• Home
  • News
  • ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી:ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર જીતે તો મંત્રી બનશે
post

હાલ ભાજપના કેટલાંક ધારાસભ્યોને પણ મંત્રી બનાવાઇ શકે છે જ્યારે કેટલાંકની નિમણૂંક સંસદીય સચિવ તરીકે કરવામાં આવી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 09:36:12

ભાજપ હાઇકમાન્ડે ગઢડા અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી આત્મારામ પરમારને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. આત્મારામ પરમાર વર્તમાન પ્રમુખ સી આર પાટીલના મિત્ર હોવાથી તેમની ઉમેદવારી નક્કી જ હતી અને ગયા અઠવાડિયે કમલમ ખાતે યોજાયેલી પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ જ નામ ફાઇનલ થયું હતું. જો પરમાર ગઢડા બેઠક પરથી જીતે તો તેમને મંત્રીમંડળમાં સમાવાશે, તે હવે સંભવિત થઇ રહ્યું હોય તેમ બની રહ્યું છે. તેથી દિવાળીના તહેવાર બાદ તરત જ મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, ગુજરાત ભાજપના ખૂબ વરિષ્ઠ દલિત નેતાઓમાંના આત્મારામ પરમાર એક છે. તેઓ ચૂંટણી જીતીને ધારાસભ્ય બને તો તેમને મંત્રીમંડળમાં સમાવવા જ પડે. આ ઉપરાંત પ્રમુખ પાટીલ પોતે પણ ઘણાં સમયથી ઇચ્છે છે કે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે. તેથી પરમાર મંત્રી બનશે અને વર્તમાન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારને અનુસૂચિત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે.

ભાજપના નેતાના જણાવ્યા અનુસાર માત્ર પરમાર જ નહીં પરંતુ પેટાચૂંટણીમાંથી જીતીને આવનારા ધારાસભ્યો પૈકી અન્ય બેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવી શકે. તે ઉપરાંત હાલ ભાજપના કેટલાંક ધારાસભ્યોને પણ મંત્રી બનાવાઇ શકે છે જ્યારે કેટલાંકની નિમણૂંક સંસદીય સચિવ તરીકે કરવામાં આવી શકે છે. જો કે આ સાથે લગભગ છથી સાત મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી પણ વકી છે.

આ સાથે જ ગુજરાત ભાજપના સંગઠનમાં પણ તમામ નિમણૂંકો આ સમયગાળા દરમિયાન જ કરવામાં આવશે. આમ દિવાળી પછીના તરતના પંદર દિવસની અંદર મંત્રીમંડળ, સરકારના બોર્ડ નિગમો તથા ભાજપ સંગઠનમાં નવી નિયુક્તિઓ થઇ ગઇ હશે. આ નવી ટીમ ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીઓને લક્ષ્યમાં લઇને કામ કરશે. તે પૂર્વે આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ તેઓએ પોતાના કાંડાનું કૌવત બતાવવાનું રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post