• Home
  • News
  • 3 માસથી સૂકી ભઠ નર્મદામાં પાણી વહેતા થતાં નાવિકોમાં ખુશી, રોજે રોજ 25 નૌકાઓનાં વારા બાંધ્યા
post

ડભોઇ ચાણોદના નાવિક શ્રમજીવીઓએ તમામને આજીવિકા મળે તેવી અનોખી એકતાની મિશાલ સ્થાપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:45:27

ડભોઇ: આજનાં આ હરિફાઇનાં યુગમાં રોજગારી મેળવવા લોકો ધમપછાડા કરી રહ્યા છે ત્યારે ડભોઇ તાલુકાનાં દક્ષિણ પ્રયાગતીર્થ ચાંણોદ ખાતે નાવ ચલાવી પેટીયું રળી ખાતાં નાવિક શ્રમજીવીઓએ 100 દિવસો બેકારીનાં પસાર કર્યા બાદ રોજગારીની તકો ઉજળી થતાં તમામને રોજીરોટી મળી રહે તે હેતુથી એકતાની મોટી મિસાલ ઉભી કરી છે. રોજે રોજ 25 નૌકાઓનાં વારા બાંધ્યા, રોજગારી થાય તે મંડળમાં જમા કરાવવી, તમામનાં રાઉન્ડ પુર્ણ થયેથી થયેલ કુલ આવક તમામ 100 જેટલી નૌકાઓનાં સંચાલકોમાં વિતરણ કરી નાંખવી.

તાજેતરમાં મધ્યપ્રદેશનાં ઉપરવાસમાં મેઘમહેર થતાં ડેમની સપાટી ઉંચી આવતાંની સાથે જ તંત્ર દ્વારા ટર્બાઇન ચાલુ કરાયા હતા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ત્રણચાર માસ અગાઉથી પાણીની સપાટી ઉંચી ન હોવાથી નર્મદાનાં નીર છોડવામાં ન આવતાં ડેમ પછીનાં નર્મદાનો પટ સુકોભટ્ટ જોવા મળતો હતો. જેને લઇને નાવિક શ્રમજીવીઓ, માછીમારો માટે રોજગારીનાં સવાલો પણ ઉભા થઇ ગયાં હતાં, તેમાંય વળી કોરોનાનાં કહેરે તો કમર જ તોડી નાખી હતી. પરંતું તાજેતરમાં મધ્યપ્રદેશનાં ઉપરવાસમાં મેઘમહેર થતાં ડેમની સપાટી ઉંચી આવતાંની સાથે જ તંત્ર દ્વારા ટર્બાઇન ચાલુ કરાયા હતા.તો બીજીબાજુ ડેમની આગળના નર્મદા પટમાં પણ પાણી વહેતાં સુકીભટ્ટ નર્મદા નદીમાં જાણે જીવ આવ્યો હોય તેવા દર્શન થવા માંડ્યાં છે. ત્યારે સૌથી વધુ ખુશી 100 દિવસોથી રોજગારી ગુમાવી બેઠેલાં નાવિકો કે મચ્છીમારી કરી પેટીયું રળીતાં શ્રમજીવીઓમાં જોવા મળી છે. ત્યારે રોજીરોટીને ધ્યાનમાં લઇને ચાંણોદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા તમામને કોઇપણ હરીફાઇ વિનાં સરખે હિસ્સે રોજીરોટી મળી રહે તે હેતુંથી અનોખો પ્રયાસ કરાયો. જેમાં 100 પૈકી રોજ 25-25 નૌકાઓનાં 4 જૂથ સાથે વારા બાંધી રોજ 25 નૌકાઓની થતી આવક મંડળમાં જમા કરાવી 100 નૌકાઓનું રાઉન્ડ પૂર્ણ થયે થયેલી કુલ આવક તમામને વહેંચી આજીવિકા ચાલે તેવો હેતુ છે.

તમામ શ્રમિકોને રોજીરોટી મળે તેવો પ્રયાસ કરાયો

રોજેરોજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતાં નથી. સંભવ છે કોઇ 25 નાવિકોને ધંધો મળે પણ નહી. ત્યારે શ્રમજીવીઓને સાથે રાખી તમામને એક સરખી રોજીરોટી મળી રહે તે હેતુંથી આ પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં તમામ નાવિકશ્રમજીવીઓ નાં એકતાં નાં દર્શન સાથે રોજીરોટીનાં સવાલોનું પણ સફળતાપૂર્વક નિરાકરણ આવ્યુ.- ચિરાગ માછી, પ્રમુખ

લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે કરાતું પાલન

સમજૂતીની સાથે કોરોના કહેરની વચ્ચે લોકડાઉનનાં નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યંુ છે. દેશવ્યાપી કોરોનાં કહેરની વચ્ચે લદાયેલાં લોકડાઉન બાદ 100 દિવસોનાં વ્હાણાં નહી ગયેથી અનલોક 1માં મળેલી ધાર્મિક પ્રવૃતિઓ પરની છુટને લઇને વિધિવિધાન કરવાવા આવતાં શ્રધ્ધાળુઓ નૌકા વિહાર કરી આનંદ મેળવી રહ્યા છે. પરંતું શોશ્યલ ડિસ્ટનસીંગ જાળવવાનાં હેતુથી માત્ર 5 જ નૌકાવિહારીઓને નૌકામાં સવાર કરવામાં આવી રહ્યા છે. તો વળી ભુદેવો પણ વિધિ કરવા માટે મંડપો માંડી નહી અલગ અલગ જગ્યાઓએ યજમાનોને બેસાડી વિધિ કરાવી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post