• Home
  • News
  • ગુજરાતમાં પહેલીવાર હલવા સેરેમની:કેન્દ્ર સરકારની જેમ સુરત મનપા દ્વારા બજેટ બાદની સામાન્ય સભા પહેલાં હલવા સેરેમની, વિપક્ષે ટીકા કરી
post

300 કરોડનો વેરો ઝીંકીને હાલવા પાર્ટી હાસ્યસ્પદ: વિપક્ષ

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:06:43

સુરત: કેન્દ્ર સરકારમાં જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે હલવો બનાવવામાં આવતો હોય છે. આપણા ત્યાં પરંપરા છે કે કોઈ સારા સમાચાર હોય તો એની લાગણી વ્યક્ત કરવા માટે લાપસીના આંધણ મુકાતા હોય છે કે હલવો બનાવવામાં આવતો હોય છે. સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્ર સરકારના રસ્તે આગળ ચાલી રહી છે અને આજે સામાન્ય સભા શરૂ થાય એ પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું. આ આયોજન ગુજરાતમાં પહેલીવાર છે.

ઇતિહાસમાં પહેલીવાર હલવા સેરેમનીનું આયોજન
સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ બાદ આજે સામાન્ય સભાનો પહેલો દિવસ હતો. આ સામાન્ય સભામાં તમામ મેયર સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરો પહોંચે એ પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સામાન્ય સભા શરૂ થાય એ પહેલાં મેયર દ્વારા તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની માફક સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

હલવા સેરેમનીમાં કમિશનર અને વિરોધ પક્ષની ગેરહાજરી
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ખટરાગ ઊભો થયો હોય એવી ચર્ચા ચાલી રહી છે. એવી પણ વાતો સામે આવે છે કે મેયરને કમિશનર જરા પણ ગાંઠતા નથી. મેયર દ્વારા કરવામાં આવેલાં સૂચનોને પણ કમિશનર દ્વારા ગણકારવામાં આવતાં નથી. આજે સામાન્ય સભા પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ મ્યુનિસિપલ કમિશનર અને વિરોધપક્ષના નેતા તથા કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા. હલવા સેરેમનીમાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી સ્પષ્ટ કરી રહી છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી.

300 કરોડનો વેરો ઝીંકીને હાલવા પાર્ટી હાસ્યસ્પદ: વિપક્ષ
વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડી રહ્યો છે. હજારો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 300 કરોડ કરતાં વધારાનો વેરો સુરતવાસીઓ પર નાખવામાં આવ્યો છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચ અને સમયસર પૂર્ણ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રજા પર વધારાના બોજ કર સ્વરૂપે ન નાખવા જોઈએ છતાં પણ મનપાના સત્તાધીશોને જાણે લોકોની કોઈ જ ચિંતા ન હોય એ પ્રમાણે એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપી રહ્યા છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે, જે ખરેખર યોગ્ય નથી. પ્રજા પર બોજો નાખીને કડવાસ પીરસનાર શાસકોનો મીઠો હલવો ખાવાનો વ્યવહાર અમને યોગ્ય લાગતો નથી.

adv

Related News

post
post
post
post
post
post
post