• Home
  • News
  • ક્યાં સુધી આંકડાના દમ પર રમતો જોવા મળશે કોહલી? ટી-20માં વિરાટે ગુમાવી 50ની એવરેજ
post

વિરાટ કોહલીનું સતત કથળી રહેલું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ બની ચૂક્યું છે. પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ 35 રનની સંઘર્ષપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. તે ઈનિંગ્સ પછી વિરાટ કોહલીની ટી-20 ઈન્ટરનેશનલમાં બેટિંગ એવરેજ 50ની નીચેની આવી ગઈ. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ પહેલાંથી જ 50ની નીચે આવી ગઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-30 18:14:40

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ સતત ચિંતા વધારી રહ્યું છે. એશિયા કપ 2022માં વિરાટ કોહલી પાકિસ્તાન સામે 35 રન જ બનાવી શક્યો હતો. તેને સ્પિન બોલર મોહમ્મદ નવાઝે લોંગ ઓફ રિઝનમાં કેચ આઉટ કરાવ્યો હતો. તે ઈનિંગ્સ પછી ટી-20 ઈન્ટરનેશનલમાં પણ કોહલીની એવરેજ 50ની નીચે આવી ગઈ. કોહલીનું જૂના ફોર્મમાં પાછા ન ફરવું ભારતીય ટીમ માટે મોટી મુશ્કેલી બનતું જઈ રહ્યું છે.

પાકિસ્તાન સામે 35 રન બનાવ્યા પરંતુ...
વિરાટ કોહલી પાકિસ્તાન સામે મેચમાં રવીન્દ્ર જાડેજાની સાથે સંયુક્ત રીતે સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન હતો. પરંતુ આખી ઈનિંગ્સ દરમિયાન વિરાટ કોહલી આઉટ ઓફ ટચ જોવા મળ્યો. તેને જોઈને એવું લાગતું હતું કે તે ગમે ત્યારે આઉટ થઈ શકે છે. પોતાની 100મી ટી-20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલી ડક આઉટ થતો રહી ગયો જ્યારે બીજી સ્લીપમાં ફખર જમાને તેનો કેચ પાડી દીધો. કોહલીએ પોતાની ઈનિંગ્સ દરમિયાન માત્ર એક સારો શોટ રમ્યો.

ટેસ્ટમાં પહેલા જ એવરેજ ઘટી ગઈ છે:
પાકિસ્તાન સામે મેચ પહેલાં કોહલીની ટી-20 ઈન્ટરનેશનલમાં બેટિંગ એવરેજ 50.12ની હતી. પરંતુ આ મેચ પછી કોહલીની આ ફોર્મેટમાં એવરેજ 48.89ની થઈ ગઈ. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ 49.53ની છે. એવામાં હવે માત્ર વન-ડે ક્રિકેટમાં જ તેની એવરેજ 50થી વધારેની રહી ગઈ છે. કોહલીની વન-ડેમાં એવરેજ 57.68ની છે. પરંતુ આગામી 2-3 મહિના સુધી ભારતને મોટાભાગે ટી-20 મેચ જ રમવાની છે. અને વન-ડે ક્રિકેટને લઈને ખેલાડીઓની દિલચશ્પી પણ ઓછી થઈ રહી છે.

નવેમ્બર 2019માં ફટકારી હતી છેલ્લી સદી:
વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019માં આવી હતી. જ્યારે તેણે બાંગ્લાદેશ સામે કોલકાતા ટેસ્ટ મેચના બીજા દિવસે 136 રન બનાવ્યા હતા. આ ઈન્ટરનેશનલ લેવલ પર કોહલીની 70મી સદી હતી. કોહલી સૌથી વધારે સદીની યાદીમાં ત્રીજા સ્થાને છે. આ મામલામાં બીજા સ્થાને રહેલા રિકી પોન્ટિંગથી તે માત્ર એક સદી પાછળ છે. પરંતુ કિંગ કોહલીનો આ ઈંતઝાર ઘણો લાંબો થઈ ચૂક્યો છે.

કારકિર્દીની એવરેજ પણ ઘટી:
બાંગ્લાદેશ સામે તે સદી પછી વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલની કુલ 80 ઈનિંગ્સમાં 2589 રન બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ 35.46ની રહી છે. જે તેની કારકિર્દીની એવરેજ 53.51થી મેચ થતી નથી. જો કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહેશે તો તેની કારકિર્દીની એવરેજ 50ની નીચે આવી શકે છે.

બ્રેક લીધી પરંતુ કોઈ ફાયદો નહીં:
વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. એવામાં તે 41 દિવસ પછી ઈન્ટરનેશનલ મેચ રમવા ઉતર્યો હતો. બધાને આશા હતી કે તે બ્રેક પછી કટ્ટર હરિફ પાકિસ્તાનની ટીમ સામે પોતાના બેટિંગથી શાનદાર પ્રદર્શન કરશે પરંતુ એવું કંઈ જોવા મળ્યું નહીં. હવે કોહલી નબળી જોવા મળતી હોંગકોંગની ટીમ સામે મોટી ઈનિંગ્સ રમે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે.