• Home
  • News
  • લોકો વીકમાં એક દિવસ પણ ઘરેથી કામ કરવા માંડે તો ટ્રાફિક અને પ્રદૂષણ ઘણું ઘટી જાય, લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરે
post

50 વર્ષ અગાઉ અર્થ-ડેની શરૂઆત કરનાર ડેનિસ હેસ ધરતી શું ઇચ્છે છે અને જીવનશૈલી કેવી હોવી જોઇએ તે જણાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 11:49:10

આજે દુનિયા 50મો અર્થ-ડે મનાવી રહી છે. ડેનિસ હેસ અર્થ ડે નેટવર્કના ચેરમેન છે. 22 એપ્રિલ, 1970ના રોજ પ્રથમ અર્થ-ડેનું આયોજન હેસએ જ કર્યું હતું, તત્કાલીન અમેરિકી સેનેટર ગેલોર્ડ નેલ્સન તેના ફાઉન્ડર હતા. ત્યારે માત્ર અખબારોના માધ્યમથી આ આયોજનમાં 2 કરોડ લોકો જોડાયા હતા. હેસ હાર્વર્ડ યુનિ.માંથી અભ્યાસ અધૂરો છોડીને ધરતીને બચાવવાના કામમાં જોડાઇ ગયા હતા. તેઓ એન્જિનિયર છે અને સ્ટેનફોર્ડ યુનિ.ના પ્રોફેસર રહી ચૂક્યા છે. દૈનિક ભાસ્કરના રિતેશ શુક્લા સાથેની તેમની ખાસ વાતચીત વાંચો- 

પ્રશ્નઃ લૉકડાઉનના કારણે હવા અને નદીઓ સ્વચ્છ થઇ રહી છે. શું પ્રદૂષણ વિના સારું જીવન શક્ય છે?
આજે દુનિયામાં 750 કરોડ લોકો બહેતર જિંદગી માટે સગવડો ઇચ્છે છે. તેની ધરતી અને પ્રકૃતિ પર ખતરનાક અસર થઇ શકે છે. ખાસ કરીને જો બધા જ કોલસામાંથી કે ક્રૂડમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરતા રહ્યા તો. વિડંબના એ છે કે ફોસિલ ફ્યૂઅલની કિંમતમાં માત્ર તેને કાઢવાનો અને વાપરવાલાયક બનાવવાનો ખર્ચ ઉમેરાય છે. તે અણમોલ કુદરતી સંસાધનોની કિંમત નથી ઉમેરાતી કે જેમનું આપણે સતત શોષણ કરી રહ્યા છીએ. 

પ્રશ્નઃ શું ફોસિલ ફ્યૂઅલની કિંમત ફરી નક્કી થવી જોઇએ?
અમેરિકામાં 1 ટન કાર્બન ઉત્સર્જન પર 15 ડોલર (1150 રૂ.) ટેક્સનો પ્રસ્તાવ હતો. તેનાથી પેટ્રોલનો ભાવ અંદાજે 3 રૂ. વધી જાત પણ આ પ્રસ્તાવ ક્યારેય પસાર થઇ શક્યો નહીં. ફ્રાન્સમાં તે માટેના પ્રયાસ થયા તો યલો વેસ્ટ મૂવમેન્ટ શરૂ થઇ ગઇ. 

પ્રશ્નઃ આપણી ધરતી કેટલા લોકોને સંભાળી શકે છે?
અમેરિકનો સગવડો વાપરે છે તેના આધારે ધરતી પર હાલ તેની ક્ષમતાથી 10 ગણી વધુ વસતી છે. અમેરિકા વેસ્ટફુલ દેશ છે. સ્વિડનના લોકોની જીવનશૈલી મુજબ ધરતી પર ક્ષમતાથી 3 ગણી વસતી છે પણ યુગાન્ડાના ખેડૂતોની જીવનશૈલીને આધાર માનીએ તો ધરતી પર 2 હજાર કરોડ લોકો અનંત સમય સુધી રહી શકે છે. ખરો આધાર સ્વિડન, ડેનમાર્ક કે નોર્વે હોવા જોઇએ. ત્યાંની જીવનશૈલી પ્રમાણે ધરતી પર 200 કરોડ લોકો અનંત સમય સુધી રહી શકે છે. ભારત આ બધાની મિશ્ર જીવનશૈલી ધરાવતો દેશ છે. 

પ્રશ્નઃ ભારત નવી ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે?
ભારતમાં શક્યતાઓ છે. માત્ર કટિબદ્ધતાની જરૂર છે. ચીન એકલું વિશ્વભરના વોલ્યૂમથી વધુ સોલર મોડ્યૂલ બનાવે છે. ટેક્નોલોજી બાબતે ભારત પણ ઘણું એડવાન્સ છે. સૌરઉર્જાની સારી બાબત એ છે કે તમે તે ઘર-ઓફિસમાં પણ બનાવી શકો છો. સૌરઉર્જા ભારતનાં ગામોને સ્વાવલંબી બનાવવાનો સારો સ્ત્રોત છે. એટલે કે ભારત ઔદ્યોગિક ક્રાંતિની આડઅસરોથી બચીને વિકસિત દેશ બની શકે છે. ધરતીના પેટાળમાંથી કોલસો કાઢીને તેને થર્મલ પાવર સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેટલા ખર્ચમાં તો સૌરઉર્જા તૈયાર થઇ જાય છે. 

પ્રશ્નઃ આગામી વર્ષ દરમિયાન વિશ્વની રૂપરેખા કેવી હશે?
કોરોના આવ્યા બાદ લોકોની જીવનશૈલી બદલાઇ છે, જે આગળ પણ જારી રહેશે. લોકો હવે ભીડમાં જતાં ગભરાશે. અઠવાડિયામાં 1 દિવસ લોકો ઘરેથી કામ કરવા લાગે તો રસ્તા પર બોજ ઘટી જશે, ટ્રાફિક-પ્રદૂષણ પણ ઘટશે. લોકો ઘરે બનેલી રસોઇ વધુ ખાશે, જે પૌષ્ટિક હશે. 

પ્રશ્નઃ તમે કાઉડનામની એક બુક લખી છે. શું તે ગાયના જીવન અને ધરતીના સ્વાસ્થ્ય વચ્ચે કોઇ સંબંધ છે?
બહુ મોટી લિન્ક છે. અમેરિકામાં 9 કરોડ ગાય છે. તેમને મકાઇ ખવડાવાય છે, જેથી તેમનું વજન વધે, કેમ કે અહીં લોકો બીફ ખાય છે. મકાઇ ખાવાથી ગાયને બીમારીઓ થાય છે, જે દબાવવા તેને એન્ટિબાયોટિક અપાય છે. થોડા સમય બાદ બેક્ટેરિયા એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ થઇ જાય છે. બીમાર ગાય ખાઇને લોકો પણ કાયમ માટે બીમાર પડી જાય છે. ખરેખર તો બીફ ખાય છે તે લોકો વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post