• Home
  • News
  • રાજકોટ અગ્નિકાંડમાં પરિવારજનોનો વલોપાત:‘મેં પિતા ગુમાવ્યા છે, ઊંઘી નથી શકતો, તંત્ર બેજવાબદાર તબીબોની ઊંઘની ચિંતા કરીને ગાદલા પાથરી રહ્યું છે’
post

ઉદય શિવાનંદ અગ્નિકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારજનોનો વલોપાત અને આક્રોશ‘કોઇ ચેરિટી કરતું ન હતું પૈસા ઊભા ઊભા લીધા છે, બેદરકારીને કેમ અકસ્માતમાં ખપાવો છો’

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-09 08:53:16

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 6 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ મામલે પરિવારજનોએ તબીબો પર ફિટકાર વરસાવી ભાસ્કરને જણાવ્યું હતું કે, ડો. પ્રકાશ મોઢા સહિતના તબીબો આ હોસ્પિટલના સંચાલકો હતા અને તેમની બેદરકારીને કારણે અમારા સ્વજનોએ જીવ ગુમાવવા પડ્યા છે.

તબીબો પર ફરિયાદ થઈ અને ધરપકડ પણ થઈ હતી પરંતુ હવે તેઓ છૂટથી ફરી રહ્યા છે, પોલીસ સ્ટેશનમાં સુવિધાઓ પૂરી પાડી દેવાઈ હતી. વિવેક અકબરીએ તો કહ્યું કે, હવે ન્યાય મળશે કે નહીં તે પણ સવાલ છે. અંકિત બદાણીએ કહ્યું કે હોસ્પિટલે જ્યારે પૈસા માગ્યા ત્યારે આપ્યા છે તો પછી સુરક્ષાનું ધ્યાન રાખવું જ જોઈએ, અકસ્માત કહીને જવાબદારીથી છટકી ન શકે.

તબીબોની લાગવગ છેક સુધી લાગે છે, અમારે ફક્ત જીવ જ બાળવાનો?
આગમાં જીવ ગુમાવનાર કેશુભાઈ અકબરીના પુત્ર વિવેક જણાવે છે કે, ‘અમે અમારા ઘરનું મોભી અને સ્વજન ગુમાવ્યું છે જેનું ખૂબ દુ:ખ છે. આ મોત પાછળ જે જવાબદાર છે તેવા તબીબોને જોતા રોષ પણ એટલો જ આવે છે. જેને સોંપ્યા હતા તેની બેદરકારીને કારણે હવે અમારી વચ્ચે પિતા નથી.

કાર્યવાહી માત્ર નામ પૂરતી થઈ અને તેમાં પણ તબીબોને આરામથી સુખ સુવિધાઓ સાથે રાખવામાં આવતા અમારી અંદર જે બળતરા છે તેની આગમાં ઘી હોમવાનુ કામ થયું છે. હવે તો મને એમ જ લાગે છે કે આ ડોક્ટરો બધી રીતે પૂરા છે નીચેથી ઉપર સુધી બધે લાગવગ છે એટલે ક્યાંકને ક્યાંક લાભ લઈ નીકળી જશે અને અમને હવે ન્યાય નહીં મળે. અમારે તો ફક્ત હવે જીવ જ બાળવાનો?’

જવાબદારોને સજા મળવી જ જોઈએ : અંકિત
નીતિનભાઈ બદાણીના પુત્ર અંકિત જણાવે છે કે, ‘મેં પિતા ગુમાવ્યા છે, અમારું છત્ર ગયું છે તેનું દુ:ખ સહન જ નથી થતું. હુ 24 કલાકમાં માંડ દોઢ કલાક સૂઈ શકું છું. આંખોમાં આંસુ સુકાતા નથી. તેવામાં જાણવા મળ્યું કે મારા પિતાના મોત માટે જે જવાબદાર છે તેમને પોલીસ સ્ટેશનમાં પણ આરામથી સૂવા માટે ગાદલા અપાયા છે. જો કોઇ સામાન્ય વ્યક્તિ હોય તો તેમને આવી સુખ સુવિધા મળે? ન જ મળે.

મારા સ્વજન ગયા છે એટલે જ નહિ પણ કોઇને પણ સ્વજન ગુમાવવા પડે તે સ્થિતિ વિકટ હોય છે તેથી તે પરિવારને ન્યાય મળવો જોઇએ અને જવાબદારોને સજા આપવી જોઈએ. તબીબો એમ કહે છે કે અમારી પાસે બધા સાધનો હતા આ તો અકસ્માત છે. ત્યારે એ બેદરકાર તબીબોને એટલું કહેવાનું થાય છે કે તમે કોઇ ચેરિટી કરતા ન હતા. ઊભા ઊભા પૈસા લીધા છે. કોઇ મફતમાં સારવાર કરે અને ખામીવાળા મશીન હોય તો સમજ્યા તમને ક્યાં ઓછું આપ્યું છે? બેદરકારીને અકસ્માતમાં ખપાવો છો, બંધ કરો.


adv

Related News

post
post
post
post
post
post
post