,રાજકીય વિશ્લેષક,લેખક, પત્રકાર,સમાજશાસ્ત્રી પદ્મ શ્રીનગીનદાસ સંઘવીજીના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું.પરમાત્મા સદગત આત્માને ચિર શાંતિ અર્પે એજ પ્રાર્થના. તેમનાં વિચારો,પુસ્તકો,લેખો દ્વારા આપણી વચ્ચે જીવતાં રહેશે.નગીન બાપાઓમ શાંતિ.

જન્મ અને અભ્યાસ
નગીનદાસ સંઘવીનો જન્મ 10 માર્ચ 1920ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે ભાવનગરની ખ્યાતનામ શામળદાસ કોલેજમાં BA કર્યું હતું. અભ્યાસ દરમિયાન તેમને સરદાર પટેલને સાંભળવાની તક મળેલી. તેમણે 1951થી 1980 સુધી મુંબઈની ત્રણ કોલેજોમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.જ્યારે 1944માં તેમણે મુંબઈની એક જાહેરખબર એજન્સીમાં 30 રૂપિયાના પગાર સાથે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરેલી. થોડો સમય વીમા એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું. નગીનદાસ સંઘવી દિવ્યભાસ્કર માટે તડ અને ફડ કટાર લખતા હતા.

સરદાર પટેલઃએક સમર્પિત જીવનસહિત અનેક પુસ્તકો લખ્યા
તેમણે અત્યાર સુધીમાં ગુજરાતઃ એ પોલિટિકલ એનાલિસિસ’, ‘મહામાનવ શ્રી કૃષ્ણ’, ‘ગુજરાત એટ ક્રોસ રોડ’,‘નરેન્દ્ર મોદીઃ એક રાજકીય સફર’,‘ગીતા વિમર્શ’,‘અ બ્રીફ હિસ્ટરી ઓફ યોગા’,‘સરદાર પટેલઃએક સમર્પિત જીવન’ (રાજમોહન ગાંધીના અંગ્રેજી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ),‘ગાંધીઃ ધ એગની ઓફ એરાઈવલ ધ સાઉથ આફ્રિકન ઈયર્સ’, ‘રામાયણની અંતર યાત્રા’, ‘ગીતા નવી નજરે’, ‘ધર્મ અને સમાજ’, ‘લોકશાહીને લૂણોસહિત અનેક પુસ્તકો લખ્યા હતા. તેમજ તેમના નામે મે 29 પરિચય પુસ્તિકાઓ બોલે છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post