• Home
  • News
  • આઈસીસીએ પસંદ કરી મહિલા વિશ્વકપની બેસ્ટ ટીમ, એકપણ ભારતીય ખેલાડીને જગ્યા મળી નહીં
post

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મહિલા વિશ્વકપ બાદ ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા કેપ્ટન મેગ લેનિંગને આ ટીમની કમાન સોંપવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-05 12:12:19

દુબઈઃ ન્યૂઝીલેન્ડમાં રમાયેલા મહિલા વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રને પરાજય આપી રેકોર્ડ સાતમી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો. રવિવારે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રને કારમો પરાજય આપ્યો હતો. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 357 રનના ટોર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 285 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તરફથી ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ 11 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. 

આઈસીસી તરફથી પસંદ કરવામાં આવેલી ટીમમાં કોઈ ભારતીય ખેલાડીને જગ્યા મળી નથી. ભારતીય ટીમ આ વિશ્વકપમાં 3 જીત અને ચાર હાર સાથે પાંચમાં સ્થાને રહી હતી. આ ટીમમાં 4 ઓસ્ટ્રેલિયન, 3 દક્ષિણ આફ્રિકી, 2 ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝના એક-એક ખેલાડીની પસંદ કરવામાં આવી છે. આ ટીમ મહિલા વિશ્વકપમાં સામેલ કોમેન્ટ્રેટર, પત્રકાર અને આઈસીસી પેનલના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવી છે. 

મેગ લેનિંગ બની કેપ્ટન
આઈસીસી દ્વારા પસંદ કરવામાં આવેલી ટીમની કેપ્ટન વિશ્વ કપ વિજેતા મેગ લેનિંગને બનાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ એકપણ મેચ ગુમાવ્યા વગર વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ઓપનિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર આફ્રિકાની બેટર લોરા વોલવાર્ટની સાથે સેમીફાઇનલ અને ફાઇનલમાં સદી ફટકારનાર એલીસા હીલીને પસંદ કરવામાં આવી છે. આ ટીમમાં નંબર 3 પર કેપ્ટન મેગ લેનિંગ અને નંબર ચાર પર રેચેલ હેન્સને રાખવામાં આવી છે. 

તો પાંચમાં, છઠ્ઠા અને સાતમાં નંબર પર નેટ સિવર, બેથ મૂની અને હેલી મેથ્યૂસને ઓલરાઉન્ડર તરીકે જગ્યા મળી છે. બોલિંગમાં આફ્રિકાની મારિઝાન કપ, શબનમ ઇસ્માઇલની સાથે ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને બાંગ્લાદેશની સલમા ખાતૂનને જગ્યા મળી છે. બાંગ્લાદેશના બોલરોએ ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યુ હતું. જેમાં સલમા ખાતૂનની મુખ્ય ભૂમિકા રહી હતી. તો સોફી એક્લેસ્ટોન (21 વિકેટ) સૌથી વધુ વિકેટ હાસિલ કરી હતી. 

આઈસીસી દ્વારા પસંદ કરવામાં આવેલી ટીમઃ લોરા વોલવાર્ટ, એલિસા હીલી, મેગ લેનિંગ (કેપ્ટન), રેચેલ હેન્સ, નતાલી સિવર, બેથ મૂની, હેલી મેથ્યૂસ, મારિઝાન કપ, સોફી એક્લેસ્ટોન, શબનિમ ઇસ્માયલ, સલમા ખાતુન.