• Home
  • News
  • અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ:સરકારને કહ્યું- આ પ્રશ્ન દૂર કરવા કોમન સેન્સની જરૂર, મેઇન રોડના ફોટા સાથેનો રિપોર્ટ આપો
post

બિઝનેસ અવર્સ અને ઓફિસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ. આ સમય સવારે 3 કલાક અને સાંજે 4 કલાકનો હોય છે. ‘નો-પાર્કિંગ ઝોન’માં પાર્કિંગની પરમિશન ના જ હોય.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 19:06:52

ગુજરાત હાઇકોર્ટમાં આજે રોડ-રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે થયેલી અરજીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ એ. એસ. સુપેહિઆ અને એમ. આર. મેંગડેનીને બેન્ચે ટ્રાફિક મુદ્દે AMC અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. આ સુનાવણીની શરૂઆત જ રખડતાં ઢોર મુદ્દે થઈ હતી.

પોલિસીનું સરકારી કમિટી પરીક્ષણ કરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં ઢોર અંગે બનાવેલી પોલિસીને મંજૂરી આપી દીધી છે. આ મુદ્દે રાજ્ય સરકારે પણ ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કર્યું છે. હવે આ પોલિસીનું સરકારી કમિટી પરીક્ષણ કરશે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પોલિસી રાજ્યની નગરપાલિકાઓ અને અન્ય કોર્પોરેશન પર લાગુ કરાઈ શકાય છે કે કેમ? એના પેરામીટર્સની ચકાસણી થશે. ત્યાર બાદ રાજ્યકક્ષાએ એને લાગુ કરવા એની મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલાશે, જે તમામ કામ 15 ઓગસ્ટ સુધીમાં થઇ જશે.

ફૂટપાથ રાહદારીઓ માટે જ છે
ત્યાર બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અરજદાર અને પાર્ટી ઇન પર્સન એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને ટ્રાફિકને નડતરરૂપ એવા દરેક દબાણ હટાવવા હાઇકોર્ટ દ્વારા અગાઉ હુકમ કરાયો છે. ટ્રાફિક-પોલીસને પણ નિર્દેશો અપાયા છે. સુપ્રીમ કોર્ટે પણ ફૂટપાથ રાહદારીઓ માટે જ છે, એવા આદેશ આપ્યા છે. વાહનો રોડ ઉપર, સર્વિસ રોડ ઉપર, હોસ્પિટલ અને એજ્યુકેશન સંસ્થાઓની બહાર પાર્ક કરી શકાય નહીં.

ટ્રાફિક હેન્ડલ કરવા કોમન સેન્સની જરૂર છે
રાજ્ય સરકાર વતી અને અમદાવાદ પોલીસ કમિશનર વતી ઉપસ્થિત થયેલા મનીષા શાહે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રાફિક હેન્ડલિંગ માટે વૈજ્ઞાનિક મિકેનિઝમ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોર્ટે તેમને અટકાવતાં કહ્યું હતું કે તેને સાઈડમાં મૂકો, આ માટે કોમન સેન્સની જરૂર છે. અમે જોઈએ છીએ કે બધી જ લારીઓ, ફાસ્ટફૂડ, પાનના ગલ્લા જ્યાં હોય ત્યાં લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અડધા રોડ ગેરકાયદે પાર્કિંગથી ભરેલો છે.

24 કલાક રસ્તાઓ પર પોલીસ રાખવાની જરૂર નથી
રાજ્ય સરકાર વતી કહેવાયું હતું કે પોલીસ ઓથોરિટી તેને મોનિટર કરી રહી છે. CCTV દ્વારા ટ્રાફિક પર નજર રખાય છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઇ-ચલણરૂપે દંડ કરાય છે. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે લોકો નો પાર્કિંગ ઝોનમાં પણ પાર્કિંગ કરી જાય છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કાયદાનો અમલ કરાવતી સંસ્થા અને રાજ્યની છે. લોકો કાયદાનું પાલન નથી કરતા એટલે જ તો કાયદાના અમલની જરૂર છે. તમારે પિકઅવર્સમાં શહેરનાં મોટાં જંક્શન પર પોલીસકર્મચારીઓ મૂકવા જોઈએ. ચોવીસ કલાક રસ્તાઓ પર પોલીસ રાખવાની જરૂર નથી.

રિપોર્ટ જોઈને સિસ્ટમની કામગીરીનું તારણ કાઢશે
કોર્ટે ટ્રાફિક મુદ્દે સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતુ કે અમે સાંજે રિપોર્ટ મગાવીશું અને જોઈશું કે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? આવતીકાલે સવારે 11 વાગે એની સુનાવણી કરીશું. કોર્ટે ટ્રાફિકની સમસ્યા અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવા કોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે જે જવાબદાર ઓફિસરોએ કામ નહીં કર્યું હોય તેમની સામે કોર્ટ કાર્યવાહી કરશે. અમને ઓથોરિટીના ટ્રાફિક સમસ્યા હળવી કરવા મુદ્દે પ્રયત્નો દેખાતા નથી.

પિકઅવર્સમાં ટ્રાફિક સ્મૂધ ચાલવો જોઈએ
કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ઇટરીઝ જેવી જગ્યાએ વાહન પાર્ક થાય ત્યાં કશું થઈ શકે નહિ! ત્યારે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે તમે લોકોને કાયદા તોડતા જોઈ રહેશો? આંખ બંધ કરી લેશો? આ મુદ્દે કોર્ટને માહિતી અપાઈ હતી કે મહિનામાં 10 દિવસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે પિકઅવર્સમાં ટ્રાફિક સ્મૂધ ચાલવો જોઈએ. રાત્રે ટ્રાફિક-પોલીસ મૂકવાની જરૂર નથી. બિઝનેસ અવર્સ અને ઓફિસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ. આ સમય સવારે 3 કલાક અને સાંજે 4 કલાકનો હોય છે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગની પરમિશન ના જ હોય.

પેટ્રોલ પમ્પથી પેટ્રોલ ભરાવીને લોકો રોંગ સાઈડમાં આવે છે
કોર્ટે સરકારને કહ્યું હતુ કે ઇસ્કોન, પકવાન, જજીસ બંગલો, નારણપુરામાં વિસ્તારોમાં સાંજે 04:30થી 05:30 વચ્ચે આંટો મારી આવો તો તમને ટ્રાફિકની ખબર પડે. પેટ્રોલ પમ્પથી પેટ્રોલ ભરાવીને લોકો રોંગ સાઈડમાં આવે છે. સોસાયટીની સામે ડિવાઈડર હોય તો તેના રહેવાસીઓ પણ રોંગ સાઈડથી આવે છે. ત્યારે અરજદાર અમિત પંચાલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હાઇકોર્ટ સંકુલની બાજુમાં જ આવેલા કારગિલ ચાર રસ્તા પાસે પણ રિક્ષાઓ પાર્ક થયેલી અને ટ્રાફિક જોવા મળશે.

25 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે
આ મુદ્દે હાઇકોર્ટે સરકારને ઓર્ડર આપતાં જણાવ્યું હતું કે લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે એસજી હાઇવે, સી.જી.રોડ, જજીસ બંગલો રોડ, નારણપુરા ચાર રસ્તાથી ગુજરાત હાઇકોર્ટ તરફના રોડ પર ચાર રસ્તા, શોપિંગ સેન્ટર, રેસ્ટોરાં, પાનના ગલ્લા, પાર્ટીપ્લોટ વગેરે આગળ થતા ટ્રાફિકનો અહેવાલ ફોટા સાથે હાઇકોર્ટને આપશે. આવા ટ્રાફિકને નડતરરૂપ સ્થળોની ઓળખાણ કરશે. આ મુદ્દે વધુ સુનાવણી 25 જુલાઈએ હાથ ધરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post