• Home
  • News
  • હાઇકોર્ટનો હુકમ:સુઓમોટો અરજી પર હાઇકોર્ટનો ઓર્ડર; કહ્યું, કેન્દ્ર સરકારે 'રેમડેસિવિર' ઇન્જેક્શનની ફાળવણી સંદર્ભે નીતિ અને નિર્ણયને રેકોર્ડ પર મૂક્યો નથી
post

હાઇકોર્ટે સરકારને રેમડેસિવિર, ઓક્સિજન સહિતની વસ્તુઓ પર મહત્ત્વનાં સૂચનો અને જવાબો માગ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:28:46

સોમવારે હાઇકોર્ટમાં થયેલી કોરોના સુઓમોટો પરની સુનાવણી સામે નામદાર કોર્ટે આજે ઓર્ડર જાહેર કર્યો હતો. આ ઓર્ડરમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે, કારણ કે RT-PCRની સવલતો અને અન્ય માળખાગત સુવિધાઓની ઉપલબ્ધતા ગ્રામ્ય વિસ્તારોમાં નથી અને આ સમસ્યા તપાસમાં વિલંબ અને આવા દર્દીઓને સારવાર આપવામાં વિલંબ તરફ દોરી જાય છે. આ ઉપરાંત કોર્ટે સરકારને રેમડેસિવિર, ઓક્સિજન જેવી અન્ય વસ્તુઓ પર પણ મહત્ત્વનાં સૂચન અને જવાબો માગ્યા છે.

રેમડેસિવિરને લઇ માહિતી આપવા આદેશ
રેમડેસિવિરના પર્યાપ્ત ક્વોટાની પ્રાપ્તિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનુસરવામાં આવનારી કાર્યવાહીનો માર્ગ કઈ રીતનો હશે એ અંગે પણ સરકારે કોર્ટમાં કોઈ માહિતી ન આપી હોવાનું સૂચન કર્યું છે. નામદાર કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 'રેમડેસિવિર' ઇન્જેક્શનની ફાળવણી સંદર્ભે નીતિ અને નિર્ણયને રેકોર્ડ પર મૂક્યો નથી. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું છે કે તબીબી નિષ્ણાતોનાં મંતવ્યો મુજબ, રસીકરણ માટેની સઘન ડ્રાઇવથી લોકોનું જીવન બચી શકે છે અથવા ઓછામાં ઓછા તેમને ગંભીર ઇન્ફેક્શન થવાનું રોકી શકાય છે, તેથી કોર્ટે કેન્દ્ર સરકારને આ માટેની માહિતી રેકોર્ડ પર મૂકવા નિર્દેશ આપ્યો છે.

કોરોનાની ત્રીજી વેવને લઈને તૈયારી કેવી છે?
કોરોનાની બીજી વેવને લઈને રાજ્યમાં દવાઓ, ઓક્સિજન તથા ઈન્જેક્શન સહિતની અછત સર્જાઈ હતી. એક્સપર્ટ્સ મુજબ, હજુ ત્રીજી લહેર પણ આવશે. સોમવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછ્યો હતો કે ત્રીજી વેવ માટે સરકારની કેવી તૈયારીઓ છે? જો હમણાં ઓક્સિજન, દવાઓની અછત થાય છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો? શું પ્લાન છે ત્રીજી વેવ માટે? હાઈકોર્ટે સરકારે ફ્રન્ટલાઈનવર્કર્સની સાથે નારી સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમ સહિતમાં વેક્સિન માટે ભાર મૂકવાનું સૂચન કર્યું છે, જેનો સરકારે જવાબ આપ્યો છે કે વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. 18 અને 45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું છે. સૌને ઝડપી વેક્સિન મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

'એક-એક ગામમાં રોજના 4થી 5 લોકો મરે છે'
જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સરકારને સવાલ કર્યો હતો કે રોજનાં 25 હજાર રેમડેસિવિરની જરૂર છે, સામે 16115 જેટલાં ઇન્જેક્શન જ આવે છે. શું ઇન્જેક્શનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ આપવો પડશે. તેમણે વધુમાં કહ્યું હતું, અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક-એક ગામમાં રોજના 4થી 5 લોકો મરે છે. તેમના ટેસ્ટ થયા નથી હોતા. તેમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. એના માટે સરકાર શું કરી રહી છે?

'કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન દેખાતું નથી'
હાઇકોર્ટે કેન્દ્રને પૂછ્યું કે રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજ્યની નીચલી ડિમાન્ડ છે એ શા માટે પૂરી નથી થઈ રહી? ઇન્જેક્શનના અભાવે આવા દર્દીઓને મરવા છોડી દેવા યોગ્ય નહીં. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન દેખાતું નથી. સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે એ ચલાવી લેવાશે નહીં. ગ્રામીણ વિસ્તાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

બેડની ઉપલબ્ધિનો રિયલ ટાઈમ ડેટા હજુ ઉપલબ્ધ નથી
જસ્ટિસ ભાર્ગવ કારિયાએ જણાવ્યું હતું કે બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થતો નથી. મેં પોતે 12 કલાક સુધી જાતે ચેક કર્યું, પરંતુ કોર્પોરેશનની કે સરકારી હોસ્પિટલના ડેટા અપડેટ થતા નથી. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો એના માટેની શું તૈયારી છે એની પણ વિગતો સરકાર જણાવે. કોઈ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માગતી હોય અને દાખલ થઈ હોય તો તેને ઇન્જેક્શન ક્યાંથી લેવા? વાવાઝોડું આવવાનું છે, એને કારણે આખા રાજ્યમાં રસીકરણ બંધ રાખવાની જરૂર નથી. સાથે જ સરકાર હંગામી ધોરણે મ્યુકરમાઇકોસિસને 'નોટિફાયબલ ડિઝીઝ' જાહેર કરે એવી એડવોકેટ અમિત પંચાલની રજૂઆત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post