• Home
  • News
  • હાઇકોર્ટે અરજી ફગાવી:ડો. ચગ આપઘાત કેસમાં પુત્રએ કરેલી અરજી હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી ફગાવી, હવે સુપ્રીમ કોર્ટમાં જશે
post

સુપ્રીમ કોર્ટના હુકમના ભંગના આરોપની દલીલ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 16:34:27

અમદાવાદ: વેરાવળના ડો. અતુલ ચગ આપઘાત મુદ્દે સુસાઇડ નોટ હોવા છતાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ ન નોંધાતા હાઇકોર્ટમાં તેમના પુત્ર હિતાર્થે સુપ્રીમ કોર્ટના નિર્દેશને ટાંકીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટમાં આ અરજી પર દલીલો પૂર્ણ થઈ હતી. જેના ચુકાદામાં આજે હાઇકોર્ટે હિતાર્થની કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી દીધી છે. અરજી હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું છે કે, હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.

 

સુપ્રીમ કોર્ટના હુકમના ભંગના આરોપની દલીલ થઈ હતી
અગાઉની સુનાવણીમાં અરજદારના વકીલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા દલીલ કરી હતી. અરજદારના વકીલે હાઇકોર્ટે પોતાના પાવરનો ઉપયોગ કરીને પોલીસ ફરિયાદ નોંધવા કોર્ટ નિર્દેશ આપે તેવી રજૂઆત કરી હતી. જો કે, પોલીસના વકીલ દ્વારા આ અરજી કોર્ટમાં ટકવા પાત્ર નહીં હોવાની દલીલ કરી હતી. તેમની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટના હુકમના ભંગનો આરોપ હોય તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે, હાઇકોર્ટને આ કેસમાં કન્ટેમ્પ્ટ માટેની કાર્યવાહીની હકુમત નહીં હોવાની રજૂઆત કરી હતી.


હાઇકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો
હાઇકોર્ટે આ મુદ્દે નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારે આજની મુદતમાં ચુકાદો આપતા હાઇકોર્ટે ડો.અતુલ ચગના પુત્રની કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી દીધી છે. આ અરજી હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી ફગાવી દેવાઈ છે. જો કે, હિતાર્થના વકીલ દિપક કક્કડે જણાવ્યું હતું કે, હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાશે.


ડો. ચગના દીકરાએ કન્ટેમ્પ્ટ અરજી કરી હતી
ડો.અતુલ ચગે પોતાની સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણ ચૂડાસમાને લઈને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. એમાં વેરાવળ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે ફરિયાદ ન નોંધતાં ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો અગાઉ ખુલાસો થયો હતો.

વેરાવળના સેવાભાવી ડો.ચગે ગળેફાંસો ખાધો હતો
12
મી ફેબ્રુઆરીના રોજ વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ ડો.અતુલ ચગ એમ.ડી.એ હોસ્પિટલની ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે 11 વાગ્યે નિયમિત ડોક્ટર નીચે આવતા હતા, પરંતુ સવારના ટાઈમે નીચે ન આવતાં સ્ટાફે 11 વાગ્યા બાદ જોતાં ગળેફાંસો ખાઈ લીધાની જાણ થઈ હતી, જેથી સ્ટાફે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સુસાઇડ નોટમાં રાજેશ ચૂડાસમાના નામનો ઉલ્લેખ
આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલે રાજકીય અને સામાજિક આગેવાનો તથા તબીબો દોડી ગયા હતા. તબીબે ગળેફાંસો ખાતાં પહેલાં લખેલી એક લાઇનની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું નારણભાઇ તથા રાજેશભાઇ ચૂડાસમાને કારણે આત્મહત્યા કરું છુંએમ લખીને નીચે સહી કરી છે. આત્મહત્યાના આ બનાવમાં મોટી નાણાકીય લેવડ-દેવડને કારણે કોઈ ચિંતા હોવાને કારણે આ પગલું ભરાયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post