• Home
  • News
  • હાથરસના બહાને જાતિવાદી હિંસાનું કાવતરું:દિલ્હી રમખાણોમાં સામેલ PFIના 4 કાર્યકર્તાની મથુરાથી ધરપકડ, વિવાદાસ્પદ સાહિત્ય લઈને હાથરસ જઈ રહ્યા હતા
post

પોલીસે હાથરસના બહાને યુપીમાં જાતિવાદી હિંસા ફેલાવવાના કાવતરાનો ઘટસ્ફોટ રવિવારે જ કરી દીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 11:45:06

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં સોમવારે રાતે પોલીસે ચરમપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેમના સહયોગી કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI)સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા લોકો પાસેથી હાથરસ ગેંગરેપ મામલે ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું છે. તેમનાં મોબાઈલ, લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યાં છે. ચારેય આરોપી દિલ્હીથી આવ્યા હતા અને હાથરસ જતા હતા.

પોલીસ અને ખાનગી એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસે હાથરસના બહાને યુપીમાં જાતિવાદી હિંસા ફેલાવવાના કાવતરાનો ઘટસ્ફોટ રવિવારે જ કરી દીધો હતો. એમાં PFIનું નામ પણ સામે આવ્યું હતું. PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એક ચરમપંથી ઈસ્લામિક સંગઠન છે. તેની હેડ ઓફિસ દિલ્હીની શાહીનબાગમાં છે. આ સંગઠન નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધમાં દિલ્હીમાં થયેલાં રમખાણોમાં સામેલ હતું.

પોલીસને પહેલાં જ ઈનપુટ મળી ગયા હતા
એડીજી લો એન્ડ ઓર્ડ્ર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે અમુક શંકાસ્પદ લોકોની દિલ્હીથી હાથરસ આવવાની માહિતી મળી છે. આ ઈનપુટના આધારે ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને હાથરસ સાથે જોડાયેલા દરેક વિસ્તારને એલર્ટ કરી દીધા હતા.

સોમવારે રાત્રે અંદાજે 11 વાગે મથુરામાં ટોલપ્લાઝા પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર (DL 01 Zc 1203)ને અટકાવવામાં આવી હતી. કારમાં 4 લોકો હતા. પૂછપરછ દરમિયાન તેમની હરકતો શંકાસ્પદ લાગી હતી. તેમની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી અને પૂછપરછમાં ખબર પડી કે તેઓ PFI અને CFI સાથે જોડાયેલા હતા.

પકડાયેલા 4માંથી 3 આરોપી યુપીના
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુઝફ્ફરનગરના અતીક, બહચરાઈનો મસૂદ અઝમદ, રામપુરનો આલમ અને કેરળના મલ્લપુરમનો સિદ્દીકી સામેલ છે. સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે હાથરસના બહાને ઉત્તરપ્રદેશમાં રમખાણો ફેલાવવાના કાવતરામાં કોણ કોણ સામેલ છે.

ઈડી મની-લોન્ડરિંગ કેસ દાખલ કરી શકે છે
હાથરસની ઘટના પછી રાતોરાત બનાવવામાં આવેલી વેબસાઈટ જસ્ટિસ ફોર હાથરસ વિરુદ્ધ ED મની-લોન્ડરિંગનો કેસ દાખલ કરે તેવી શક્યતા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસક પ્રદર્શન માટે એક શંકાસ્પદ સંગઠનથી વેબસાઈટને ફંડ મળ્યું હતું. વિદેશથી ફંડ મળ્યું હોવાની વાત પણ સામે આવી છે.

યુપી પોલીસે રવિવારે જાતિવાદી રમખાણો ફેલાવવાના કાવતરાનો ઘટસ્ફોટ કરીને વેબસાઈટ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે જણાવ્યું હતું કે વેબસાઈટ દ્વારા મુખ્યમંત્રી યોગીનાં ફેક નિવેદનો દર્શાવવામાં આવ્યાં છે, જેથી વાતાવરણ ખરાબ થઈ જાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post