• Home
  • News
  • IPLમાં સૌથી સફળ ભારતીય છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, કેટલાક યુવાનો એક સિઝન સારી રમીને ટીમમાં આવી જાય છે : અમિત મિશ્રા
post

દિલ્હી કેપિટલ્સના લેગ સ્પિનર અમિત મિશ્રાએ IPLમાં 147 મેચમાં 157 વિકેટ લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 11:26:51

નવી દિલ્હી: લેગ સ્પિનર અમિત મિશ્રા અનેક વખત ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થયો છે. તેણે છેલ્લી મેચ 2017માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્રણ વર્ષથી નેશનલ ટીમમાંથી બહાર રહેલા 37 વર્ષના અમિતને હજુ પણ ટીમ ઈન્ડિયામાં પુનરાગમનની આશા છે. અમિતે 2003માં ડેબ્યુ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સના અમિતે કહ્યું કે, તે IPLનૌ સૌથી સફળ ભારતીય બોલર છે, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, જ્યારે કેટલાક યુવાનો એક સિઝન રમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી લે છે. તેની સાથેની વાતચીતના અંશ...

સવાલ: તમે લીગમાં બીજો સૌથી સફળ બોલર છો, પરંતુ તમને એ શ્રેય મળતું નથી?
અમિત મિશ્રા: તમે પ્રથમ વ્યક્તિ છો, જેણે મને આ રીતે સંબોધિત કર્યો છે. અગાઉ કોઈએ મારો પરિચય IPLમાં ભારતના સૌથી સફળ બોલર તરીકે આપ્યો નથી. જો મને તક મળતી તો મારા નામે વિકેટો વધુ હોત.

સવાલ: તમે જે સન્માનના હકદાર હતા, એ નથી મળ્યું. શું આ વાત પર નિરાશા થાય છે?
અમિત મિશ્રા: બિલકુલ. હું છેલ્લા બે વર્ષથી IPLમાં સારું રમું છું. આ દરમિયાન હું ભારતીય ટીમથી બહાર રહ્યો છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી. અનેક વખત યુવાન ખેલાડી IPLની એક સિઝનમાં સારું રમીને ટીમ ઈન્ડિયામાં આવી જાય છે. છેલ્લા બે દાયકાથી રમતો હોવા છતાં મારે દરેક વખત ખુદને સાબિત કરવાની જરૂર પડે છે.

સવાલ: શું તમને લાગે છે કે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન તમારા માટે શક્ય છે?
અમિત મિશ્રા: બિલકુલ છે અને એટલે જ રમી રહ્યો છું. હું માત્ર IPL માટે રમનારો બોલર નથી.

સવાલ: પુનરાગમન કેટલું મુશ્કેલ હશે?
અમિત મિશ્રા: અગાઉ અમે હંમેશાં વ્યસ્ત રહેતા હતા. વધુ ક્રિકેટ રમાતી હતી. હવે પુનરાગમન સરળ નહીં હોય. મહેનત કરવી પડશે.

સવાલ: IPL હેટ્રિક અને ટીમ ઈન્ડિયામાં પુનરાગમન, બંનેમાં સરળ શું રહ્યું?
અમિત મિશ્રા: ભારતીય ટીમમાં પુનરાગમન મુશ્કેલ રહ્યું છે. IPLમાં સારી રમત બતાવવા છતાં, હરિયાણા માટે રણજી ટ્રોફીમાં કેપ્ટનની વધારાની જવાબદારી ઉપાડવા છતાં ટીમ ઈન્ડિયામાં મારું પુનરાગમન થઈ શક્યું નથી. IPLમાં હેટ્રિક લેવી તમારા હાથમાં હોય છે અને બંનેમાં આ જ ફરક છે.

સવાલ: તમને ક્યારેય એવી નિરાશા થઈ કે રમત છોડી દેવાનો વિચાર કર્યો હોય ?
અમિત મિશ્રા: હા, થઈ છે. જોકે, દરેક વખતે મેં વિચાર્યું કે, જો હું છોડી દઈશ તો તેનો ફાયદો મારા વિરોધીઓને થશે. તેથી નકારાત્મક વિચારોથી બચવા ખુદને મોટિવેટ કરું છું.

સવાલ: ટી20માં તો લેગ સ્પિનરનો દબદબો છે, પરંતુ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં એક પણ લેગ સ્પિનર નથી. આવું કેમ?
અમિત મિશ્રા: મહેનતના અભાવના કારણે આવું થાય છે. મને હજુ પણ યાદ છે કે, કુંબલે અને વોર્ન જેવા ખેલાડી કેટલી મહેનત કરતા હતા. એક વખત તેંડુલકરે કહ્યું હતું કે, વિદેશ પ્રવાસની તૈયારી મહિનાઓ પહેલા શરૂ કરી દેવી જોઈએ. તો જ તમે ત્યાં સફળ થઈ શકો છો.

અમિતે IPLમાં વિક્રમી 3 હેટ્રિક લીધી છે
અમિત મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 રમ્યો છે. તેમાં તેમના નામે ક્રમશ: 76, 64 અને 16 વિકેટ નોંધાયેલી છે. 5 મેચની વનડે સીરિઝમાં સૌથી વધુ 18 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. 147 IPL મેચમાં 157 વિકેટ લઈને તે IPLનો સૌથી સફળ ભારતીય બોલર છે. IPLમાં સૌથી વધુ 3 હેટ્રિક લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે.