• Home
  • News
  • વાઇરલ ઓડિયોમાં જેને કોંગ્રેસ કાર્યકર્તા ગણાવ્યા તે પીડિતના ફોઈનો દીકરો છે, કહ્યું- પોલીસ જવા નથી દેતી તો શું ફોન પણ ના કરી શકું?
post

યુવકે કહ્યું, હું તો બસ ટીવી પર રાહુલ-પ્રિયંકાના ત્યાં પહોંચવાના સમાચાર જોઈને તેમને કહી રહ્યો હતો કે તંત્ર જે તમારી સાથે કરી રહ્યું છે એ તેમને જણાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 15:09:19

હાથરસ ગેંગરેપ કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલાં પોલીસે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ નથી થઈ. હવે ટેપ કરવામાં આવેલા ફોન કોલના આધારે દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ કાર્યકર્તાએ પીડિત પરિવારને છેતરીને વધુ વળતર આપવાની લાલચ આપી.

ગત રાતે સાડાત્રણ વાગ્યે મારી પાસે એક યુવકનો ફોન આવ્યો. તે ગભરાયેલો હતો. તેણે કહ્યું, જે ઓડિયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે એમાં હું જ છું અને હું કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા નથી, હું પીડિતાના ફોઈનો દીકરો છું.

હું તાત્કાલિક તેને મળવા માટે નીકળી ગઈ. દિલ્હીમાં રહેતો આ યુવક પીડિતાના સગ્ગા ફોઈનો દીકરો છે અને 28 સપ્ટેમ્બરે જ્યારે હું સફદરગંજ હોસ્પિટલમાં પીડિત પરિવારને મળવા માટે ગઈ હતી ત્યારે તે અહીં હાજર હતો. આ યુવકનું કહેવું છે કે જે કોલનો ઓડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે એ મેં જ પીડિતના પિતા અને મારા મામાને કર્યો હતો.ફોન નાના ભાઈએ ઉઠાવ્યો હતો. વાતચીત રેકોર્ડ કરીને વાઈરલ કરી દેવાઈ.

આ કોલ તેમને ક્યારે અને શા માટે કર્યો હતો, એના જવાબમાં જણાવ્યું કે હું મારા ઘરે દિલ્હીમાં હતો અને ન્યૂઝ જોઈ રહ્યો હતો. મેં ટીવી પર જોયું કે પ્રિયંકા અને રાહુલ ગાંધી હાથરસ પહોંચવાનાં છે. ત્યાં તેમને ગામમાં કંઈ જ ખબર ન હતી, કારણ કે લાઈટ ન હતી અને એ લોકો ટીવી પણ જોઈ શકતાં ન હતાં અને ન તો કોઈ મીડિયાવાળાને મળી શકતા હતા. મેં ફોન કરીને તેમને જણાવ્યું કે પ્રિયંકા અને રાહુલ ગાંધી તમને મળવા આવી રહ્યાં છે. જે પણ ખોટો વ્યવહાર તમારી સાથે થઈ રહ્યો છે એ તેમને કહેજો.

ટીવી ચેનલ પર પ્રસારિત કરેલા ઓડિયોમાં પોતાને કોંગ્રેસનો કાર્યકર્તા ગણાવવા અંગે તેમણે કહ્યું, હું કોઈ પાર્ટીમાંથી નથી. કોંગ્રેસમાંથી નથી. હું તો બસ ટીવી પર રાહુલ અને પ્રિયંકાના ત્યાં પહોંચવાની હેડલાઈન પછી તેમને આ અંગે જણાવી રહ્યો હતો. મેં તેમને એટલું જ કહ્યું હતું કે તંત્ર તમારી સાથે જે કરી રહ્યું છે એ તેમને જણાવો.

આ ફોન કોલ તેમને શા માટે કર્યો, આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે રાહુલ અને પ્રિયંકા ગાંધી પાસે કંઈક તો પાવર છે. સામાન્ય લોકોની વાત ત્યાં સાંભળવામાં નથી આવતી. મામાજી એટલા ડરેલા છે કે તેમની સાથે વાત પણ નથી થઈ. તમે વિડિયોમાં જોયું જ હશે કે મારા ભાઈ કેટલા ડરેલા છે. તેમનો અવાજ પણ નથી નીકળી રહ્યો. હું તેમને સમજાવી રહ્યો છું, પણ તેમની પર કોઈ અસર થતી નથી. હવે તો પોલીસવાળા સસ્પેન્ડ પણ થઈ ગયા છે.

શું તેમણે ભાઈને એવું કહ્યું કે 25 લાખ રૂપિયા વળતર ના લઈને 50 લાખ રૂપિયા લે, આવું કહેવા પર તેમણે જણાવ્યું કે સીએમ સાહેબે તેમને વળતર આપ્યું છે. પૈસાની તો મેં કોઈ વાત જ નથી કરી. હું તેમને એવું કહી રહ્યો છું કે વળતર ન માગીને ન્યાય માગો, જેથી આગળ કોઈની દીકરી સાથે આવું ન થાય, કારણ કે આ દીકરીની વાત છે. પૈસા કે વળતર લેવાથી ન્યાય નહીં થઈ જાય. અમારી દીકરી હવે નથી રહી તો પૈસા કે નોકરીનું અમે શું કરીશું. અમારી દીકરીને તો સન્માનજનક અંતિમ સંસ્કાર પણ ન મળ્યા. ઘરના લોકોને દેખાડ્યા વગર જ તેની પર કેરોસીન છાંટીને સળગાવી દેવાઈ હતી.

ફોન કોલનો ઓડિયો વાઈરલ થયા પછી એક વાત તો સ્પષ્ટ છે કે કોલ કોઈએ ટેપ કર્યો છે. ફોન રેકોર્ડ કર્યા પછી યુવકનું કહેવું હતું કે મેં મારો અવાજ ટીવી પર સાંભળ્યો. શું અમારો એટલો પણ અધિકાર નથી કે અમે અમારા ઘરના લોકો સાથે ફોન પર જ વાત કરી શકીએ. ત્યાં જઈ નથી શકતા, પોલીસે રસ્તા બંધ કરી દીધા છે. મીડિયા પણ ત્યાં જઈ નથી શકતું. અમારો તો અધિકાર છે કે અમે અમારા ઘરના લોકો સાથે ફોન પર વાત કરી લઈએ. હું એ છોકરીનો ભાઈ છું. તેમના પિતાજી મારા મામાજી છે. તેઓ ભણેલા નથી, બહારની દુનિયા તેમણે જોઈ નથી. તેઓ એટલા ડરેલા છે, બધી બાજુથી તેમની સાથે ખોટા વ્યવહાર થઈ રહ્યા છે.

ફોન કોલનો ઓડિયો વાઈરલ થયા પછી શું તેમને ડર લાગી રહ્યો છે, આ અંગે સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે આખો પરિવાર ગભરાયેલો છે, અમે તણાવમાં આવી ગયા છીએ. મારાં મમ્મી બીમાર છે. અમે હાથરસથી તેમના જ કારણે દિલ્હી આવી ગયા, કારણ કે તેમને મિનરલ વોટર પીવું પડે છે, તેમની બીમારીના કારણે અમે તેમને નળનું પાણી નથી પીવડાવતા.

ત્યાં અમારે બજારમાંથી પાણી ખરીદવું પડતું હતું. પોલીસ ઘરની બહાર પણ નીકળવા દેતી નથી. વારંવાર તંત્ર હેરાન કરી રહ્યું હતું કે તમે હવે આવી ગયા છો, હવે આવશો નહીં. મોડી રાતે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ તો અમે પાછા દિલ્હી આવી ગયા. હવે ફરી અમને ગામમાં એન્ટ્રી નથી મળતી. હવે આ ઓડિયો ટીવી પર ટેલિકાસ્ટ કર્યા પછી અમે ગભરાયેલા છીએ. મારા ઘરમાં આખી રાત કોઈ સૂઈ શક્યું નથી. મારાં મમ્મી, ભાભી બધાં જાગી રહ્યાં છે. બધાં ડરેલાં છે, કારણ કે અમારા દીકરાને ફસાવામાં આવી રહ્યો છે. પરિવારના લોકોના જ ફોન રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. શું અર્થ છે આનો.

સરકારને હવે તે શું કહેવા માગશે આ સવાલ અંગે તેમણે કહ્યું કે અમારી માગ છે કે તંત્ર પરિવાર સાથે ગેરવર્તન કરી રહ્યું છે, તેમને રોકવામાં આવે. અધિકારીઓને હટાવવામાં આવે. પરિવારને ફ્રીડમ આપવામાં આવે, ઘરમાંથી બહાર નીકળવા દેવામાં આવે. જાતિવાદના નામે રાજકારણના નામે જે થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે. એ દીકરી મરી ગઈ છે, તે પણ હિન્દુસ્તાનની દીકરી હતી. તેને ન્યાય અપાવવામાં આવે. આરોપીઓને ફાંસીના માંચડે ચઢાવવામાં આવે.

પીડિત જ્યારે અલીગઢની હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે પણ આ યુવક તેની સાથે હતો. તેને જ્યારે સફદરગંજ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે પણ આ ભાગદોડ કરી રહ્યો હતો. તે કહેતો હતો કે મારા મામાના ઘરમાં બધા લોકો સીધા છે, બહેનના ગેંગરેપ પછી મારા મામાને આઘાત લાગ્યો છે. તેમનાથી કંઈ થઈ રહ્યું નથી. કંઈ સમજાતું નથી. દિલ્હીમાં જ્યારે દીકરીનું મોત થયું તો અમે સાંજ સુધી તેમને જણાવ્યું ન હતું, કારણ કે તેઓ આ સહન ન શકત.

તેમનું કહેવું હતું કે તંત્ર તેમને બળજબરી ઘરમાંથી ઉઠાવીને યોગીજી સાથે વાત કરવા માટે લઈ ગયા હતા. મુખ્યમંત્રી સાથે વાત કરાવતાં પહેલાં અધિકારીઓએ તેમને રૂમમાં બંધ કરીને ડરાવ્યા-ધમકાવ્યા હતા. ત્યારથી તેઓ ગભરાયેલા છે. તેમને વળતર નહીં, ન્યાય જોઈએ છે.

ટીવી પર પ્રસારિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવક મીડિયા સાથે મળેલો છે અને પરિવારજનો પાસે મીડિયાને લઈ જવાની તૈયારી કરી રહ્યો છે. આ સવાલ પર તેમણે કહ્યું કે હું મીડિયામાં કોઈને ઓળખતો નથી. તમે જ મને સફદરગંજ હોસ્પિટલમાં મળ્યા હતા અને સૌથી પહેલા તમે જ અમારી બહેન વિશે ભાસ્કરમાં સમાચાર છાપ્યા હતા. સૌથી પહેલા આ મુદ્દાને ઉઠાવ્યો હતો. હું મારા ભાઈ પાસે તમને લઈ જવાની વાત કરી રહ્યો હતો, કારણ કે એ લોકો ઘરમાં બંધ છે અને ડરેલા છે અને પોતાની વાત કહેવા માગે છે. મને વિશ્વાસ હતો કે તમે જે રીતે પહેલા રિપોર્ટ કર્યો છે, તમે આ મુદ્દા પર પણ રિપોર્ટ કરતા.

પીડિત પરિવારે હજુ સુધી કોઈ વકીલ નથી રાખ્યો. આ યુવકનું કહેવું છે કે આજે તે નિર્ભયા ગેંગરેપ કેસમાં નિર્ભયાના વકીલને મળવા જઈ રહ્યા છે અને પરિવારને આશા છે કે તે તેમનો કેસ લેશે.

ભારતમાં કોઈનો ફોન રેકોર્ડ કરવો ગેરકાયદે છે. એસપી સ્તરના અધિકારીની ભલામણ પછી જ ફોન ટેપ કરી શકાય છે. આ ઓડિયો વાઈરલ થયા પછી એ સવાલ ઊઠે છે કે પરિવારના ફોન કોણ ટેપ કરી રહ્યું છે અને આ કામ શા માટે કરવામાં આવી રહ્યું છે.

જો આ તંત્રે કર્યું છે તો પછી ઓડિયો મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યો. આ પીડિત પરિવારની પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે, પણ આ પ્રકરણમાં પ્રશાસને જે રીતે વલણ અપનાવ્યું છે ત્યાર પછી સવાલ ઊઠે છે કે પ્રશાસનને પીડિત પરિવારની પ્રાઇવેસીની પણ ચિંતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post