• Home
  • News
  • મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ
post

સમગ્ર ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 12:07:01

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી છે. ગુજરાતભરમાં વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. સમગ્ર અમદાવાદમાં છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના નવરંગપુરા, લો ગાર્ડન, શ્યામલ સહિત એસજી હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, સી.ટી. એમ, અમરાઈવાડી, વસ્ત્રાલ, રામોલ, વટવા, ઈસનપુર, નારોલ, બાપુનગર, રખિયાલ, નરોડા, મેમ્કો, ઓઢવ, કાલુપુર, સારંગપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

જ્યારે વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે માઝા મૂકી છે.

રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે. શહેરમાં સાંજના 4 વાગ્યાથી છૂટો છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં 37 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરીમાં 19 મિમી અને જામકંડોરણામાં 8 મિમી વરસાદ નોંધાયો છે. હળવદમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે.

તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત તથા નવસારીમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા સહિતાના શહેરોમાં પણ ગાજવીજ તથા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરમાં ભારે પવનને કારણે વીજપોલના વાયરો તૂટી ગયાં છે અને વીજ પુરવઠો ખોરવાયો છે.

વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવ પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. આ સિવાય અંબાજીમાં પણ કાળા વાદળો છવાયા હતા.