• Home
  • News
  • આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની હાઈ વોલ્ટેજ ચૂંટણી: ભાજ૫-કિસાન સંઘ વચ્ચે ટક્કર, 14 બેઠક-32ઉમેદવાર
post

ભાજ૫ અને કિસાન સંઘ વચ્ચે ટક્કર : ૧૪ બેઠક-૩૨ ઉમેદવાર, બે બેઠક બિનહરિફ

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:15:00

ગત ચૂંટણી બાદ સહકાર પેનલનું શાસન હતું અને ભાજપના ડી.કે. સખીયા ચેરમેન હતા. આ વખતે ભાજપે પોતાની પેનલ મેદાને ઉતારી છે. રૂપાંતરણની બે બેઠક બિનહરિફ થઈ ચૂકી છે. જે બંને ભાજપ પેનલના ઉમેદવારને ફાળે આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૨ પેનલો સામસામી ટકરાઈ છે. ત્રણ દાયકાના અંતરાલ બાદ પેનલ ટુ પેનલ લડત માટે ઉમેદવારો સામસામે છે. ભાજપની પેનલ સામે કિસાન સંઘની પેનલ ઉપરાંત ૨ સ્વતંત્ર ઉમેદવાર મળી કુલ ૨૨ ઉમેદવાર મેદાનમાં છે તેમના માટે ૧૪૬૨ મતદાર મતદાન કરશે. વેપારી વિભાગની ૪ બેઠક માટે બે સામસામી પેનલ ઉપરાંત ૨ સ્વતંત્ર ઉમેદવાર મળીને ૧૦ ઉમેદવાર મેદાનમા છે તેમના માટે ૫૭૦ લાયસન્સદાર વેપારીઓ મતદાન કરશે. રૂપાંતરણની બે બેઠક બિનહરિફ થઈ છે જેમાં પરસોતમભાઈ સાવલિયા અને કેશુભાઈ નંદાણીયા બિનહરિફ થયા છે. ગઈ કાલે સવારે ૯થી સાંજે ૫ સુધી મતદાન ચાલશે. મતદાન માટે બેડી ખાતે પાંચ કેન્દ્રો રહેશે. ૪ કેન્દ્રો ખેડૂતો માટેના અને ૧ વેપારી મતદારોનું રહેશે. તા.૬ના સવારે ૯થી ગણના શરૂ થશે અને ૧૨ સુધીમાં પરિણામ આવી જશે.

ગત ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા થયેલી

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા થયેલી અને ડી.કે.સખીયા ચેરમેન તેમજ હરદેવસિંહ જાડેજા વાઈસ ચેરમેન બનેલા. આ ઉપરાંત પરસોતમભાઈ સાવલિયા, ગૌતમ કાનગડ, દિનેશ ઢોલરિયા, મગન ઝાલાવાડિયા, પ્રવિણસિંહ જાડેજા,જમન ધામેલિયા, મનસુખ સંખારવા, લિંબા સાકરીયા જીત્યા હતા. વેપારી વિભાગમાં પ્રવિણ આણદાણી, સુરેશ ચંદારાણા, કાંતિ તળપદા, વલ્લભ પટેલ ચૂંટાયા હતા.

ત્રણ તાલુકાની ૯૬ મંડળીના ૧૪૬૨ મતદાર

રાજકોટ ઉપરાંત પડધરી અને લોધીકા મળી ત્રણ તાલુકા આ યાર્ડ સાથે જોડાયેલા છે અને તેના પોણા બે લાખ કિસાનો યાર્ડમા જણસી વેચવા આવતા હોય છે. યાર્ડમાં મતદાર તરીકે આ મંડળીના હોદ્દોદારો હોય છે. તેના નામે યાદી અગાઉ બની જાય છે અને તેના આધારે મતદાન થાય છે.એક મતદાર ખેડૂત પેનલના ૧૦ મત આપી શકે છે.

ચૂંટણીમાં સગાવાદ ફાલ્યોફુલ્યો, ૧ સિવાય નો-રિપીટ- રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીમાં આ વખતે ભાજપે નવો દાવ ખેલીને ઉમેદવારો બદલી નાખ્યા છે. અલબત, રૂપાંતરણમાં એક બેઠક અપવાદ રાખીને તમામ ઉમેદવારો બદલી નાખ્યા છે. ખેતિવાડીના ૧૦ ઉમેદવારો નવા ચહેરા છે તો વેપારી પેનલના ૪ ઉમેદવાર પણ નવા રાખ્યા છે. ઉમેદવારોમાં નો રિપીટ જેવું થયું છે પણ તેની સામે સગાવાદ ચાલ્યો છે જેમાં ચેરમેન ડી.કે. સખીયા અને ભાનુભાઈ મેતાના પુત્રને ટિકીટ આપવામા આવી છે.

યાર્ડના ચેરમેનનું રાજકીય વર્ચસ્વ- રાજકોટ યાર્ડના ચેરમેનનુ આખા જિલ્લામાં રાજકીય મહત્વ રહે છે. સહકારી ક્ષેત્રે તેઓ અન્ય ચૂંટણીમાં પણ પ્રભાવ પાડી શકે છે. ત્રણ તાલુકાની૯૬ મંડળીના ૧૪૦૦થી વધુ હોદ્દેદારોનું તેઓ સીધુ પ્રતિનિધિત્વ કરતા હોવાથી રાજકીય ક્ષેત્રે તેમનું સન્માન રહે છે. પંચાયત અને ગ્રામિણ રાજકારણમાં તેઓ પોતાના પક્ષને ફાયદો કરાવી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post