• Home
  • News
  • હર્ષ સંઘવી, મને 24 લાખના દેવામાંથી બહાર કાઢો:પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ગેમની લતમાં લાખો હાર્યો; આજીજી કરતાં કહ્યું- 'સાહેબ, મહિને 15000ના હપતા ભરવા તૈયાર છું'
post

અરવલ્લી જિલ્લા પોલીસે પોલીસ કોન્સ્ટેબલને આત્મહત્યા કરતા રોકી તેનું કાઉન્સિલિંગ કર્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:06:37

અરવલ્લી: ઓનલાઈન ગેમની લત આજકાલ લોકોમાં એક ક્રેઝ બની ગઈ છે. જ્યાં કોઈ પોતાના શોખ માટે તો કોઈ આર્થિક સ્થિતિ સુધારવા ઓનલાઈન ગેમની લતમાં પૈસાનો જુગાર રમે છે. ત્યારે આજે જ એક એવો કિસ્સો મોડાસાથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસકર્મી જ ઓનલાઈન ગેમની જાળમાં ફસાતો ગયો ને પોતાના માથે 24 લાખનું દેવું કરી બેઠો. અને જ્યારે આ દેવું ચૂકવવાના બધા રસ્તા બંધ થયા ત્યારે પોલીસકર્મીએ એક વીડિયો વાઇરલ કર્યો ને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીને આજીજી કરી આ દલદલમાંથી બહાર કાઢવા વીડિયો વાઇરલ કરતાની સાથે જ મોબાઇલને સ્વિચ ઓફ કરી ઘર છોડી દીધું. પરંતુ પોલીસે કર્મીને શોધી કાઢી પરિવારને સુપરત કર્યો. ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર ઘટના અને શું કહ્યું હતું તેણે હર્ષ સંધવીને વાઇરલ વીડિયોમાં?

પોલીસકર્મી દેવાના ભાર નીચે દબાઈ ગયો હતો
અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતને કારણે અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલાં મોબાઇલ પર વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી વાઇરલ કરી દીધો હતો અને પોતાના મોબાઇલને સ્વિચ ઓફ કરી ઘર છોડી દીધું હતું.

વાઇરલ વીડિયોમાં પોલીસકર્મીએ શું કહ્યું?
હું નવઘણભાઈ દેવાભાઈ, બક્કલ નંબર 733, નોકરી મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન, હું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને એક રિક્વેસ્ટ કરવા માંગું છું કે સાહેબ હું ઓનલાઈન ગેમમાં 24 લાખના દેવામાં ફસાઈ ગયો છું. કદાચ હું આપનો કર્મચારી છું, ભૂતકાળ પણ થઈ ગયો. સાહેબ હાલનો મારો પગાર 30 હજાર છે. દર મહિને 15 હજાર ભરવા તૈયાર છું, પણ સાહેબ આ દલદલમાંથી બહાર નીકળવા માંગું છું. અને વીડિયોના અંતે રડતા અવાજે કહ્યું, સાહેબ આપના સુધી મેસેજ પહોંચે તેવી આશા રાખું છું, સાહેબ હવે હું થાકી ગયો છું.

નવઘણને મજરા નજીકથી હસ્તગત કરી લીધો
વીડિયો વાઇરલ કરતાની સાથે નવઘણ ઘર છોડી ગાયબ થઈ ગયો હતો. વાઈરલ વીડિયો ફરતા ફરતા પોલીસના હાથમાં પહોંચતા જ પોલીસકર્મી કોઈ અઘટિત પગલું ન ભરી બેસે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી. અધિકારીઓએ પોલીસકર્મીની શોધખોળ શરૂ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે તપાસ આદરી. મળેલી સચોટ વિગત લઈ પોલીસકર્મી નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે નવઘણ ભરવાડને તેનાં પરિવારજનોને સુપરત કર્યો હતો. જેથી પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો.

આખી જિલ્લા પોલીસ શોધવા લાગી હતી
અરવલ્લીના DySP કે.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નવઘણભાઇ દેવાભાઇ ભરવાડ ગઇકાલે સોશિયલ મીડિયામાં પોતાનો એક વીડિયો મૂક્યો હતો. જેમાં તેમણે આજીજી કરી હતી કે, ઓનલાઇન ગેમ રમતાં હું 24 લાખના દેવામાં ઊતરી ગયો છું. 24 લાખનું દેવું ભરવા માટે મિત્રો અને સગાં-સંબંધીઓ તરફથી મદદ મળે તો હું આ દેવામાંથી મુક્ત થઇ શકું. હું આપઘાત કરવા માટે પ્રેરાયો છું પણ જો મને મદદ મળશે તો મારું અમૂલ્ય જીવન બચી જશે. આવો વીડિયો મૂક્યા બાદ કોન્સ્ટેબલ નવઘણભાઇ ભરવાડ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી ઘરેથી તેમજ પોલીસ સ્ટેશનથી ભાગી ગયા હતા.

નવઘણભાઇ રખડતી-ભટકતી હાલતમાં મળી આવ્યા
આખો દિવસ મોબાઇલ બંધ રાખ્યો હતો. જેથી મોડાસા રૂરલ પોલીસ તેમજ અરવલ્લી જિલ્લાની પોલીસમાં એક એવો માહોલ પેદા થયો હતો કે કોઇપણ ભોગે નવઘણભાઇને આત્મહત્યા કરતા અટકાવવા છે અને તેમને પરત લાવી સમજાવવા છે. જેથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી અરવલ્લી જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જો કે દિવસ દરમિયાન નવઘણભાઇ મળ્યા ન હતા. પરંતુ મોડી રાત્રે સમાચાર મળ્યા હતા કે, સાબરકાંઠા જિલ્લાના મજરા વિસ્તારમાં નવઘણભાઇ રખડતી-ભટકતી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ત્યાંથી તેમને લઇ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને તેમને આત્મહત્યા ન કરવા સમજાવ્યા હતા.

 

કોન્સ્ટેબલ અગાઉ પણ 8 લાખ હાર્યો હતો
અરવલ્લી જિલ્લા પોલીસે પોલીસ કોન્સ્ટેબલને આત્મહત્યા કરતા રોકી તેનું કાઉન્સિલિંગ કર્યું છે. તેમજ ભવિષ્યમાં ઓનલાઇન ગેમ રમી દેવાદાર ન બને તેના માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. પોલીસકર્મી નવઘણભાઇ થોડા સમય પહેલાં પણ ઓનલાઇન ગેમ રમવામાં 8 લાખ રૂપિયા હારી ગયા હતા. આ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે, ભણેલા-ગણેલા વર્ગના લોકો પણ ઓનલાઇન ગેમ્સ રમી દેવાદાર થઇ પોતાના કુટુંબને બરબાદ કરી રહ્યા છે. હાલની યુવાપેઢીએ આમાંથી શીખ મેળવવા જેવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post