• Home
  • News
  • હરિધામ સોખડા ફરી વિવાદમાં:રાજકોટના ત્યાગવલ્લભસ્વામીએ શૈક્ષણિક સંસ્થાઓમાં ભૂતિયા કર્મીઓ ઊભા કર્યા, બોગસ બેંક એકાઉન્ટમાં સેલરી નખાવી 33 કરોડની છેતરપિંડી કરી
post

ઇન્કમટેક્સ તથા ચેરિટી મિશન તથા ટ્રસ્ટના તમામ સભ્યો અને બેનિફિશિયરી સાથે છેતરપિંડી અને ફોર્જરી આચરી મોટાં પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-10 17:55:44

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આત્મીય સંકુલના કર્તાહર્તા ત્યાગવલ્લભસ્વામી સહિત 4 શખસે અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં ખોટા કર્મચારી ઊભા કરી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી સેલરી નખાવી રૂ.33.26 કરોડની ઉચાપત કર્યા અંગે ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પવિત્ર હર્ષદરાય જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું આત્મીય વિદ્યાધામમાં તા.21-04-2022થી ૨હું છુ અને છેલ્લાં 28 વર્ષથી તમામ ધાર્મિક સંસ્થાઓના સ્થાપક ગુરુ હરિ શ્રી હરિપ્રસાદદાસજીના તાબા હેઠળ સંન્યાસ લીધો છે તેમજ તેમના પર્સલન આસિસ્ટન્ટ તરીકે રહું છું અને સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક તરીકે કાર્યરત છું.

પવિત્ર જાનીએ કરેલા આક્ષેપો તદ્દન ખોટાઃ ત્યાગવલ્લભદાસ
ત્યાગવલ્લભસ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે પવિત્ર જાની દ્વારા સંસ્થાને બદનામ કરવા માટે કેસ કર્યો છે. ખોટી રીતે સંસ્થાના ટ્રસ્ટીઓ અને ભક્તોને હેરાન કરવા માટે જુદા જુદા 35 જેટલા કેસ કરવામાં આવ્યા છે. આ પૈકી રાજકોટમાં પણ ચેરિટી કમિશનર કચેરીમાં તેણે કેસ કર્યો છે. બધામાં તેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. દર વર્ષે આવડી મોટી સંસ્થાઓમાં સીએ દ્વારા હિસાબો ઓડિટ થતા હોય છે. ઓડિટ થયેલા રિપોર્ટ સરકારના જે-તે વિભાગમાં મોકલવામાં આવતા હોય છે, પરંતુ પવિત્ર જાનીએ કરેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. બીજા ચાલતા કેસોમાં કદાચ ફાયદો થઈ જાય તેવી ખોટી ગણતરીથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કેસ હિયરિંગ પર છે અને અમને ન્યાયતંત્ર પણ પૂરો ભરોસો છે. આ અંગે એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ તપાસ ચાલુ છે. ત્યાગવલ્લભસ્વામીની ભૂમિકા અંગે તપાસ કરી રહ્યા છીએ.

ધર્માદાની રકમથી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરાઈ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. શ્રી હરિપ્રસાદદાસજી પોતે સોખડા ગામે સ્થિત હોવાના કારણે આ ટ્રસ્ટની જવાબદારી સાધુ ત્યાગવલ્લભદાસને આપી હતી. સર્વોદય કેળવણી સમાજ હરિધામ સોખડા અક્ષરપુરુષોત્તમ મંદિરના તાબા હેઠળ આવતાં અનેક ટ્રસ્ટોમાંનું એક ટ્રસ્ટ છે. હરિપ્રસાદસ્વામીના સેવકો અને શ્રદ્ધાળુઓ દાન ધરમ કરતા હોય છે. આ ધર્માદાની રકમથી આ સંસ્થા જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓમાંથી મળતી આર્થિક આવકને સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટમાં જમા કરાવીને ટ્રસ્ટના મૂળભૂત હેતુ માટે ઉપયોગમાં લેવાની હોય છે.

1986થી ટ્રસ્ટના PTR હરિપ્રસાદ સ્વામી છે
1986
થી ટ્રસ્ટના પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર (PTR) પર પ્રેસિડન્ટ તરીકે શ્રી હરિપ્રસાદસ્વામીનું આજદિન સુધી નામ ચાલતું આવે છે, પરંતુ સાધુ ત્યાગવલ્લભદાસ રેકોર્ડ પરના સેક્રેટરી હોવાના નાતે સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટ તથા એ સંચાલિત આત્મીય યુનિવર્સિટી અને બીજી શૈક્ષણિક સંસ્થાના તમામ આર્થિક વહીવટની સંપૂર્ણપણે જવાબદારી તેઓ 1986થી લેતા આવ્યા છે. તા. 26-07-2021ના રોજ શ્રી હરિપ્રસાદસ્વામી ધામ પધાર્યા હતા અને ત્યાર બાદ હરિધામ સોખડા અને તેના તાબા હેઠળ આવતાં તમામ ટ્રસ્ટો સંબંધે ત્યાગવલ્લભસ્વામી અને સાધુ પ્રેમસ્વરૂપદાસસ્વામીએ ઘણી ગેરરીતિઓ આચરી છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે.

ત્યાગવલ્લભદાસે ફક્ત ને ફક્ત પૈસા માટે સંન્યાસ લીધો
ત્યાગવલ્લભદાસે ફક્ત ને ફક્ત પૈસા માટે સંન્યાસ લીધો છે, જેથી મેં તથા ધર્મદીપભાઇ પટેલે જુદાં-જુદાં ટ્રસ્ટોની શોધખોળ ચાલુ કરી હતી. આ શોધખોળ દરમિયાન સર્વોદય કેળવણી સમાજના ઓડિટ રિપોર્ટ અને બેંક સ્ટેટમેન્ટસ, બીજા અગત્યના કાગળોના આધારે અમને જાણવા મળ્યું કે સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી, ધર્મેશ રમેશચંદ્ર જીવાણી (હાલ ટ્રસ્ટી), ધર્મેશ જીવાણીના પત્ની વૈશાખી જીવાણી અને નિલેશ બટુકભાઇ મકવાણાએ એકબીજાના મેળાપીપણામાં સર્વોદય કેળવણી સમાજે ટ્રસ્ટના આશરે રૂપિયા 33 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.

કટકે કટકે રૂપિયાની ઉચાપત કરી
આ ટ્રસ્ટના સેક્રેટરી અને તેમના મળતિયાઓએ 2004થી એક આત્મીય ટેક ઉત્કર્ષ નામનું ભૂતિયું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોલાવ્યું હતું, જેમાં ટ્રસ્ટ સંચાલિત અનેક સંસ્થાઓમાંથી કટકે કટકે રૂપિયા 3 કરોડ 36 લાખ આ ખાતામાં જમા કરાવ્યા હતા. આત્મીય ટેક ઉત્કર્ષના ભૂતિયા ખાતામાંથી એક પ્રા.લિ. કંપની જેનું નામ ઇન્ફિનિટી વર્કસ ઓમ્ની ચેનલ પ્રા.લિ. છે. આ કંપનીમાં ડમી એગ્રીમેન્ટના આધારે 3 કરોડ 36 લાખ જમા કરી દીધા હતા. પછી આ ઇન્ફિનિટી વર્કસ ઓમ્ની ચેનલ પ્રા.લિ કંપનીના ડિરેક્ટર તરીકે ધર્મેશ જીવાણી તથા તેની પત્ની વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણાનાં નામ ચાલે છે. આ પ્રા.લિ. કંપનીના ખાતામાંથી રૂપિયા 3 કરોડ 36 લાખ ટ્રસ્ટના સેક્રેટરી સાથે મેળાવીપણામાં રોકડ રકમ ઉપાડીને ઉચાપત કરી છે.

ખાનગી હેતુઓ માટે ઉપયોગમાં લઈ ઉચાપત કરી
આ ઇન્ફિનિટી વર્કસ ઓમ્ની ચેનલ પ્રા.લિ.ના ડિરેક્ટરો અને ટ્રસ્ટની વચ્ચે એક ડમી આઇટી સર્વિસ રિલેટેલ એગ્રીમેન્ટ જનરેટ કરીને તેના આધારે આત્મીય ટેક ઉત્કર્ષમાંથી રૂપિયા 3 કરોડ 36 લાખ ડમી પ્રાઇવેટ કંપની ઇન્ફિનિટી વર્કસ ઓમ્ની ચેનલ પ્રા.લિ.માં ટ્રાન્સફર કરી અને ખાનગી હેતુઓ માટે ઉપયોગમાં લઇ ઉચાપત કરી છે. આ પૈસાની ઉચાપત માટે જે સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આજ દિન સુધી કોઈ દિવસ આપી જ નથી એવી સર્વિસના નામનો ડમી એગ્રીમેન્ટ ઊભો કરી (જે એગ્રીમેન્ટ હાલ અમારી પાસે નથી) એને સાચા તરીકે ઉપયોગમાં લઈને તમામ સરકારી કચેરીઓ, જેમ કે ઇન્કમટેક્સ તથા ચેરિટી મિશન તથા ટ્રસ્ટના તમામ સભ્યો અને બેનિફિશિયરી સાથે છેતરપિંડી અને ફોર્જરી આચરી મોટાં પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી છે.

રૂપિયા રિયલ એસ્ટેટમાં અંગત લાભ માટે ઇન્વેસ્ટ કરી દીધા
2014
થી આજદિન સુધી સર્વોદય કેળવણી સમાજ દ્વારા સંચાલિત જુદી જુદી સંસ્થાઓમાં ભૂતિયા કર્મચારીઓ ઊભા કર્યા અને જે આ સંસ્થાઓમાં ફરજ ન બજાવતા હોય એવી વ્યક્તિઓનાં નામ કર્મચારી તરીકે બતાવી તેમનાં જુદાં જુદાં બેંક ખાતાં ખોલીને એ રકમ રોકડેથી ઉપાડીને સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી તથા ધર્મેશ જીવાણી તથા સમીર વૈદ્યે અંગત ઉપયોગમાં લઈ, રિયલ એસ્ટેટ તથા કન્સ્ટ્રક્શનમાં અંગત લાભ માટે ઇન્વેસ્ટ કરી દીધા છે.

30 કરોડની અંગત લાભ માટે ઉચાપત કરી
ઉપરાંત સાધુ ત્યાગવલ્લભદાસસ્વામીએ જુદા જુદા સમયે ટ્રસ્ટમાંથી તથા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓમાંથી મોટે પાયે રોકડી રકમો બેંક ખાતાંમાંથી ઉપાડી એને પોતાના અંગત હેતુ માટે ઉપયોગમાં લીધી હતી અને પોતાની માલિકીની રકમ હોય એ રીતે તમામ રકમને ઉચાપત કરવાના ઇરાદાથી કોઈપણ કર્મચારીઓને ચૂકવાયેલા ન હોવા છતાં આ રકમને સેલરી એકાઉન્ટ ખાતે ઉધારી હતી.ભૂતિયા કર્મચારીઓના નામે તથા ગેરકાયદે રોકડ વ્યવહારથી રૂપિયા 30 કરોડની અંગત લાભ માટે ઉચાપત કરી છે.

2016-17માં અમુક ખાતાં જાહેર કર્યાં
આ તમામ આર્થિક ગોટાળાઓ કરવા માટે 2004થી આત્મીય ટેક ઉત્કર્ષ જેવાં અનેક ડમી ખાતાં ખોલાવીને મોટે પાયે રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. 2016-17માં અમુક ખાતાં સંબંધે ઇન્કમટેક્સ શાખાનું ધ્યાન પડવાથી 2016-17માં અમુક ખાતાં જાહેર કર્યાં છે, પરંતુ આ તમામ ડમી ખાતાં તરીકે 2004થી આજદિન સુધી પૈસાની ઉચાપત માટે ઉપયોગમાં લેવામાં આવેલાં ખાતાં છે. ડમી ખાતાંને સાચાં ખાતાં બતાવી ટ્રસ્ટ્રના વ્હાઇટના પૈસા બ્લેકમાં કન્વર્ટ કરી અંગત હેતુ માટે ઉપયોગ કરી છેતરપિંડી કરી છે.

પોલીસે 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો
ઉપર જણાવેલી તમામ વિગતોનાં બેંક ખાતાં તથા ઓડિટેડ બેલેન્સ શીટ તથા રજિસ્ટ્રાર ઓફ કંપનીનાં હતાં. તમામ વિગતોના ડોક્યુમેન્ટ આ સાથે રજૂ કરી ધર્મેશ રમેશચંદ્ધ જીવાણી, વૈશાખી જીવાણી, નિલેશ બટુકભાઇ મકવાણા અને સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી, વહીવટકર્તાઓ તથા તપાસમાં ખુલે એ તમામ સામે IPC કલમ 406, 420, 120(બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post