• Home
  • News
  • દર્દીને ઓક્સિજનની જરૂર વધીને 20 લિટર થાય તો ટોસિલિઝુમેબ, ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન હોય તો જ રેમેડેસિવિર ઈન્જેક્શન આપી શકાય: ડો. અતુલ પટેલ
post

ટોસિલિઝુમેબથી બેક્ટેરિયલ, વાઈરલ અને ફંગલ ઈન્ફેક્શનની સાથે લિવર પર સોજો આવવા જેવી આડ અસર થતી હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:48:31

અમદાવાદ: કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. અતુલ પટેલે ટોસિલિઝુમેબ, રેમેડેસિવિર માટેની આંધળી દોટ સામે લાલબત્તી કરતા કહ્યું છે કે દર્દીને ઓક્સિજનની જરૂર વધીને 20 લિટર થાય તો ટોસિલિઝુમેબ, ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન હોય તો જ રેમેડેસિવિર ઈન્જેક્શન આપી શકાય. 

ઈન્ફેક્શિયસ ડિસિઝ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અતુલ પટેલે ટોસિલિઝુમેબ અને રેમેડેસિવિર ઈન્જેકશન અંગે જણાવ્યું સત્ય
સવાલ: કોરોનાના દર્દીને ટોસિલિઝુમેબ, રેમેડેસિવિર ક્યારે આપવા જોઈએ? 
જવાબ: ટોસિલિઝુમેબ રુમેટોઈડ આર્થરાઈટીસ માટે જ્યારે રેમેડેસિવિર ઈબોલા વાઈરસ માટેની દવા છે. કોરોનાના દર્દી બાયપેપ કે વેન્ટિલેટર પર હોય અથવા ઓક્સિજનની જરૂરિયાત 4 લિટરથી વધી 20 લિટર થાય ત્યારે ટોસિલિઝુમેબ આપી શકાય. રેમેડેસિવિર એન્ટિવાઈરલ દવા છે. દર્દીના બંને ફેફસાંમાં ન્યુમોનિયાની સાથે મોડરેટથી સિવિયર લક્ષણ હોય ત્યારે આ દવા આપી શકાય.

સવાલ: ટોસિલિઝુમેબ ઈન્જેક્શન કેવી રીતે આપવામાં આવતાં હોય છે
જવાબ: દર્દી મોડરેટમાંથી સિવિયર તરફ જાય અને ઓક્સિજનની જરૂર ક્રમશ: વધતી જાય ત્યારે બ્લડ ટેસ્ટ કરી એન્ઝાઈન આઈએલ-6  (ઈન્ટર લ્યુકેમ 6), ફેરેટીન અને સીઆરપીનું લેવલ ઊંચું જણાય ત્યારે દર્દીના વજન પ્રમાણે ઈન્જેક્શન અપાય છે. 1 કિલો વજને 8 મિલિગ્રામનો ડોઝ હોય છે. ઈન્જેક્શન આપ્યા પછી ઈન્ફેક્શન વધતું નથી તે ચેક કરવા દર્દીને ઓબ્ઝર્વેશનમાં રખાય છે.

સવાલ: કોરોનાના દરેક દર્દીને ટોસિલિઝુમેબ અને રેમેડેસિવિર કેમ ન આપી શકાય?  
જવાબ: ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આઈએલ-6 રિસેપ્ટ્સ સામેનું મોનોક્લોનલ એન્ટિ બોડી છે. તે એન્ટિ ઈન્ફલેમેટરી અને ઈમ્યુનો સપ્રેસીવ એજન્ટ છે. ટોસિલિઝુમેબથી દર્દીને ગંભીર બેક્ટેરિયલ અને માઈક્રો બેક્ટેરિયલ તેમજ વાઈરલ ઈન્ફેક્શન થઈ શકે છે. જ્યારે રેમેડેસિવિર ફેફસાંમાં વધુ પડતાં ઈન્ફેક્શનની સ્થિતિમાં જ આપી શકાય.

સવાલ: બંને ઈન્જેક્શનની આડઅસરો શું છે? બંને કોને ન આપી શકાય?
જવાબ: ટોસિલિઝુમેબથી ગંભીર બેક્ટેરિયલ, વાઈરલ અને ફંગલ ઈન્ફેક્શન ઉપરાંત લિવરને નુકસાન થઈ શકે છે. જ્યારે રેમેડેસિવિરથી કિડનીની ક્ષમતાને હાનિ પહોંચવાની શક્યતા રહેલી છે. બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન ધરાવતાં દર્દી તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાને ટોસિલિઝુમેબ ન આપી શકાય. જે દર્દીની કિડની પૂરી રીતે કામ કરતી ન હોય તેને રેમેડેસિવિર ન આપી શકાય.

સવાલ: ટોસિલિઝુમેબ અને રેમેડેસિવિરની મહત્તમ બજાર કિંમત કેટલી હોય છે
જવાબ: 400 મિલિગ્રામ ટોસિલિઝુમેબની કિંમત રૂ.40,545 છે. કોઈપણ ગ્રાહકે લેબલ પર છાપેલી કિંમતથી વધુ પૈસા આપવા નહીં. રેમેડેસિવિર 3 કંપની બનાવે છે. જેના 100 મિલિગ્રામના ઈન્જેક્શનનો ભાવ રૂ.5400, 4800 અને 4000 છે. જો કોઈ વેપારી આથી વધુ ભાવ લે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી શકાય. 

સવાલ: આ બંને દવા માટે હાલ મૂકવામાં આવતી આંધળી દોટ કેટલી હદે યોગ્ય છે?
જવાબ: ટોસિલિઝુમેબથી બેક્ટેરિયલ, વાઈરલ અને ફંગલ ઈન્ફેક્શનની સાથે લિવર પર સોજો આવવા જેવી આડ અસર થતી હોય છે. જ્યારે રેમેડેસિવિરથી એલર્જીક રિએકશન ઉપરાંત કિડનીને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે.માટે જરૂર વગર આ દવાનો ઉપયોગ કરવો હિતાવહ નથી. સામાન્ય લક્ષણ ધરાવતાં અથ‌વા એસિમ્ટોમેટિક દર્દીઓ માટે આ ઈન્જેક્શન જરૂરી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post